રાજકોટમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હવે એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીજીમાં જે વિદ્યાર્થીઓ એકલા રહેતા હોય છે. આ વિદ્યાર્થીઓની સ્વતંત્રતા પરિવાર સાથે રહેતા વિદ્યાર્થીઓ કરતા વધારે હોય છે. આથી આ વિદ્યાર્થીઓ માટે ઇઝી ટાર્ગેટ હોય છે. આથી જે વિદ્યાર્થીઓ પીજી તરીકે રહે છે તે મકાનોનો સરવે કરાવી ત્યાં પણ આપણે સર્વેલન્સ ગોઠવી કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેર સૌરાષ્ટ્રના શિક્ષણનું હબ
રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, દેશના અન્ય ભાગોમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેટલાક સમયથી ડ્રગ્સ પર ઝુંબેશ ચલાવવામાં આવી છે. તે રીતે રાજકોટ શહેર પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજકોટ શહેર સૌરાષ્ટ્રના શિક્ષણનું હબ છે. છેવાડાના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવ માટે રાજકોટ આવે છે. એ લોકોની ચિંતા રાજકોટ શહેર પોલીસને પણ છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં અવેરનેશ કાર્યક્રમો યોજાશે
રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ પણ એટલી કટિબદ્ધ છે કે, આ ડ્રગ્સનું દૂષણ છે તે વિદ્યાર્થીઓ સુધી ન પહોંચે. એના માટે સમયે સમયે ઇનપુટ અમને ત્યાંથી મળતા રહે છે. અગાઉ ડ્રગ્સ પેડલિંગમાં જે લોકો પકડાયા છે તેના પર પગલા લીધા છે. ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવી તમામ જગ્યા પર અમારા અધિકારીઓની વોચ ગોઠવવામાં આવી છે. તેમજ તેમના પર સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં અવેરનેશ કાર્યક્રમો યોજવાના છીએ. હું વિશ્વાસ આપું છું કે ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજકોટ પોલીસ પૂરા પગલા લેશે.
300થી વધુ ડ્રગ્સ સેવન કરનારાના નામની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે જે બાબત રાજકોટમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ કરે છે, એટીએસે ઓનલાઇન મગાવાતા ડ્રગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ત્યારે રાજકોટમાં પણ 300થી વધુ સેવન કરનારાના નામની યાદી તૈયાર થઇ છે, રાજકોટમાં ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.