કોરોના@1 વર્ષ:રાજકોટમાં ‘માવો મળતો નથી, પતિને દારૂની ટેવ; સેનિટાઇઝર-કફ સીરપ ભેગું કરી પીવે છે’, લોકડાઉનમાં 25 હજાર લોકોનું કાઉન્સેલિંગ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં લોકડાઉનમાં 25 હજાર લોકોએ પોતાની માનસિક સમસ્યા વર્ણવી.
  • લોકડાઉનમાં જિલ્લા વહીવટી તંત્ર અને મનોવિજ્ઞાન ભવને કાઉન્સેલિંગ કેન્દ્ર શરૂ કર્યું હતું
  • ચિંતા, આત્મહત્યાવૃત્તિ, એકલતા, તણાવ, સહિતની માનસિક સમસ્યાઓનું ફોનથી માર્ગદર્શન

ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થઈ ગયું છે. કોરોનાની એન્ટ્રી બાદ લાગેલા લોકડાઉનને કારણે અનેક લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે નબળા પડ્યા છે. જ્યારે ઘણા લોકો તો માનસિક રીતે પણ ભાંગી પડ્યા હતા, જેને પગલે રાજકોટમાં સાઇકોલોજિકલ ઇન્ટરવેશન સેન્ટર શરૂ કરવું પડ્યું હતું, જેમાં અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ કેન્દ્ર પરથી 25 હજાર લોકોએ ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યાવૃત્તિ, એકલતા, તણાવ, મૃત્યુભય, ફોબિયા, આક્રમકતા સહિતની માનસિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન માગ્યું હતું.

‘મારો પતિ સેનિટાઇઝર અને કફ સીરપ ભેગું કરી પીવે છે’
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા સાઇકોલોજિકલ ઇન્ટરવેશન સેન્ટરમાં ફોનની રિંગ વાગે છે અને ‘હેલ્લો આપ સહાય કેન્દ્રમાંથી બોલો છો? મારે 5 કિલો ખાંડ, 5 કિલો ચોળી, દાળ, મરચું, તેલ જોઈએ છે, જલદી મોકલજો. માવો ન મળતાં ચેન પડતું નથી, પતિને દારૂની ટેવ છે, હાલ કંઇ મળતું ન હોવાથી સેનિટાઇઝર અને કફ સીરપ ભેગું કરીને પીવે છે’. આ પ્રકારની અનેક માનસિક સમસ્યાઓ માટે મદદ માગવામાં આવી હતી.

લોકડાઉનમાં લોકો આવી સમસ્યાઓ વ્યક્ત કરતા હતા

  • 135નો માવો નહીં મળે તો ચેન નહીં પડે. તમે ગમે તે કરો, મને માવાની ગોઠવણ કરી આપો. હું એનાથી જ માનસિક મજબૂત થઈ જઈશ.
  • મારા પતિને દારૂ પીવાની ટેવ છે, પણ હાલમાં જ્યારે તેને કંઈ મળતું નથી તો તે સેનિટાઈઝર અને કફ સીરપ ભેગું કરીને પીવે છે. કોઈનું કંઈ માનતા નથી, તમે અમારી મદદ કરો.
  • હું નર્સ તરીકે અત્યારે કામ કરી રહી છું. સતત કોવિડની ફરજ હોવાને કારણે હું ઘરે જઈ શકતી નથી, પણ જ્યારે ઘરે જાઉં ત્યારે પાડોશીઓ ખૂબ ખુશ થાય અને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવે, પણ સાસુ અને પતિ શંકા અને મહેણાં મારે. મારે શું કરવું? નોકરી મૂકી દેવી કે ચાલુ રાખવી? કંઈ સમજાતું નથી.
  • મારાં ભાભી અને મમ્મી સતત મારા નાના ભત્રીજાને ગરમ પાણીથી નવડાવે છે, કેમ કે તેને કોરોનાની બહુ બીક છે. મને બીક લાગે છે કે મારા ભત્રીજાને કંઈ થઈ ન જાય.
  • મારા પપ્પા સતત અમને કોરોનાથી બચવા ઉકાળા પિવડાવ્યા કરે છે. આ ઉકાળાથી મને શરીરમાં બહુ તકલીફ થાય છે, પણ તેઓ સમજવા જ તૈયાર નથી.

26 માર્ચ 2020ના રોજ મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રનો પ્રારંભ થયો
કોરોના મહામારીને કારણે અકલ્પનીય પરિસ્થિતિ છેલ્લા એક વર્ષમાં સર્જાઈ હતી. કોરોનાના પ્રારંભ સાથે એક અણધારી, કપરી અને વિકટ પરિસ્થિતિએ લોકોને એક ભયના માહોલમાં મૂકી દીધા હતા. કોરોનાની શારીરિક અસર કરતાં માનસિક અસરો વધુ થશે એ વિચાર સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 24 માર્ચે બેઠક બોલાવી હતી અને 26 માર્ચ 2020થી મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રનો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડો. જનકસિંહ ગોહિલ અને તેમની ટીમ, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સરકારી સલાહકારોના સંયુક્ત ઉપક્રમે પ્રારંભ કરાયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સલાહ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સલાહ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.

