આત્મહત્યા:નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા જેતપુરના યુવાનનો આપઘાત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘હું આ કરી રહ્યો છું તેમા કોઇનો વાંક નથી, કોઇને દોષ દેતા નહિ’
  • ગાયકવાડીમાં પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

મૂળ જેતપુરના અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા યુવાને સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. જ્યારે ગાયકવાડીની પરિણીતાએ અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી છે. ગોંડલ રોડ, માલવિયા કોલેજ પાછળ આવેલી દોશી હોસ્પિટલ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત ભરતભાઇ ચાવડા નામના યુવાને ફ્લેટના રૂમમાં દોરીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા પીએસઆઇ બી.બી.રાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ તપાસમાં બનાવ સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં મૃતકે પોતાનું નામ લખી પોતે હોશ સાથે કહું છું કે હું જે આ કરી રહ્યો છું એમા કોઇનો વાંક નથી, કોઇ પણ છોકરા, છોકરીનો વાંક નથી પાછળ જે થાય એમા કોઇને પણ દોષ દેતા નહિ એવી મારી ઇચ્છા છે. તેવું લખ્યું હતું. પોલીસે ચિઠ્ઠી કબજે લઇ પૂછપરછ કરતા મૃતક પ્રશાંત મૂળ જેતપુરનો છે અને તે દોશી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો અને અઠવાડિયા પહેલા જ અન્ય મિત્ર સાથે ભાડાના ફ્લેટમાં રહેતા હતા.

આજે પ્રશાંતે રજા રાખી હતી. જ્યારે રૂમ પાર્ટનર નાઇટ પૂરી કરી રૂમ પર આવતા પ્રશાંતને લટકતો જોયો હોવાનું જણાવ્યું છે. યુવાનના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ જે રીતે સ્યૂસાઇડ નોટ લખી છે તે જોતા હોસ્પિટલમાં કોઇ ઘટના બની હોવાની પોલીસે શંકા સેવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. અન્ય બનાવ જંક્શન પ્લોટ ગાયકવાડી-2માં બન્યો હતો. અહીં રહેતી રાની વિરૂભાઇ આહુજા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મૃતકને સંતાનમાં પુત્ર-પુત્રી છે. ગતરાતે પુત્રીને ઘર પાસે ગરબીમાં મૂકીને આવ્યા પછી પગલું ભરી લીધાનું અને માનસિક બીમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જોકે, પરિણીતાને પતિ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હોવાનું માઠું લાગતાં પગલું ભર્યું હોવાની વાત પોલીસને મળી છે.

અન્ય સમાચારો પણ છે...