આપઘાત:મંડળીના ઓઠા તળે લાખો રૂપિયા ચાઉ કરી જનાર વૃદ્ધનો આપઘાત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક સામે પોલીસમાં 4 માસ પહેલા અરજી પણ થઇ હતી
  • કોઠારિયાના મંદિરના પટાંગણમાંથી લટકતો મૃતદેહ મળ્યો

શહેરમાં મંડળીના ઓઠા તળે સામાન્ય લોકોના રૂપિયા ઓળવી જવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવા જ એક કિસ્સામાં સામાન્ય પરિવારના લોકો પાસેથી મંડળીના નામે રૂપિયા રોકાણ કરાવી લાખો રૂપિયા ઓળવી જનાર મંડળીના વૃદ્ધ સંચાલકે આપઘાત કરી લીધાનો બનાવ મંગળવારે પ્રકાશમાં આવ્યો છે.

કોઠારિયા ગામે હાથલિયાપાર્કમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે વહેલી સવારે એક વ્યક્તિનો મૃતદેહ લટકતો હોવાની જિગ્નેશભાઇ નામની વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. બાદમાં કંટ્રોલરૂમે બનાવની આજી ડેમ પોલીસને જાણ કરતા પીએસઆઇ આર.વી.કડછા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સમયે બનાવ સ્થળે આવેલી 108ની ટીમે તે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું. મહાદેવ મંદિરના પટાંગણમાં નવગ્રહ મંદિર ફરતે લગાડેલા પતરાંના પાઇપમાં આશરે 60 વર્ષની ઉંમરની વ્યક્તિએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું અને નજીકથી એક કાગળો ભરેલી થેલી પણ મળી આવી હતી.

પોલીસે થેલી તપાસતા કોરા કાગળો સાથે મૃતકે આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં પોતે આર્થિક ભીંસથી પગલું ભરી રહ્યાં હોવાનું લખ્યું છે. વૃદ્ધ મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ કરતા તે કોઠારિયા ગામમાં જ રહેતા દોલતસિંહ રેવાજી રેવર હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક વૃદ્ધના પરિવારજનોની પૂછપરછ કરતા દોલતસિંહ મંડળી ચલાવતા હતા. મંડળીમાં અનેક શ્રમિક મહિલાઓના નાણાંનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં રોકાણકારોને પાકતી મુદતે નાણાં પરત કરવાનો સમય આવતા દોલતસિંહે નાણાં આપવાના બદલે વાયદાઓ આપ્યા હતા.

પરંતુ લાંબા સમય પછી પણ દોલતસિંહે રોકાણકારોના રૂપિયા પરત નહિ કરતા તેમના વિરુદ્ધ ચાર મહિના પહેલા માલવિયાનગર પોલીસમાં અરજી કરી હતી. જોકે, દોલતસિંહ સામે થયેલા આક્ષેપોના કોઇ પુરાવા નહિ મળતા માલવિયાનગર પોલીસે અરજી ફાઇલ કરી દીધી હતી. ત્યાર બાદ મૃતક દોલતસિંહ કેટલાક દિવસથી ચિંતિત રહેતા હતા અને અંતે તેમને સ્યૂસાઇડ નોટ લખી અંતિમ પગલું ભરી લીધું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે. સામાન્ય પરિવારના લોકોના લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ મૃતકે તે નાણાં ક્યાં રોક્યા છે, અન્ય કોણ કોણ છે, તે અંગે પોલીસ તપાસ કરે તો ઘણી વિગતો બહાર આવવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...