સવારના 8થી રાતના 12 વાગ્યા સુધી કાઉન્સેલિંગ કરાતું
કાઉન્સેલિંગ પ્રક્રિયા વિશે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ડો. જોગાસણે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રવતી પાંચ અલગ અલગ નંબરો લોકો સુધી પહોંચતા કરવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી ફોન કરી લોકો પોતાની સમસ્યાઓ ઠાલવતા અને ક્યારેક રાત્રે 12 વાગ્યા સુધી પણ કાઉન્સેલિંગ ચાલતું. એક રીતે જોઈએ તો બાળકથી શરૂ કરીને વૃદ્ધો સુધી દરેક લોકોએ ઘણી માનસિક સમસ્યાઓ અનુભવી. અબાલવૃદ્ધ સહુ કોઈનું કાઉન્સેલિંગ કરવામાં આવતું. ખાસ કરીને કોરોના પોઝિટિવ લોકો, તેનાં કુટુંબીજનો, હોમ ક્વોરન્ટીન, ફેસેલિટી ક્વોરન્ટીન, ઘરથી દૂર ફસાયેલા લોકો, સમરસ હોસ્ટેલમાં રહેતા દર્દીઓ, વિદ્યાર્થીઓ જે ઘરથી દૂર ફસાયેલા હતા, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના એ દરેક નાગરિક સુધી સેવા પહોંચી, જ્યાં માનસિક સધિયારાની જરૂર હતી.

લોકો શારીરિક કરતાં માનસિક સમસ્યાના ભોગ બન્યા
હેલ્પલાઈન પર કેવા પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે લોકો સંપર્ક સાધતા હતા એ અંગે ડો. યોગેશે જણાવ્યું હતું કે કોરોનાને લીધે શારીરિક કરતાં માનસિક સમસ્યાઓનો સૌથી વધુ લોકોએ સામનો કર્યો હતો. લોકો ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યાવૃત્તિ, એકલતા, તણાવ, અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ, મૃત્યુભય, ફોબિયા, જાતીય વિકૃતિ, આક્રમકતા વગેરે માનસિક સમસ્યાઓનો લોકો ભોગ બન્યા હતા, જેનું પ્રોપર કાઉન્સેલિંગ ટીમ દ્વારા કરવામાં આવતું.

લોકોની સમસ્યા જાણવા એક ફોર્મ તૈયાર કરાયું હતું
લોકોની કંઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવતું એ અંગે અધ્યક્ષ જણાવે છે કે કાઉન્સેલિંગમાં સૌથી જરૂરી પણ સૌથી અઘરું કામ એ લોકોની સમસ્યાઓ જાણવાનું હોય છે. એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિઓનો સામેથી સંપર્ક કરી તેની દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવતી, જેમ કે તેમને કોઈ શારીરિક બીમારી છે?, કોઈ પ્રકારની દવા લે છે?, રાત્રે ઊંઘ આવી જાય છે?, કેવા પ્રકારના વિચારો અને આવેગો અનુભવે છે? વિવિધ પ્રકારના પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરી રાજકોટ કલેક્ટર ઓફિસ થકી સંપર્ક સાધવામાં આવતો હતો.

13 હજાર હોમ ક્વોરન્ટીનને માનસિક સધિયારો અપાયો
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા સાઇકોલોજિકલ ઇન્ટરવેશન સેન્ટરમાં 13 હજાર હોમ ક્વોરન્ટીન અને કોરોનાના દર્દીઓને સલાહ આપવામાં આવી હતી. 450થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યમાંથી રાજકોટ આવવાની સમસ્યાઓ ધરાવનાર, 9800 સ્વાસ્થ્યકર્મીઓ, સ્ટાફ, આમ આશરે 25,630થી વધુ લોકોને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શનમાં માનસિક સધિયારો આપવામાં આવ્યો હતો.

લોકડાઉનમાં 25 હજારથી વધુ લોકોએ માનસિક સમસ્યા જણાવી.
લોકડાઉનમાં 25 હજારથી વધુ લોકોએ માનસિક સમસ્યા જણાવી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું
આ પ્રવૃત્તિને આગળ વધારતા યુનિવર્સિટીમાં સેન્ટર કાર્યરત કરાયું હતું, જેમા વિવિધ ભવનના તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સામેથી પણ બહુ લોકોએ પોતાની વેદના અને વ્યથાઓ ઠાલવી. મનોવિજ્ઞાન ભવનમાં સવારે 10થી 12 અને સાંજે 4થી 6 રૂબરૂ સલાહ માટે લોકો આવે છે તેમજ ભવનના નંબર પર ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું છે. આ કેન્દ્રના મુખ્ય સલાહકાર તરીકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને તેમના માર્ગદર્શન નીચે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, ભવનના વિદ્યાર્થીઓ સેવા પૂરી પાડતાં હતાં. આ પ્રવૃત્તિથી પ્રેરાય બોટાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...