તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:95%નું દૂધ ઢોળાવું અપશુકન માનવું, 45% લોકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તો મહામારી દૂર થવાની માન્યતા: સૌ.યુનિ.નો સર્વે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ લોકોમાં પ્રવર્તી ખોટી અંધશ્રદ્ધા (પ્રતીકાત્મક તસવીર). - Divya Bhaskar
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ લોકોમાં પ્રવર્તી ખોટી અંધશ્રદ્ધા (પ્રતીકાત્મક તસવીર).
  • મનોવિજ્ઞાન ભવનમાં મહિલાએ ફોનમાં કહ્યું, પિરિયડ્સમાં હોઉં ત્યારે ઘરવાળા મારા 8 મહિનાના બાળકને રમાડવાની ના પાડે છે
  • 52% લોકો ઘરની બહાર નીકળતી વખતે જો કાળાં કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સામે મળે તો તેને અપશુકન માને છે

શુકન-અપશુકન વિશે લગભગ બધાએ સાંભળ્યું હશે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જ્યારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્ત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ અને અધ્યાપક ડો.ડિમ્પલ જે. રામાણીએ 1260 લોકો પર સર્વે કર્યો છે, જેમાં 95 ટકા લોકો દૂધ ઢોળાવું અપશુકન માને છે તેમજ 45 ટકા લોકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શેરીએ શેરીએ નીકળે તો કોરોના મહામારીનો કોપ દૂર થઇ જાશે એવી માન્યતા છે.

સંસાર માત્ર શુકન અને અપશુકનની વચ્ચે છે
બિલાડી આડી ઊતરે તો સારા કામમાં વિઘ્ન આવશે, એનો એકવાર વિચાર આજે પણ આપણને આવી જ જાય છે. સંસાર માત્ર શુકન અને અપશુકનની વચ્ચે છે. શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જઇએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હંમેશાં નિશ્ચિત જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

આ બધી વસ્તુ માનસિક બીમારી જ છે
આપણા સમાજમાં ઘણી માન્યતાઓ કે અંધશ્રદ્ધા, શુકન-અપશુકન સાથે જોડાયેલી છે. કોઈ એક વ્યક્તિ સાથે અપશુકન થાય એનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ સાથે સમાન ઘટના ઘટે. આ માટે આપણે નસીબને દોષ દઈએ છીએ, પરંતુ એકવાર થાય એ દરેક સમયે બને એવું હોતું નથી. આ બધી અમુક સમયે આપણા મગજમાં ઘર કરી ગયેલી માન્યતાઓ અને આપણા વિચારોનો મતભેદ છે. હકીકતમાં આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાને સાબિત કરી દીધું છે કે આ બધી વસ્તુ માત્ર માનસિક બીમારી જ છે અને એ યોગ્ય તપાસ અને સારવાર દ્વારા સંપૂર્ણ રીતે મટી શકે છે.

રસ્તા વચ્ચે બિલાડી આડી ઊતરે તો અપશુકનની માન્યતા.
રસ્તા વચ્ચે બિલાડી આડી ઊતરે તો અપશુકનની માન્યતા.

આવા વહેમના ઉપદ્રવ થવા માટે ઘણાં પરિબળો ભાગ ભજવે છે
- બાળઉછેર દરમિયાનની ઘટનાઓ
- વાતાવરણની અસર
- શિક્ષણનો અભાવ
- વાસ્તવિકતાથી વાકેફ ન હોવું
- પ્રતિકૂળ સંજોગો
- અપેક્ષા અને મહત્ત્વકાંક્ષા વચ્ચેનો તફાવત ન સમજવો
- કોઈના કહ્યા પ્રમાણે જ કરવું
- પોતાની અંગત માન્યતાને અથવા વિચારોનો અમલ ન કરવો
- બીજાની વાતોમાં આવી જવું
- રૂઢિગત માન્યતાઓમાં પરિવર્તન ન કરવું

ગામડામાં શુકન અને અપશુકનનું પ્રમાણ 71.10% અને શહેરોમાં 54%
અપશુકન વિશે લોકોની માન્યતા અંગે 1260 લોકો પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ સર્વે કર્યો, જેમાં 71.10% ગામડાંના લોકો શુકન-અપશુકનમાં માને છે અને 54% શહેરી વિસ્તારના લોકો શુકન-અપશુકનમાં વિશે માને છે. પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ અપશુકન વિશે વધુ દૃઢ માન્યતા ધરાવે છે.

કોઈ કામ માટે બહાર જતા હોય અને કોઈ છીંક ખાય તોપણ લોકો અપશુકન ગણે છે.
કોઈ કામ માટે બહાર જતા હોય અને કોઈ છીંક ખાય તોપણ લોકો અપશુકન ગણે છે.

