આત્મહત્યા:સંતાનમાં પુત્ર ન હોવા અંગે પતિ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાગનાથ વિસ્તારના શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ સંતાનમાં પુત્ર નહીં હોવા બાબતે પતિ અને સસરા દ્વારા અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. પોલીસે બંને સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.

જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણબેન ડોડિયા (ઉ.વ.33)એ રવિવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુત્રાપાડાના જમનાવાડા ગામના કિરણબેનના લગ્ન નવ વર્ષ પૂર્વે રાજકોટના અજિત ડોડિયા સાથે થયા હતા, પતિ અજિત સોનીકામ કરે છે, લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે પુત્રીની પ્રાપ્તિ થઇ હતી.

સંતાનમાં પુત્ર નહીં હોવાથી પતિ અજિત અને સસરા નથુ ડોડિયા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને પિયર જવા દેતા નહોતા તેમજ પિયરિયા સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવા દેતા નહોતા. સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. કિરણબેનના આપઘાતથી તેની બે પુત્રીએ માતાની હૂંફ ગુમાવી હતી. પોલીસે અજિત અને નથુ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...