તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Superstition Is Responsible For 36% Of The Decline In Vaccinations, With 45% Believing That Warp, Thread, Or Eyebrows Can Cure Acne.

સૌ.યુનિ.નો સર્વે:વેક્સિનેશન ઓછું થવા પાછળ 36% અંધશ્રદ્ધા જવાબદાર, 45% લોકોના મતે દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરોના મટી શકે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1620 લોકોના સર્વે કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા

આપણે જાણીએ છીએ કે જેમ જેમ કોરોના મહામારીમા વધારો થયો તેમ તેમ લોકામા પડેલી અંધશ્રદ્ધાઓ પણ બહાર આવવા લાગી. રોગચાળા દરમિયાન ધાર્મિક માન્યતાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુવા, તાંત્રિક કે તેની સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવતો હોય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.હસમુખ ચાવડાએ 1620 લોકોનો સર્વે કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમા 54.80% ગ્રામ્ય વિસ્તારના અને 45.20% લોકો શહેરી વિસ્તારના હતા. આ સર્વેમાં વેક્સિનેશન ઓછું થવા પાછળ 36% અંધશ્રદ્ધા જવાબદાર છે, 45% લોકોના મતે દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે છે.

સર્વેના આધારે પ્રાપ્ત થયેલા તારણો
પહેલા કરતા કોરાના પછી લોકોમાં 36% અંધશ્રદ્ધા વધી
પ્રશ્ન: તમે પહેલા દોરા, ધાગા કે અન્ય બાબતોમાં માનતા ન હોવ અને કોરોના દરમિયાન એવું કરાવ્યું હોય તેવું બન્યું છે?
જવાબ: 27% એ સ્વીકાર્યું કે પહેલા નહોતા માનતા પણ કોરોનાએ એવું માનવામાં મજબુર કર્યા.

પ્રશ્ન:: દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે?
જવાબ:: 45% એ સ્વીકાર્યું કે હા અમે માનીએ છીએ કે તેનાથી કોરોના મટી શકે છે, 60.30% લોકોએ કહ્યું કે ઘરના સભ્યો માંદા પડ્યા ત્યારે અમે ભુવા પાસે ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં 81.10% લોકો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે તેવુ માને છે. 45.30% લોકોએ જણાવ્યું કે ડામ દેવાથી, માનતા માનવાથી કે ભુવા પાસે દાણા જોવડાવવાથી બિમારી દૂર થઇ જાય છે. ગામડાના 93.50% લોકોએ જણાવ્યું કે અમને કે અમારા પરિવારને કોરોના ન થાય તે માટે અમે માનતા રાખી છે અને પુજાવિધિઓ પણ કરાવી છે. 27.70% લોકોએ જણાવ્યુ કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ છે.

વેક્સિનેશન ન કરાવવા પાછળ પણ 36% અંધશ્રદ્ધા જવાબદાર
ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરતા મુલાકાત કરતા મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા વેક્સિન ન લેવામાં મૂળભૂત કારણ દેખાયું. અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન સમજી લેવા જેવું છે. ચોથા ધોરણમાં ચાર વાર નાપાસ થયેલા ડફોળને પણ એવું સાંભળવાનું જ વધુ ગમે છે કે, ‘તું ડફોળ નથી ખૂબ હોંશિયાર છે,પણ તારી ગ્રહદશા ખરાબ છે. આથી નસીબ તને સાથ નથી આપતું…!’ આવી વાત તેના ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય છે. અને તે ગુરુનો પરમ ભક્ત બની જાય છે.

સમાજમાં અંધશ્રદ્ધાનું અભ્યારણ્ય રચાયું છે
આવી માનસિકતા પાછળનું મનોવિજ્ઞાન એ છે કે, ભણવામાં વધુ મહેનત કરવી પડતી હોય છે અને આજકાલ લોકોને વગર મહેનતે આસાનીથી બધું મેળવવું હોય છે. ગુરુ, ભુવાજી કે બાવાની ભક્તિ કરવામાં ઓછી મહેનત પડે છે. ‘તું મહેનત કરીશ તો પાસ થઈ જઈશ!’ એવા આશીર્વાદ ખુદ ભગવાન આપે તો પણ માણસને તેમાં મજા આવતી નથી. આપણને તો વિના મહેનતનું જોઈએ છે જે ચમત્કારોથી જ પ્રાપ્ત થઈ શકે. દેશના અબજો લોકોની કરોડો ટન અંધશ્રદ્ધા ખભેખભા મિલાવીને કામે લાગે છે ત્યારે સમાજમાં અંધશ્રદ્ધાનું અભ્યારણ્ય રચાય છે.