કંઇ વસ્તુમાં કેટલા ટકા લોકો અપશુકન માને છે

  • 89% લોકો બિલાડી આડી ઊતરે તો અપશુકન થાય એવું માને છે.
  • 92% લોકો માને છે કે કલકલિયો ઘર પર બોલે તો ઘરમાં કંઈક અજુગતું થાય અને ઝઘડાઓ થાય છે, જે અપશુકનિયાળનું પ્રતિબિંબ મનાય છે.
  • 95% લોકોનું માનવું છે કે દૂધનું ઢોળાવું એને અપશુકન માનવામાં આવે છે. એ નજીકના ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવાનો સંકેત આપે છે.
  • 87% લોકો એવું માને છે કે બહાર જતી વખતે ચાનું પૂછીએ તો અપશુકન ગણાય. જરૂરી કામ પર જતા સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે. માટે બહાર જતી વખતે કોઈને જમવાનું કે ચા પીવાનું ન કહેશો એનાથી અપશુકન થાય છે.
  • ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી નથી અને ધાર્મિક તહેવારો વ્યવસ્થિત ઊજવાતા નથી એ મોટું અપશુકન છે, એવું 63.99% લોકો માની રહ્યા છે.
  • રથયાત્રા નીકળશે અને ભગવાન જગન્નાથ શેરીએ શેરીએ ફરશે એટલે મહામારીનો કોપ ગાયબ થશે એવું 45% લોકો માની રહ્યા છે.
  • આપણે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીએ છીએ છતાં 74% લોકો એવું માને છે કે રસ્તામાં જતા સાપ આડો ઊતરે તો એ અપશુકન કહેવાય.
  • 69% લોકો એવું માને છે કે કોઈ સારા કામમા છીંક આવવી એ અપશુકનની નિશાની ગણાય.
  • 58% લોકો માને છે કે ઘરના કોઈ સભ્યો બહાર જાય પછી તરત જ કચરા કઢાય નહિ, નહીંતર અપશુંકન થાય. કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્ત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને એના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે.
  • 64% લોકોનું માનવું છે કે જરૂરી કામ પર જતા સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો એમાં સામાન્યરૂપે તમને નિષ્ફળતા હાથ લાગી શકે છે, જે અપશુકન ગણાય છે. કોઈ ને કોઈ વિઘ્ન આવે છે.
  • 71% લોકોનું માનવું છે કે ઘરની આજુબાજુ કૂતરા રડે એ અપશુકન મનાય છે.
  • 56% લોકોનું કહેવું છે કે મહત્ત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરો શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે, જે અપશુકન ગણાય છે.
  • 52% લોકોનું માનવું છે કે ઘરની બહાર નીકળતી વખતે જો કાળાં કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સામે મળે તો તેને અપશુકન માનવામાં આવે છે.
  • 67% લોકોનું માનવું છે કે બહાર જતી વખતે કોઈ ‘ક્યાં જાઓ’ એવું પૂછીએ એટલે અપશુકન થાય છે અથવા ધારેલું કાર્ય પાર પડતું નથી. કેટલીક વ્યક્તિ બહાર જતી હોય અને કોઈ પાછળથી એવું કહે કે ‘ક્યાં જાઓ છો‘ તો તરત કહેશે કે આમ બહાર જતા હોય ત્યારે ‘ક્યાંકારો’ શું કરે છે, મારું કામ બગડશે.
દૂધ ઢોળાવાથી નુકસાન થશે એવી લોકોમાં માન્યતા.
દૂધ ઢોળાવાથી નુકસાન થશે એવી લોકોમાં માન્યતા.

મનોવિજ્ઞાન ભવનમાં ફોન કોલ્સ દ્વારા આવેલા કિસ્સાઓ
(1) કોરોનામાં દીકરીનો જન્મ થવો એ ખરાબ વાત છે? મારા ઘરે દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારથી મારા દીકરાનો ધંધો ઠપ થઈ ગયો છે. દીકરીનો જન્મ જ ખરાબ છે. બધા કહે છે દીકરી ન હોવી જોઈએ. આ અપશુકનિયાળ છોકરી છે. આનું શું કરવું? અનાથ આશ્રમમા મૂકી આવવાનું મન થાય છે .

