‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ આ ઉક્તિને રાજકોટના દુષ્યંત રાઠોડ નામના વિદ્યાર્થીએ ચરિતાર્થ કરી બતાવી છે. જન્મજાત દુષ્યંત સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની બીમારીથી પીડાઇ રહ્યો છે. આ બીમારી એવી છે કે તેમાં વ્યક્તિ ચાલી શકતો નથી અને બન્ને હાથ તથા પગ કામ કરતા નથી. હાલ CBSE બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે દુષ્યંત હોસ્પિટલમાં દાખલ હોવા છતાં ધો.10ની CBSE પરીક્ષા આપવા રજા લીધી અને રોજ વ્હીલચેર પર પરીક્ષા કેન્દ્ર પહોંચી પરીક્ષા આપે છે. ડોક્ટરે મનાઈ કરી હોવા છતાં દુષ્યંત હિંમતથી પરીક્ષા આપે છે.
દુષ્યંતની એક અઠવાડિયાથી હાલત ખરાબ છે
દુષ્યંત છેલ્લા એક વર્ષથી ધો.10 CBSE બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તેની હાલત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ડોક્ટરે મનાઈ કરી હોવા છતાં પણ પરીક્ષા આપવા દુષ્યંતે પરીક્ષા આપવા જીદ પકડી અને હોસ્પિટલમાંથી રજા લીધી છે. દુષ્યંત તેની સ્કૂલમાં રેન્કર પણ છે.
પરીક્ષા આપીને સારું પરિણામ લાવવું છે
દુષ્યંતે જણાવ્યું હતું કે, પરીક્ષા આપવી એ તો મારું કામ છે. જે પણ બીમારી મારામાં હોય તેમ છતાં હું ક્યારેય રોકાઇશ નહીં. પરીક્ષા આપવામાં મારો આત્મવિશ્વાસ જ મને આગળ વધારે છે. ન્યુમોનિયા પણ થઇ ગયો હતો અને હાલ SMAની બીમારી છે. હોસ્પિટલમાંથી ડોક્ટરે ના પાડી હતી પણ હું મારા આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા જઈ રહ્યો છું. પરીક્ષા આપીને સારું પરિણામ લાવવું છે. બીજા વિદ્યાર્થીઓને મેસેજ આપું છું કે, ભણતર જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે.
મારા પુત્રમાં આત્મવિશ્વાસ ભરપૂર છે
દુષ્યંતની માતા ઊર્મિલાબેન રાઠોડે જણાવ્યું હતું કે, મારા પુત્રનો આત્મવિશ્વાસ પહેલાંથી જ બહુ સારો છે. ભણતરની બાબતમાં તે 110 ટકા સ્યોર હોય છે કે મારે પરીક્ષા કોઈ પણ સંજોગોમાં આપવી છે. તેણે સ્કૂલના શિક્ષકને પણ એમ કહ્યું છે કે, સર મેં જે આખા વર્ષની મહેનત કરી છે અને જો હું પરીક્ષા આપવા ન આવું તો મને વસવસો રહેશે કે મેં પરીક્ષા ન આપી.
કોઈ પણ વસ્તુથી હતાશ ન થવું જોઈએ
ઊર્મિલાબેને વધુમાં જણાવ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસમાં નાસીપાસ થઈને ન ભરવાનું પગલું ભરી લે છે. તેઓને મારે એટલું જ કહેવું છે કે, કોઈ પણ વસ્તુથી હતાશ ન થવું જોઈએ. જે પણ મુશ્કેલી આવે તેનો હિમ્મતથી સામનો કરવો જોઈએ. હાલ મારો પુત્ર સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાય છે જેને SMA કહેવાય છે. અત્યારે રોજ એક કલાક ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ છે. બાકીના સમયમાં તે સ્કૂલે જાય છે.
શું છે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારી?
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. આ બીમારીને કારણે બાળકોના સ્નાયુઓ નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઊભી કરે છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીને લીધે બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો નબળી પડવા લાગે છે.
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીનાં લક્ષણો
શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે
જે બાળકોમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીનાં લક્ષણો હોય છે, તેઓ ધીમે-ધીમે એટલા અસમર્થ બને છે કે, તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. જોકે, બાળકોને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર મૂકી શકાતાં નથી, કારણ કે ટ્યૂબમાં ચેપનું જોખમ રહેલું છે.
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીના પ્રકારો
પહેલા પ્રકારમાં છ માસના બાળકોમાં જોવા મળતો આ પ્રથમ પ્રકારનો સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. જોકે આ પ્રકારમાં બાળકોમાં બીમારીની ઘાતક અસરો જોવા મળે છે. બીજા પ્રકારમાં 7થી 18 મહિનાના બાળકોમાં સામાન્ય છે. આ પ્રકાર પહેલા કરતાં થોડો ઓછો જોખમી છે. ત્રીજા પ્રકારમાં 18 મહિનાથી વધુ ઉંમરનાં બાળકો આ પ્રકારના SMAથી પીડાય છે. જોકે તેમનામાં ઓછાં લક્ષણો જોવા મળે છે. ચોથા પ્રકારમાં પુખ્ત લોકો આ પ્રકારના રોગથી પીડાય છે અને લક્ષણો નજીવાં જ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.