તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:IOC ડેપો પાસેથી મળેલી લાશ હત્યા કરીને ફેંકી દેવાયાની શંકા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાક અને માથાના ભાગે ગંભીર ઇજા હોવાનું પીએમમાં ખુલ્યું, હાથમાં શ્રીરામ ત્રોફાવેલું હોય એવા લોકોની યાદી ચકાસતી પોલીસ
  • ચાર દિવસ પૂર્વે અર્ધનગ્ન હાલતમાં લાશ મળી’ હતી

શહેરની ભાગોળે જામનગર રોડ પર આઇઓસીના ડેપો પાસેથી ચાર દિવસ પૂર્વે અર્ધનગ્ન હાલતમાં પ્રૌઢની લાશ મળી હતી, પ્રૌઢના નાક અને માથાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હોવાનો પોસ્ટમોર્ટમમાં ધડાકો થયો હતો. પ્રૌઢની હત્યા થયાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

આઇઓસી ડેપોની સામે અવાવરું સ્થળે લાશ પડી હોવાની ગત તા.4ના બપોરે જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ વાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આશરે 55 વર્ષના વયની લાશ અર્ધનગ્ન હતી અને ઊંધી પડી હતી. લાશ મળી તેના બે દિવસ પૂર્વે મૃત્યુ થયું હોય લાશ પર કાળા ડાઘ પડી ગયા હતા. મૃતકના જમણા હાથમાં શ્રીરામ ત્રોફાવેલું હતું. લાશ કોહવાઇ ગઇ હોવાથી ફોરેન્સિક નિષ્ણાત પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

લાશ પર ઇજાના કોઇ બાહ્ય નિશાન દેખાતા નહીં હોવાથી કુદરતી મૃત્યુ હોવાનું પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ લાગતું હતું, પરંતુ પ્રૌઢને નાક અને માથાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધડાકો થતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.પ્રૌઢની હત્યા થયાની શંકા પરથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પીઆઇ વાળાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં છેલ્લા દશ વર્ષથી લાપતા થયેલા અને લાપતા વ્યક્તિના હાથમાં શ્રીરામ ત્રોફાવેલું હોય તેવા લોકોની યાદી ચકાસવામાં આવી રહી છે, પ્રૌઢની ઓળખ મળ્યા બાદ તપાસને સાચી દિશા મળશે.

અન્ય સમાચારો પણ છે...