જવાબ: દીકરીનો જન્મ એ નસીબદારના ઘરે થાય છે. દીકરી અપશુકનિયાળ ક્યારેય ન હોય શકે. દીકરીને તુલસીનો ક્યારો, ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જન્મ-મરણ એ કુદરતના
હાથની વાત છે. તમે ખુદ કોઈની દીકરી છો તો તમે તમારા જ દીકરાની દીકરી માટે આવા શબ્દોનો કેમ ઉપયોગ કરી શકો. રહી વાત તમારા દીકરાના ધંધાની તો આ કોરોના બીમારી અને
લોકડાઉન દરમિયાન બધા ધંધા ઠપ થઇ ગયા છે. તમારે એકને જ નુકસાન થયું છે એવું નથી. માટે તમારા ઘરમાં પધારેલાં લક્ષ્મીને વધાવો. આવી માનસિકતામાંથી બહાર આવો.

(2) આ કોરોનામાં અમારા હજુ હમણાં જ લગ્ન થયાં છે. મારા પપ્પા કોરોનામાં મૃત્યુ પામ્યા. તેને કિડનીનો પ્રોબ્લેમ હતો, જેથી તેઓ સક્ષમ જ નહોતા, પરંતુ મારા ઘરના અને મારા સબંધીઓ મારી પત્નીને અપશુકનિયાળ માને છે. હવે કહે છે કે તારા આ ઘરમાં આવ્યા પછી જ મારો પતિ મરી ગયો. માટે તું અપશુકનિયાળ છો. તારું આ ઘરમાં રહેવું શક્ય નથી.

જવાબ: એક પત્ની તેના પતિના ભરોસે તેનાં સાસરિયાંમાં પગલાં માંડે છે, માટે આ પરિસ્થિતિમાં તમારે તમારી પત્નીનો સાથ આપવો જરૂરી હોય છે, પણ એનો અર્થ એવો નથી કે તમારાં મમ્મીને છોડીને જતા રહો. તમારા મમ્મીને સમજાવો કે એ કોઈની દીકરી છે, કોઈની બહેન છે. કહો મારી બહેન સાથે કોઈ આવું વર્તન કરે તો? જીવન-મરણ કુદરતના નિયમને આધીન છે, જ્યાં કોઈનું ચાલે નહિ. બધાને એકવાર જવાનું જ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે. કોઈ અમર જીવનની પટી લઈને નથી આવ્યું. માટે સમજાવો કે જે વ્યક્તિ જતી રહી છે એ હવે પાછી નહિ આવે પણ જો તમારી વહુને આવા મહેણાંટોણાં મારી કાઢી મૂકશો તો તમારી આબરૂ પર કલંક લાગશે, સાથે તમારા પપ્પાની બીમારીથી વાકેફ કરાવો કે માત્ર કોરોના એક જ બીમારી તેમનું મૃત્યુનું કારણ ન હતી. તેમની બંને કિડની ફેલ હતી, જેથી તેઓ હવે ટકી શકે કે બીમારી સાથે લડી શકે એમ ન હતા.

(3) આ મહામારી દરમિયાન માંડ માંડ ધંધા શરૂ થયા. પ્રથમ દિવસ જ ખરાબ. આ બિલાડીએ તો મારું બધું બગાડ્યું. હું જ્યારે ઓફિસે જવા ઘરેથી નીકળ્યો ત્યારે વચ્ચે બિલાડી આડી પડી. આ બિલાડી એક તો અપશુકનિયાળ ગણાય જ છે. એમાં મારું બધું બગાડ્યું. ઓફિસે પ્રથમ દિવસે જ અધિકારી સાથે ઝગડો થયો, જેને કારણે હવે હું ખૂબ સ્ટ્રેસમાં રહું છું. હું માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું.

જવાબ: કોઈપણ કાર્ય પાછળ કારણ કોઈપણ હોય શકે. જરૂરી નથી કે તમે જે બિલાડી પર આરોપ મૂકો છો એ જ હોય. એમાં કોઈ શંકા નથી કે બિલાડી એ અપશુકનિયાળ મનાય છે. પણ એનો જન્મ એ પણ કુદરતી નિયમોને આધીન છે. તો બિલાડી સાથે કશુંક થાય તો એ આપણને અપશુકનિયાળ માનતી હશે ને? આપણને મનુષ્ય અવતાર મળેલો છે તો એનો અર્થ એ નથી કે બીજા કોઈ પ્રાણીમાં જીવ નથી. ઘણીવાર જવાબદાર આપણે હોય છીએ અને આરોપો બીજા પર મૂકીએ છીએ, જેને મનોવિજ્ઞાનની પરિભાષામા આરોપણ પ્રયુક્તિ કહેવાય છે. આ આપણા વિચારોની આ માન્યતા છે, માટે તમે ચિંતા નહિ કરો અને ફરીથી ઓફિસે જવાનું શરૂ કરી દો. તમારો પરિવાર મહત્ત્વનો છે, ઝગડો નહિ.

