તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો 450 વૃદ્ધ પર સર્વે:72% વૃદ્ધો ઈચ્છે છે કે હવે મોત આવી જાય તો સારૂ, એકે કહ્યું- મારો દિકરો-વહુ માંકડ મારવાની દવા પીવડાવવાની કોશિશ કરી ચૂક્યા છે

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
 • શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક વિષયો વૃદ્ધો માટે મુશ્કેલ બન્યા, તેમને હૂંફ, પ્રેમ અને કાળજીની જરૂર

વૃદ્ધાવસ્થા એક એવો સમય કે જેમાં કોઈના સાથ સહકારની ઘણી જરૂરિયાત હોય છે. પણ આધુનિક સમયમાં પરિસ્થિતિ કંઇક વિપરીત બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ 450 વૃદ્ધોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં 72% વૃદ્ધ ઈચ્છે છે કે હવે મોત આવી જાય તો બધી પળોજણ દૂર થાય. એક વૃદ્ધે એવું પણ જણાવી દીધું કે, મારો દિકરો અને વહું અમને માંકડ મારવાની દવા પીવડાવવાની કોશિશ પણ કરી ચૂક્યા છે.

81% પુરુષ વૃદ્ધ એકલતા પરિવાર વચ્ચે પણ અનુભવે છે
81% પુરુષ વૃદ્ધ એકલતા પરિવાર વચ્ચે પણ અનુભવે છે, 63% સ્ત્રી વૃદ્ધ એકલતાનો અનુભવ કરે છે. 45% વૃદ્ધ ખિન્નતા એટલે કે ડિપ્રેશનનો અનુભવ કરે છે. 54% વૃદ્ધો કોઈને કોઈ માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા છે. 36% વૃદ્ધ સ્મૃતિ લોપનો એટલે કે યાદશક્તિ ઘટી જવાની બીમારી અનુભવી રહ્યા છે. 18% વૃદ્ધોને કાર્બન મોનોક્સાઈટ ગેસની ગંધ સુંઘવી ગમે છે. આ ગેસ વધારે સૂંઘવાથી વ્યક્તિમાં સ્મૃતિલોપ આવી શકે છે. 45% વૃદ્ધોને બેકાર કે નિરર્થક જીવન જીવે છે એવું લાગી રહ્યું છે.

વૃદ્ધોએ ઠાલવેલી વ્યથાઓ

 • અમારે કોઈ સંતાન નહોતું તો એક બાળક દત્તક લીધું. ખૂબ પ્રેમ, કાળજી, લાડકોડથી ઉછેર કર્યો, ભણાવ્યા લગ્ન કરાવ્યા અને જેવી ગરજ પૂર્ણ થઈ તો હવે અમને એકલા મૂકી દીધા. હું ને મારી પત્ની બે જ હવે એકબીજાને સહારો દઈએ છીએ. મિલકત પણ હવે કઈ બચી નથી. શુ આ સમય જોવા લોકો બાળકો ઇચ્છતા હશે?
 • મારા સંતાનોને હવે હું ભારે પડું છું. જ્યાં સુધી કમાતો હતો વાંધો નહતો પણ હવે જાણે પારકાના ઘરે રહીએ છીએ એવું લાગે છે.
 • તમે કોઈને કહેતા નહીં મારો દીકરો અને વહુ અમને માંકડ મારવાની દવા પીવડાવવાની કોશિશ કરી ચુક્યા છે. જીવવા માટે કામવાળીની જેમ ઘરમાં કામ કરીએ અને જીવન વિતાવીએ છીએ.
 • ઘરમાં બધાના ખર્ચ પોસાય પણ મારી દવા અને બીજા કોઈ ખર્ચ હોય તો મારા દીકરા વહુને પોસાતા નથી. એવું બોલે કે તમારા ભેગા કરેલ પૈસા માંથી ખર્ચ કરો. મેં તો ક્યારેય એવું નથી કહ્યું
 • આખો દિવસ ઘરમાં પુરાય રહેવું હવે ગમતું નથી. બાળકો તેની રીતે હરે ફરે અને ભેગા બેસીએ ત્યારે મોબાઈલનું વળગણ. અમને કઈ મોબાઈલમાં બધું વાપરતા આવડે નહિ એટલે એક ખૂણામાં બેસી જીવન ગાળીએ
 • મારા દિકરાના હવે લગ્ન કરવાના છે. તો કોઈ જગ્યાએ વાત ચલાવી તો ત્યાં એવું પૂછ્યું કે તમારા ઘરમાં ડસ્ટબીન કેટલા છે? મને થયું કે ડસ્ટબીન અને લગ્નને વળી શું લેવા દેવા? પછી ખબર પડી કે ઘરમાં વૃદ્ધો કેટલા એ પ્રશ્ન હતો. આ સાંભળી થયું કે શું વૃદ્ધો ડસ્ટબીન છે?
 • મને કોરોના થયો હતો ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે તમારે બધી દવા સમયસર અને ભોજન સરખું લેવું. બહુ ભૂખ્યું ન રહેવું. ઘરમાં કઈ ખાવાનું માગું તો ઘરમાં નથી ગમતું એવું સાંભળવા મળે કે વજન વધી જશે પણ વાસ્તવિકતા મને ખબર છે કે મારું કામ કરવું ગમતું નથી.
 • એક તો આમ પણ બાળકો લગ્ન પછી અમારાથી દૂર રહેતા અને આ કોરોનાને લીધે હવેપુત્રો અને પુત્રવધૂઓને વડીલોને એકલા છોડી દેવાનું બહાનું મળી ગયું છે, થોડી પણ તબિયત બગડે તો મોઢા ફેરવી લે છે આના કરતાં મરી તો સારું. અમારી દવાઓ પર ખર્ચ કરવો મુશ્કેલ બન્યું છે.
 • હું અને મારા પતિ મારા દીકરી-જમાઈ સાથે રહીએ છીએ. હમણાં મારા પતિની તબિયત બગડી હતી. પણ હમણાંથી એમને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સામાં ક્યારેક મોટેથી બોલે. પણ એની સામે મારા જમાઈ ખૂબ ખરાબ વર્તન કરે છે. પહેલા ધ્યાન રાખતા પણ તબિયત બગડ્યા પછી ખૂબ ખરાબ વર્તન કરે છે.
81 ટકા પુરૂષ વૃદ્ધ એકલતા અનુભવે છે.
81 ટકા પુરૂષ વૃદ્ધ એકલતા અનુભવે છે.