લૌકિક શક્તિઓમાંની માન્યતા
આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ જણાવે છે કે, અંધશ્રદ્ધાની કોઈ એક વ્યાખ્યા નથી, તેનો અર્થ સામાન્ય રીતે અલૌકિક શક્તિઓમાંની માન્યતા. જેમ કે ભાગ્ય- અણધારી પરિબળોને પ્રભાવિત કરવાની ઇચ્છા અને અનિશ્ચિતતા દૂર કરવાની જરૂરિયાત છે. આવી અંધ્ધશ્રદ્ધા કઈ રીતે ફેલાય છે તેનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીએ. માની લો કે કોઈ વ્યક્તિ ડાકણ કે ચુડેલનો કોપ છે તેનું નિવારણ કરવા માટે ભુવા, ફકીર કે બાવા પાસે જાય છે એટલે આ લોકો તેને દોરો - તાવીજ કે ભભૂત આપશે અને કહેશે કે માતાજીની આડી બાંધી દીધી છે, તમને 15 દિવસમાં 100% સારુ થઇ જશે. વાસ્તવિકતા એ હોય છે કે ઘણી બીમારી ટૂંકાગાળાની અને માનસિક હોય છે જેમાં મેડિકલ સારવારની જરૂર હોતી નથી માટે સારુ થઇ જાય છે. હવે માની લો કે યોગાનુયોગ 5 વ્યક્તિને સારુ થઇ ગયું તો તૅ લોકો બીજા 500 વ્યક્તિને ત્યાં જવાની સલાહ આપશે અને અંધશ્રદ્ધા આગળ ફેલાશે.

અંધશ્રદ્ધા એ લાંબા સમયથી ચાલતી માન્યતા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રદ્ધાના નામે ઘણીવાર અનેક પશુઓનો ભોગ લેવામાં આવે છે, આ વાત માત્ર પશુ પુરતી મર્યાદિત નથી ઘણીવાર માણસની પણ શ્રધ્ધાના નામ પર બલીઓ ચડાવવામાં આવે છે તેવા દાખલાઓ અનેકવાર આપણી સમક્ષ આવી ગયા છે. અંધશ્રદ્ધા એ લાંબા સમયથી ચાલતી માન્યતાઓ છે જે તર્ક અથવા તથ્યોને બદલે સંયોગ અથવા સાંસ્કૃતિક પરંપરામાં મૂળ હોવાનું જણાય છે.અંધશ્રદ્ધા ઘણીવાર મૂર્તિપૂજક માન્યતાઓ અથવા ધાર્મિક વ્યવહાર સાથે જોડાયેલી હોય છે જે ભૂતકાળમાં વ્યાપક હતી. અંધશ્રદ્ધાળુ માન્યતાઓ અને વ્યવહાર ઘણીવાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા એક સંસ્કૃતિથી બીજામાં બદલાય છે.

અંધશ્રદ્ધાના અઢળક કિસ્સાઓ
ભારતમાં અંધશ્રદ્ધાળુ માન્યતાઓના સામાન્ય ઉદાહરણોમાં શામેલ છે: એક કાળી બિલાડી રસ્તાને ઓળંગે છે તે કમનસીબનું પ્રતીક છે, કાગડો સંકેત આપે છે કે મહેમાનો આવશે અને ખંજવાળની ​​હથેળીનો અર્થ છે કે પૈસા તમારી પાસે આવી રહ્યા છે. અને હાલમા કોરોનાને દૈવીય પ્રકોપ માનવામાં આવી રહ્યો છે જેના કારણે લોકો પૂજા પાઠ, હોમ-હવનો તથા વ્રત ઉપવાસો કરી દૈવીય પ્રકોપને ઓછો કરવા માટે અવનવા નુસખાઓ કરી રહ્યા છે. આવા અઢળક કિસ્સાઓ આપણને સમાજમા વારંવાર જોવા મળી રહ્યાં છે.

