સુપર એક્સક્લૂઝિવ:રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદીએ દિવ્ય ભાસ્કર વતી લીધો ઓમિક્રોન દર્દીનો ઇન્ટરવ્યુ, દર્દીએ કહ્યું- માથું દુખે છે ને ક્યારેક ધબકારા વધે છે

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કોરોનાની જેમ નથી શ્વાસ ચઢતો કે નથી ઓક્સિજન કે વેન્ટિલેટરની પણ એકદમ જરૂર પડતી
  • જરૂરિયાત પ્રમાણે દર્દીને વિટામિન સી, મલ્ટી વિટામિન, પેરાસિટામોલની ટેબ્લેટ અપાય છે
  • તાન્ઝાનિયાથી રાજકોટ અભ્યાસ અર્થે આવેલા 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ

આખા વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વાઈરસનો હવે ગુજરાતમાં પણ વ્યાપ વધી રહ્યો છે. બે સપ્તાહ પહેલાં જામનગરમાં પહેલો કેસ જામનગરમાં નોંધાયા બાદ અત્યારે રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ આંક 15 પર પહોંચી ગયો છે. રાજકોટમાં પણ 19 ડિસેમ્બરના રોજ ઓમિક્રોનનો પોઝિટિવ કેસ નોંધાયો છે, જે દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં ખસેડાયો છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ દિવ્ય ભાસ્કર વતી આ દર્દીનો ઇન્ટરવ્યુ કર્યો છે. ડો. ત્રિવેદીએ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને ઓમિક્રોન દર્દીના ફોટો કે વીડિયો પણ લીધા નથી, પરંતુ ઓમિક્રોન વિશે દર્દીના અનુભવના આધારે નવી જ વાત જણાવી છે કે આમાં નથી શ્વાસ ચઢતો કે નથી તાવ આવતો, પરંતુ ક્યારેક માથું દુખે છે તો ક્યારેક હૃદયના ધબકારા એકાએક વધી જાય છે. તો પ્રસ્તુત છે દિવ્ય ભાસ્કર વતી રાજકોટના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદીએ લીધેલા ઓમિક્રોન પોઝિટિવ પેશન્ટના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુની વાતો.

દિવ્ય ભાસ્કરના આ પ્રશ્નો અધીક્ષકે દર્દીને પૂછ્યા અને આવા જવાબ આપ્યા

દિવ્ય ભાસ્કરઃ દર્દીને શું લક્ષણો છે?

અધીક્ષકઃ દર્દીએ એવું કહ્યું હતું કે અમુક અમુક સમયે મારા માથામાં દુખાવો થાય છે, ક્યારેક ધબકારા વધી જાય છે, તાવ કે શરદીનાં કોઈ લક્ષણો નથી.

દિવ્ય ભાસ્કરઃ દર્દીને શું ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરિયાત છે

અધીક્ષકઃ દર્દીએ હાલ ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જ જરૂરિયાત નથી.

દિવ્ય ભાસ્કરઃ દર્દીને હાલ દવા કઈ કઇ આપવામાં આવે છે?

અધીક્ષકઃ દર્દીને ક્યારેક તાવ આવે, માથું દુખે એટલે લક્ષણો પ્રમાણે તેની સારવાર કરવામાં આવે છે, જરૂરિયાત પ્રમાણે દર્દીને વિટામીન સી, મલ્ટી વિટામિન, પેરાસિટામોલની ટેબ્લેટ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કરઃ દર્દીને કેટલા દિવસ રાખવામાં આવશે?

અધીક્ષકઃ દર્દીએ મને એવું કહ્યું કે રાતનાં લક્ષણોમાં વધારો થાય છે, માથું અને હૃદયના ધબકારા વધે છે, ઠંડી લાગતી નથી.

દિવ્ય ભાસ્કરઃ ઓમિક્રોનના દર્દીને પહેલાં કોરોના થયો હતો?

અધીક્ષકઃ ના, ઓમિક્રોન પોઝિટિવ દર્દીને પહેલાં કોરોના થયો નથી, કોરોના જેવાં સરખાં લક્ષણો છે.

