આત્મહત્યા:સંતાનસુખ નહિ મળતા પરિણીતાનો આપઘાત, લગ્નજીવનને 18 વર્ષ થયા હતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વૃદ્ધે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

શહેરમાં વધી રહેલા આપઘાતના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં સંતાનસુખ નહિ મળતા પરિણીતાએ ઝેરી દવા પી, જ્યારે 60 વર્ષના વૃદ્ધે જિંદગીથી કંટાળી ગયાની સ્યૂસાઇડ નોટ લખી જિંદગી ટૂંકાવી લીધી છે. કોઠારિયા સોલવન્ટ પાસે રહેતી કિરણ રવીન્દ્રભાઇ સેજાણી નામની પરિણીતાએ ગત રાત્રીના તેણીના ઘરે ઘઉંમાં નાખવાનો પાઉડર ખાઇ લીધો હતો. બનાવની પતિ રવીન્દ્રને જાણ થતા તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવારમાં કિરણનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

મૂળ ગોંડલના નાગડકા ગામના અને રાજકોટમાં બૂટ ચપ્પલની દુકાન ધરાવતા રવીન્દ્રભાઇની પૂછપરછમાં તેમના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. લગ્નના લાંબા સમય પછી પણ સંતાનસુખ નહિ મળવાનું પત્ની કિરણને દુ:ખ હતું. જેને કારણે તે છેલ્લા ચારેક દિવસથી ગુમસુમ રહ્યાં કરતી હતી. અંતે પત્ની કિરણે અંતિમ પગલું ભરી લીધાનું પતિ રવીન્દ્રે જણાવ્યું છે. આપઘાતનો અન્ય એક બનાવ દોઢસો ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક પાસે માધવપાર્ક-1માં બન્યો છે.

જેમાં મનસુખભાઇ ભગવાનજીભાઇ બાણુગારિયા નામના વૃદ્ધે શનિવારે સવારે તેમના ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. તાલુકા પોલીસમથકના હેડ કોન્સ. પી.વી.જીલરિયાની તપાસમાં આપઘાત કરતા પહેલા વૃદ્ધે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે જિંદગીથી કંટાળી પગલું ભરી રહ્યાનું લખ્યું છે. વૃદ્ધને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. વૃદ્ધના આપઘાતથી પરિવારમાં ગમગીની વ્યાપી છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...