ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પુર્વે અનેક ફેરફારોના સંકેત છે અને તેમાં એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ મે માસના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસમાં ભળી શકે છે, પરંતુ આ અંગે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું ન જોઇએ તેવું સર્વેમાં સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને સ્વીકારે છે કે નહી.
ટૂંક સમયમાં પાટીદાર સમાજની મહાસભા યોજાશે
વધુમાં રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, આજે અમે ખોડલધામ અલગ અલગ પ્રોજેકટની સમીક્ષા માટે બેઠકમાં ચર્ચા કરવાના હતા પરંતુ જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરી છે. હવે આગામી 27 એપ્રિલે અમારી બેઠક યોજાશે. કોરાના કારણે મોકૂફ કરેલ મહાસભા ટૂંક સમયમાં મળશે. જેમાં પાટીદાર સમાજના લાખો લોકો ઉપસ્થિત રહેશે.
આજે મહત્વની બેઠક મળવાની
ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામનાં ટ્રસ્ટીઓની એક મહત્વની બેઠક મળવાની હતી. આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગેની ચર્ચા થવાની સંભાવના હતી. જેમાં નરેશભાઇ પટેલની સાથે આજે ટ્રસ્ટીઓમાં રમેશ ટીલાળા, હર્ષદ માલાણી, જીતુભાઇ વસોયા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આજની કારોબારીમાં જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.