કિસ્સાઓ

  • અમદાવાદ નજીકના પલોડિયા ગામે સેંકડો મહિલાઓ બેડા લઇને નીકળી
  • દાહોદના ગામડાઓની બહેનોએ 7 દિવસ ઉપવાસ કર્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કોરોના વાઈરસ આ દુનિયામાંથી જતો રહે તેવી પ્રાર્થનાઓ કરે છે
  • અમદાવાદના શીલજમાં આવેલા પલોડિયા ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા નીકળી હતી. જેમાં વિધિ દરમિયાન એકપણ મહિલાએ માસ્ક સુદ્ધા પહેર્યું ન હતું.
  • સાણંદ જેવો જ કિસ્સો ગાંધીનગરના રાયપુર ગામમાં બન્યો.જેમાં ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઢોલ, નગારા સાથે બળિયાદેવના મંદિરે પહોંચ્યા હતાં. આ સભામાં પણ કોરોના ગાઇડ લાઇનનો ફજેતો જ જોવા મળ્યો.
  • મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છએ દુનિયાને અલવિદા કહી હતી. પરિવારના સભ્યો દ્વારા લોકો વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને દફનવિધિમાં ન જોડાય પણ લોકલાગણી એવી ઉમટી કે 300 થી 400 લોકોનો સમૂહ દફનવિધિમાં જોડાયો અને કોરોના ગાઇડલાઇનના છડે ચોક લીરા ઉડતા જોવા મળ્યા હતાં.
  • પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના
  • રાજકોટ શહેરથી ૧૬ કિમિ દૂર રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલ પારડી ગામમાં લોકોએ કોરોના ભગાડવા માટે શેરી પર શ્રીફળના તોરણ બાંધ્યા છે. પારડી, પરવલા અને ગાઢા ગામમાં જે લોકો દ્વારા શ્રીફળ બાંધવામાં આવ્યા છે તે સમાજના લોકોને તેમના પીર પર શ્રદ્ધા છે કે આ પ્રકારના તોરણ બાંધવામાં આવે તો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થતા નથી.
  • બનાસકાંઠા: અંધશ્રદ્ધાની હદ, માસૂમને તાવ મટાડવા આપ્યા ડામ, બાળકનું મોત
  • સૂર્યગ્રહણ દરમિયાન દક્ષિણ ભારતમાં કેટલાંક સ્થળે દિવ્યાંગ બાળકોને ગરદન સુધી રેતીમાં દાટવામાં આવ્યાં હતાં.
  • રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના એક ગામમા એક બાળકનુ શરીર ધડથી અલગ કરવામાં આવ્યું અને તેનું જુલુશ પણ કાઢવામાં આવ્યું.

અંધશ્રદ્ધા પાછળના કારણો

  • અજ્ઞાનતા
  • નિમ્ન આર્થિક દરજ્જો
  • માહિતીનો અભાવ
  • સામાજિકરણ
  • ખોટા પ્રચાર પ્રસારો
  • શિક્ષણનો અભાવ
  • રૂઢિગત માન્યતાઓ
  • અનુકરણ
  • પરંપરા અને લોકરીતિઓ
  • સંસ્કૃતિગત માન્યતાઓ

અંધશ્રદ્ધા નિવારણના ઉપાયો

  • અંધશ્રદ્ધા સમાજ માટે કેન્સર સમાન છે, અંધશ્રદ્ધાના મૂળ સામાજિક અજ્ઞાનતામા રહેલા છે, અંધશ્રદ્ધા એક દુષણ છે આપણે તેનો નાશ કરવો જ પડશે.
  • અંધશ્રદ્ધા ફેલાવનાર પ્રત્યે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ
  • અંધશ્રદ્ધા બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવા જોઇએ
  • આવુ કૃત્ય થતુ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી
  • શિક્ષણનુ પ્રમાણ વધારવું નિરક્ષરતા નાબુદી
  • શિક્ષણ એ સમજણનો પાયો છે. તેનાથી વ્યક્તિની વૈચારિક શક્તિ વધે છે.
  • વિજ્ઞાનનો પ્રચાર
  • અંધશ્રદ્ધા દૂર કરવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક પ્રયોગોથી સમજાવી શકાય.
  • સામાજિક આંદોલન - અંધશ્રદ્ધા ભગાડો દેશ બચાવો જેવા પ્રોગ્રામ થવા જોઇએ.
અન્ય સમાચારો પણ છે...