વૃદ્ધો હંમેશાં સામાજિક સંબંધો પર ખૂબ જ આધાર રાખે છે
વૃદ્ધ લોકોના જીવન અને આરોગ્ય માટે સમાન અધિકાર છે. વૃદ્ધો હંમેશાં સામાજિક સંબંધો પર ખૂબ જ આધાર રાખે છે. કોરોના યુગમાં આવા સંબંધોને પહેલા કરતા વધારે જરૂરી છે. વડીલોએ પોતાને દૂર રાખવાના બદલે તેમના હાથ પકડવાની અને તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાવાની જરૂર છે. કારણ કે તેઓ આ સમયગાળામાં વધુ એકલતા અનુભવે છે. ઘરના સભ્યો પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, તેમની સાથે વાત કરવાથી તે ફક્ત ખુશ થશે જ નહીં, પણ તેઓ પ્રેમનો અનુભવ કરશે.

વૃદ્ધોને પ્રેમ અને હૂંફની જરૂર.
વૃદ્ધોને પ્રેમ અને હૂંફની જરૂર.

વૃદ્ધો માટે શું કરવું જોઇએ?
1.
વૃદ્ધોને આર્થિક રીતે ઉન્નત બનાવવા માટે દરેક વૃદ્ધ માટે વૃદ્ધાવસ્થા ભથ્થું આપવું જોઇએ. જો વૃદ્ધ પગભર હશે તો પોતાની નાની નાની જરૂરિયાતમાં લાચારી નિઃસહાયતા નહીં અનુભવે.. યાદ કરો બાગબાન ફિલ્મમાં ચશ્માં તૂટે તે સીન.
2. વૃદ્ધો માટે અલગ ચિકિત્સાલય અને નિઃશુલ્ક કેન્દ્રોની વ્યવસ્થા કરવી જોઇએ.
3. યુવા પેઢીમાં પારિવારિક અને સામાજિક સમજણ વિકસે તે માટે પ્રયત્ન કરવા જોઇએ.
4. હેલ્પ ઇન્ડિયા જેવી સંસ્થાઓને વિસ્તારવી જોઇએ અથવા નવી સંસ્થાઓ સ્થાપવી જોઇએ.
5. કડક કાયદાકીય જોગવાઇઓ તો છે પરંતું તેની અમલવારી વ્યવસ્થિત થાય તે માટે પુરતી તકેદારી રાખવી જોઇએ.
6. વૃદ્ધ લોકોની માનસિકતા તંદુરસ્ત રહે તે માટે કાઉન્સલરોની નિમણુંક કરીને તેમને ફિલ્ડમાં મોકલીને વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્યની તકેદારી લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...