દિવ્ય ભાસ્કરઃ ઓમિક્રોન વોર્ડના ઓફિસરે શું રિપોર્ટ આપ્યો છે?

અધીક્ષકઃ સતત બીપી માપવામાં આવે છે, બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, સતત ટેમ્પરેચર ચાર્ટ અને હાર્ટબીટ ચાર્ટ મેઇન્ટેઇન કરવામાં આવે છે. શ્વાસની તકલીફ નથી.

દિવ્ય ભાસ્કરઃ દર્દીનો ખોરાક ઘટી ગયો હોય એવું બન્યું છે ખરા?

અધીક્ષક: ના, દર્દીનો ખોરાક બિલકુલ ઘટ્યો નથી, લક્ષણો સતત ફરતાં હોય છે તેમજ સ્વાદમાં પણ ફિકાશ આવી નથી, કોરોના જેવાં જ લક્ષણો છે.

ઓમિક્રોન પોઝિટિવ દર્દીએ વેક્સિનનો એકેય ડોઝ લીધો નથી
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી ગઈકાલે રાજકોટ જિલ્લામાં થઈ ગઈ છે. તાન્ઝાનિયાથી રાજકોટ અભ્યાસ અર્થે આવેલા 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ નોંધાતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે ઓમિક્રોન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીએ વેક્સિનનો એકપણ ડોઝ ન લીધા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટના ઓમિક્રોન વોર્ડમાં 84 બેડની સુવિધા છે.
રાજકોટના ઓમિક્રોન વોર્ડમાં 84 બેડની સુવિધા છે.

આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક
રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક બની ગયાં છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક આવેલી આર.કે.યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે આફ્રિકાના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીને બે દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દ્વારા તેને ઓમિક્રોન વોર્ડમાં ખસેડી સેમ્પલ લઇ ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગઇકાલે 23 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.

સિવિલમાં અલગ જ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે.
સિવિલમાં અલગ જ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે.

15થી 20 દિવસ પૂર્વે નેપાળથી આવેલા
વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાંની સાથે જ તરત વિદ્યાર્થીની હોસ્ટેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય 3 હાઈરિસ્ક કે જે પણ આફ્રિકાથી આવ્યા છે એ ઉપરાંત 19 લોરિસ્ક કે જેઓ 15થી 20 દિવસ પૂર્વે નેપાળથી આવેલા છે તે અને 99 સેકન્ડરી કોન્ટેક્ટના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ તમામના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થી હોસ્ટેલમાં જે ફ્લોર પર રહેતો હતો એ ફ્લોરને સીલ કરવામાં આવ્યો છે. અહીં કોઈને પણ આવવા-જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા ઓમિક્રોનને લઇને તમામ તૈયારી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા ઓમિક્રોનને લઇને તમામ તૈયારી કરવામાં આવી છે.

અન્ય 2 વિદ્યાર્થી પણ આફ્રિકાથી આવ્યા છે
આર.કે.યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.એસ.રામાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જ્યારે રાજકોટ આવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બે દિવસ પૂર્વે તેને કોરોનાના સામાન્ય લક્ષણ જણાય આવતાં યુનિવર્સિટી દ્વારા કોવિડ ટેસ્ટ કરાવતાં શંકાસ્પદ જણાય આવતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે અન્ય 2 વિદ્યાર્થી પણ આફ્રિકાથી આવ્યા છે, જેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને નેપાળથી આવેલા 19 વિદ્યાર્થીનાં પણ સેમ્પલ નેગેટિવ જાહેર થયા છે. આજથી 14 દિવસ માટે હોસ્ટેલમાં પોઝિટિવ જાહેર થયેલ વિદ્યાર્થીના ફ્લોર ને સીલ કરી દેવામાં આવ્યો છે અને તકેદારી ના ભાગરૂપે પગલાં કોલેજ દ્વારા પણ લેવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...