(4) મારા દીકરાનો જન્મ થયો ત્યાર પછી અમારા ઘરમાં બધું સારું સારું થતું હતું.,પણ હવે મારાં સાસુને એમ થાય છે કે મારા દીકરાના જન્મના કારણે આ બધું થાય છે. ઘણીવાર એવું કહે કે ઘરમાં તારા દીકરાના કારણે જ બધું બગડે છે.

જવાબ: તમારા દીકરાને કારણે પહેલાં બધું સારું થતું જ હતું. અત્યારે કંઈ થાય છે તો એ પરિસ્થિતિના કારણે કંઈક નાનું-મોટું થાય, આમાં તમારા દીકરાના જન્મના કારણે નહીં, પરંતુ તમારી નબળી માનસિકતાને કારણે આ બધું થાય અને તમારાં સાસુને સમજાવો કે આ બધું થાય, બધાના ઘરમાં એવું થતું હોય. અને કહો કે થોડા દિવસમાં સારું થઈ જશે. કોઈ વ્યક્તિના જન્મ કે જન્મ પછી કાંઈ નાનું-મોટું ઘરમાં થાય તો આ બનવા જોગ હોય એ બને જ. આમ કોઈ વ્યક્તિના જન્મને આપણે અપશુકનિયાળ ન કહી શકીએ.

(5)જ્યારે પિરિયડ્સમાં હોઉં ત્યારે કોઈ વસ્તુ ઘરમાં અડવાની નહીં. બધું અલગ જ રાખવાનું હોય છે. મારું બાળક હજુ 8 મહિનાનું છે. મારા ઘરના મને મારા બાળકને રમાડવાની ના પાડે છે. હવે એ તો બાળક છે, સ્વાભાવિક છે. બાળક મા વગર ના રહી શકે અને આટલું નાનું બાળક મા વગર કેમ રહે ઘણીવાર રડતું હોય છતાં મને તેને અડવા નથી દેતા. એક મા તરીકે મારા બાળકને આમ રડતું જોઇ શકતી નથી.

જવાબઃ સૌપ્રથમ તો તમારા ઘરના સભ્યોને સમજાવો કે પિરિયડ્સ એ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં બાળકને આમ દૂર કરવું યોગ્ય નથી, કેમ કે વધુ વખત એવું થશે તો એ બીમાર પડી શકે છે અને આમ પિરિયડ્સ હોય ત્યારે કંઈ થાય નહીં, માટે બાળકને મારાથી દૂર ન કરો અને તેને શાંતિથી મારી પાસે રહેવા દો.

(6) આજે સ્ત્રીજન્મ શું એ કોઈ ગુનો છે? અમારા ઘરમાં એવો રિવાજ છે કે અમારે બધાને ક્યાંક બહાર જવાનું થાય ત્યારે અમારે લોકોએ 1 કલાક પહેલાં તૈયારી કરવી પડે છે, એટલે કે અમારે સરસ અને વ્યવસ્થિત તૈયાર થઈને અને સાજ શણગાર સજીને જ જવાનું. અમારે જવું ન હોય તો પરાણે સાથે જવાનું. મુખ્ય કારણ અપશુકન. આ લોકોને અપશુકનના ભયને કારણે એટલે કે આ લોકોનું માનવું એવું છે કે આ લોકો સામે જો બિલાડી આડી ઊતરે અથવા દૂધવાળો સામે જોવા મળે અથવા કોઈ કાળા કપડાં પહેરેલી વ્યક્તિ સામે આવે તો અમે સાથે હોઈએ તો આ લોકોને કોઈ વિઘ્ન ન આવે અથવા અપશુકનની અસર જ ન થાય. આ એક પ્રકારનો અમારો ઉપયોગ કરે છે.

જવાબ: તમારી વાત સાચી છે કે આ એક પ્રકારનો ઉપયોગ થયો કહેવાય, પણ હું તમને એક વાત કહું. ઘણી સ્ત્રીઓ એવી છે, જેને ઘરની બહાર નીકળવા મળતું નથી, બહાર જવા દેવામાં આવતી નથી. ચાર દીવાલની વચ્ચે જ રહેવાનું, નહિ ફરવા જવાનું કે નહિ બહારની દુનિયા જોવાની. આવો એક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. અહીં તમને કોઈ એક નિષેધક કારણને લીધે બહાર જવા તો મળે છે. બહારની દુનિયા તો જોવા મળે છે. તમે સ્વસ્થ રહી શકો છો. બીજાનું જોઈને અમુક બાબતો શીખી શકો છો. અમુક બંધનમાંથી મુક્ત તો છો. આપણા પરિવાર માટે જ કરવું, હકારાત્મક વિચારો રાખવા.

અન્ય સમાચારો પણ છે...