કોઠારિયા રોડ પર બ્રહ્માણી હોલ પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતી પાયલ દિનેશભાઇ કુમારખાણીયા (ઉ.વ.22)એ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પાયલ બે ભાઇની એકની એક બહેન હતી, તેની માતા હૈયાત નથી, ભાઇઓ અને પિતાની સંભાળ પાયલ રાખતી હતી, યુવાન પુત્રીને સાસરે વળાવવા પિતા દિનેશભાઇએ કેટલાક દિવસોથી સગપણની વાત ચાલુ કરી હતી, પોતે સાસરે જતી રહેશે તો પિતા અને ભાઇઓની સંભાળ કોણ લેશે તેવી ચિંતાને કારણે પાયલે પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવથી કુમારખાણીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
આ ઉપરાંત જંગલેશ્વરમાં રહેતા ગનીભાઇ ઓસમાણભાઇ હેરંજા (ઉ.વ.50)ને ગત મંગળવારે પગમાં સોજા ચડ્યા હોય તેમજ પેટમાં પાણી ભરાતું હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવારમાં મોત નિપજ્યું હતું. તબીબોએ આ અંગે પોલીસ કેસ જાહેર કરતા ભક્તિનગર પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. ગનીભાઇને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રીછે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.