રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:બીજીવાર કસુવાવડ થતા પરિણીતાનો આપઘાત, કુવાડવામાં ચોરેલી ઘોડી સાથે ન ચાલતા શખ્સે માર મારી પતાવી દીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના અણીયારામાં માવતરના ઘરે આરામ કરવા આવેલી ભારતીબેને બીજીવાર કસુવાવડ થતાં કંટાળીને પિતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલે ખસેડાયો હતો. ભારતીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં જામનગર રહેતા ભાવિનભાઈ સોલંકી સાથે થયા હતા. જેમના લગ્નગાળા દરમિયાન બે વાર કસુવાવડ ભારતીબેનને થઇ હતી. છેલ્લે બે માસ પહેલા કસુવાવડ બાદ પરિણીતા રાજકોટના અણીયારા રહેતા માવતરને ત્યાં આરામ કરવા માટે આવી હતી. પરંતુ બીજીવાર કસુવાવડ બાદ તેમનું મન લાગતું નહોતું. આથી કંટાળીને તેના માતા-પિતા કામ પર ગયા બાદ ઘરે રૂમમાં પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

કુવાડવામાં ચોરી કરેલી ઘોડી સાથે ચાલતી ન હોવાથી પતાવી દીધી
કુવાડવા GIDC પાસે તબેલામાંથી ચોરી કરેલી રૂ. 2 લાખની ઘોડી સાથે ચાલતી ન હોવાથી શખ્‍સે માર મારતા ઘોડીનું મોત નીપજતા કુવાડવા રોડ પોલીસે ત્રણ શખ્‍સો સામે પશુ ઘાતકી પણાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કુવાડવા ગામ વેલનાથ સોસાયટી શકિત હોટલની સામે રહેતા આબીદ મહંમદભાઇ ભટ્ટીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં વિરાજ ભઠીયાભાઇ ગમારા તથા વિરમ મુંધવાના બે દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. આબીદે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, હું મચ્‍છી વેચવાનો ધંધો કરૂ છું. કુવાડવા GIDCમાં આવેલ મારી દુકાન પાસે ઘોડાનો તબેલો છે. તબેલામાં આ ત્રણ ઘોડા રાખું છું. જેમાં એક કાળા કલરની ઘોડી તથા અકે 3 વર્ષનો વછેરો અને એક લાલ કલરની ઘોડી છે. આ બન્ને ઘોડી હું મારી દુકાન પાસે બાંધી હતી. 30 ઓગસ્ટના રોજ જૈન લોકોનો તહેવાર હોય જેથી મારી દુકાન બંધ રાખી હતી.

ઘોડીને આંખ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી
હું સાડા ચાર વાગ્‍યા સુધી ત્‍યાં મારા તબેલામાં હતો. ત્‍યારબાદ મિત્ર નવઘણ સાથે તેના માટે ઘોડી લેવા જવાનું હોય જેથી તેની સાથે રાજકોટ ગયો હતો. બાદમાં સાંજે હું મારા ઘરે હતો. ત્‍યારે GIDCમાં મજૂરી કામ કરતો અને મારી દુકાને મચ્‍છી લેવા અવારનવાર આવતો છોટુનો મને ફોન આવ્યો અને તેણે કહ્યું કે, GIDCમાં આવેલા ભગવતી ચોકની આગળ તમારા પાસે રહેલ લાલ કલરની ઘોડીને કોઇ અજાણ્‍યા ત્રણ શખ્‍સો દોરડું બાંધીને લઇ જતા હતા અને તમારી ઘોડીને માર મારતા ઘોડીને મોઢા પાસે ઇજા થતા તે નીચે પડી ગઈ છે. તેમ વાત કરતા હું તુરંત જ કુવાડવા GIDCમાં જતા ત્‍યાં મારી ઘોડીને આંખ પાસે તથા માથાના ભાગે કોઇ પર્દાથ મારતા ગંભીર ઇજા થયેલી હતી. આથી મેં પશુ ડોક્ટરને ફોન કરતા તેઓ ત્‍યાં આવી જતા મારી ઘોડીની સારવાર કરી હતી. થોડીવાર બાદ એનિમલ હેલ્‍પલાઇનમાં ફોન કરતાં એનિમલ હેલ્‍થ લાઇનના ડોક્ટર આવીને ઘોડીની સારવાર કરી હતી.

31 ઓગસ્ટે ઘોડીએ સારવારમાં મોત નીપજ્યું
પરંતુ ઘોડી ઉભી થઇ શકતી ન હોય, જેથી એક ક્રેઇનમાં મારા તબેલા પાસે લઇ ગયા બાદ મને GIDCમાં આજુબાજુંમા રહેતા લોકોએ જણાવ્યું કે, સાંજે એક બોલેરો ગાડીવાળા આ ઘોડી ભરવા માટે તબેલા પાસે આવ્‍યા હતા. પરંતુ ઘોડી તેમાં નહીં ચડતા અને ઘોડી ત્‍યાંથી ભાગી જતા તે શખ્‍સો બોલેરો ગાડી લઇને જતા રહ્યા હતા. થોડીવાર બાદ એક બાઇક અને એક એક્ટિવા લઇને ત્રણ શખ્‍સો આવ્યા હતા. આ ઘોડીને દોરડા વડે બાંધવા જતા ઘોડી ભાગતા એક શખ્‍સે કોઇ પર્દાથ ઘોડીના માથાના ભાગે મારતા ઘોડી ત્‍યાં નીચે પડી ગઇ હતી. બાદમાં આ ત્રણેય શખ્‍સો ત્‍યાંથી ભાગી ગયા હતા. તેમ જાણવા મળ્‍યુ હતું. બાદમાં 31 ઓગસ્ટના રોજ ઘોડીનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું.

મામાને ઘરે આવેલી 3 વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડતા મોત
ગાંધીનગર ખાતે રહેતી અર્પિતા જીતેશભાઈ સોલંકી (ઉં.વ.3) વાંકાનેરના ભલગામ ખાતે લખાભાઈ ભરવાડની વાડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા પોતાના મામા ગોપાલભાઈ માનસીંગભાઈ પરમારના ઘરે માતા-પિતા સહિત પરિવાર સાથે રોકાવા આવી હતી. ગત રોજ રાત્રે સાડા બારેક વાગ્યે અર્પિતા વાડીમાં આવેલા મામાના મકાનમાં તેમની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે સુતી હતી. ત્યારે અચાનક તે જાગી ગઇ હતી અને કાનમાં કઈક કરડી ગયું હોવાનું જણાવી રડવા લાગી હતી. જેથી પરિવારના સભ્યો જાગી ગયા હતા અને તુરંત બાળકીને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલમાં આવેલ બાળકોની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો

અન્ય સમાચારો પણ છે...