જીવનનો અંત:વાંકાનેરના વરડુસરમાં ફાંસો ખાઇ પ્રેમીયુગલનો આપઘાત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીત પ્રેમી અને કુંવારી યુવતી 12 દી’થી ઘરેથી જતા રહ્યા’તા

વાંકાનેરના વરડુસર ગામની સીમમાં ઝાડ સાથે લટકતા પ્રેમીયુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ભીમગુડાના પરિણીત યુવક અને ભીમગુડાની યુવતી 12 દિવસ પૂર્વે પોતાનું ઘર છોડીને નાસી ગઇ હતી અંતે બંનેએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.

વરડુસરની ગામની સીમમાં તળાવ પાસે આવેલા ઝાડમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતી લટકતા જોવા મળ્યા હતા, આ ઘટનાની પળવારમાં જ વાત ફેલાઇ જતાં ગ્રામજનો તળાવ કાંઠે એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે બંનેના મૃતદેહ નીચે ઉતારી તપાસ શરૂ કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવક વરડુસરનો માનસીંગ દિનેશભાઇ સેતાણિયા (ઉ.વ.25) અને યુવતી નજીકમાં જ આવેલા ભીમગુડાની શિલ્પા મનસુખભાઇ સારલા (ઉ.વ.22) હોવાનું ખુલ્યું હતું. પોલીસે બંનેના પરિવારજનોને બોલાવી લાશની ઓળખ કરાવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુંકે, માનસીંગ પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે, જ્યારે શિલ્પા કુંવારી હતી, બંને એક જ સમાજના હોય કોઇ પ્રસંગમાં બંનેનો પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, અને 12 દિવસ પહેલા માનસીંગ તથા શિલ્પા પોત પોતાના ઘરેથી નીકળી ગયા હતા, 12 દિવસ સુધી બંને સાથે ફરતા રહ્યા હતા, અંતે સમાજ પોતાના સંબંધ સ્વીકારશે નહીં તેવા ભયથી બંનેએ વરડુસરની સીમમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવથી બંને ગામમાં અરેરાટી મચી ગઇ હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બંને પ્રેમીઓ 12 દિવસ સુધી જુદા-જુદા સ્થળે ફર્યા હતા. વાંકાનેર પોલીસે બંને મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે.