વિદ્યાર્થીઓ-વાલીઓનો હોબાળો:રાજકોટમાં ભરાડ સ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી 10-15 મિનિટ મોડી આવી, વિદ્યાર્થીઓએ કહ્યું- 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સમક્ષ વિદ્યાર્થીઓ-વાલીઓએ વ્યથા ઠાલવી - Divya Bhaskar
પોલીસ સમક્ષ વિદ્યાર્થીઓ-વાલીઓએ વ્યથા ઠાલવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં બોર્ડની વ્યવસ્થાના અભાવના કારણે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમય ઓછો પડતા પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. આગામી સમયમાં અન્ય પરીક્ષામાં આવું ન થાય તેવી માગ કરી હતી. વિદ્યાર્તીઓએ કહ્યું હતું કે, 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું છે.

અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો
રાજકોટની ભરાડ સ્કૂલમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું. આજે સમસ્યા એ થઈ હતી કે, સપ્લીમેન્ટરી અમે માગી પણ 10થી 15 મિનિટ મોડી આવી હતી. આથી અમારે આટલી વાર બેસવાનો વારો આવ્યો હતો. અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો. અમને એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી જ આ સમસ્યા હતી, એમાં કાંઈ એક્સ્ટ્રા સમય ન આપી શકીએ. અમારી એક જ માગ છે કે હવે બીજા પેપરમાં આવું ન થાય.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ બહાર એકઠા થઈ આક્રોશ ઠાલવ્યો
વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ બહાર એકઠા થઈ આક્રોશ ઠાલવ્યો

મારે 5થી 6 માર્કનું પેપર બાકી રહી ગયું
ખુશાલ સાવલિયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે સપ્લીમેન્ટરી માગી તો તેઓએ કહ્યું કે, આવે છે. આમ કરીને 15થી 20 મિનિટ બેસાડી રાખ્યા. અમને કહેવામાં આવ્યું કે, અમે તમને એક્સ્ટ્રા સમય આપીશું પણ સમય ન આપ્યો ને સીધા જ પેપર લઈ લીધા. આથી મારે 5થી 6 માર્કનું પેપર બાકી રહી ગયું છે. અમારે 80માંથી 80 માર્ક આવે તેમ હતા પરંતુ સમય ઘટ્યો હતો.

વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ રોષ ઠાલવ્યો.
વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ રોષ ઠાલવ્યો.

સમય પણ ન આપ્યો અને પેપર લઈ લીધું
વિદ્યાર્થી પ્રિત ભીમાણીએ જણાવ્યું હતું કે, પેપર સહેલું હતું અને બધાને 80માંથી 80 માર્ક આવે તેમ હતા. પરંતુ સપ્લીમેન્ટરી રાહે અમારે બેસવાનો વારો આવ્યો હતો. ઓછામાં ઓછું મારે 5 માર્કનું રહી ગયું છે. ગઈકાલે પણ ઇંગ્લીશના પેપરમાં અમુકને બારકોડ સ્ટીકર સુપરવાઈઝરની અજાણતાને કારણે નહોતા મળ્યા. આજે સપ્લીમેન્ટરી માગી તો મગાવી છે એવું કહેવામાં આવ્યું હતું. બાદમાં સમય પણ ન આપ્યો અને પેપર લઈ લીધું.

વિદ્યાર્થી ખુશાલ સાવલિયા (ડાબી બાજુ), વિદ્યાર્થી પ્રિત ભીમાણી (જમણી બાજુ)
વિદ્યાર્થી ખુશાલ સાવલિયા (ડાબી બાજુ), વિદ્યાર્થી પ્રિત ભીમાણી (જમણી બાજુ)

છૂટેલા પ્રશ્નોના માર્કનું શું?
જ્યારે વાલી જલ્પાબેને જણાવ્યું હતું કે, આજે છેલ્લા એક દોઢ વર્ષથી બાળકો તનતોડ મહેનત કરતા હોય અને આખરે પરીક્ષામાં કરેલી મહેનત પરિણામ લાવી ન શકે તે દુઃખ થાય છે. આજે બોર્ડની વ્યવસ્થાની ખામીના કારણે બાળકોને સમયસર એક્સ્ટ્રા સપ્લીમેન્ટરી સમયસર ન મળતા તેમનો સમય વેડફાયો હતો અને પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. બોર્ડની ભૂલ હોવા છતાં વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ આપવામાં આવ્યો નથી. ત્યારે છૂટેલા પ્રશ્નોના માર્કનું શું? બોર્ડ દ્વારા આવી બેદરકારી બીજીવાર ન થાય તેની કાળજી લેવી જરૂરી છે.

વાલી જલ્પાબેને અવ્યવસ્થા પર આક્રોશ વ્યક્ત કર્યો.
વાલી જલ્પાબેને અવ્યવસ્થા પર આક્રોશ વ્યક્ત કર્યો.

8થી 10 વખત ફોન કર્યા ત્યારે સપ્લીમેન્ટરી આવી
આ મામલે ભરાડ સ્કૂલના સંચાલક જતીન ભરાડે જણાવ્યું હતું કે, બોર્ડના નિયમ મુજબ શાળાના ટ્રસ્ટીઓ કેન્દ્ર પર હાજર રહી શકતા નથી, માટે હું ત્યાં હાજર નહતો. પરંતુ સમગ્ર હકિકત જાણવા મેં સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, અમારી શાળામાં કુલ 270 વિદ્યાર્થીઓ 9 ક્લાસરૂમમાં પરીક્ષા આપી રહ્યા છે. આજે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા હતી, પ્રથમ 100 સપ્લીમેન્ટરી આવી હતી, એ પછી બીજી સપ્લીમેન્ટરી માટે 8થી 10 વખત ફોન કરવામાં આવ્યા બાદ સપ્લીમેન્ટરી આવતા વિદ્યાર્થીઓએ 10થી 15 મિનિટ બેસવું પડ્યું હતું.

પોલીસે સ્ટાફ સાથે વાત કરી.
પોલીસે સ્ટાફ સાથે વાત કરી.

વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થીઓએ હેરાન થવું પડ્યું
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષામાં બોર્ડના નિયમ મુજબ વધુ સમય પરીક્ષા માટે આપી શકાતો નથી. સીસીટીવી કેમેરામાં પણ બધું જ રેકોર્ડિંગ થતું હોય છે. ભરાડ સ્કૂલની કોઈ ખામી નથી, માત્ર વ્યવસ્થામાં થોડા અભાવના કારણે વિદ્યાર્થીઓએ આજે હેરાન થવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...