ઉત્સાહમાં ભારે ઓટ:રૂપાણીના બર્થ-ડેમાં નેતાઓને ન જવા ઉપરથી આવી સૂચના

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય નિદાન સહિતના કાર્યક્રમોનું આયોજન
  • કોર્પોરેટર અને હોદ્દેદારોએ બહારગામ હોવાના બહાના કાઢ્યા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો તા.2 ઓગસ્ટના રોજ જન્મદિવસ હોય શહેરની કેટલીક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ કાર્યક્રમોમાં ભાજપના આગેવાનો દૂરી રાખશે, કેટલાકે પોતે ગાંધીનગર હોવાનું તો કેટલાકે બહારગામ હોવાના બહાના કાઢી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

વિજય રૂપાણીનો તા.2 ઓગસ્ટને મંગળવારે જન્મદિવસ હોય શહેરની કેટલીક સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વખતે રૂપાણીના જન્મદિવસના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો ઉત્સુક દેખાતા નથી, ગત વર્ષે રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં સેવા સપ્તાહની ઉજવણી થઇ હતી અને રાજ્યભરના નેતાઓ તેમાં જોડાયા હતા.

રાજકોટના આગેવાનોએ તો તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, પરંતુ આ વખતે આ ઉત્સાહમાં ભારે ઓટ આવી છે. ભાજપ કાર્યાલય તરફથી પણ જન્મદિવસ નિમિત્તના કાર્યક્રમોની યાદી જાહેર કરવામાં આવી નથી, ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જન્મદિવસના કાર્યક્રમ યોજવાનો જ્યારે નિર્ણય લેવાયો ત્યારે કેટલાક આગેવાનો તેમાં જોડાવા માટે અધીરા બન્યા હતા.

ઉપરથી સંદેશો આવ્યો હતો કે, આ રૂપાણીનો વ્યક્તિગત કાર્યક્રમ છે, પક્ષનો કાર્યક્રમ નથી, સંદેશાનો અર્થ રાજનેતાઓ સારી રીતે સમજી ગયા હતા અને ધીમધીમે કાર્યક્રમમાંથી પોતાને દૂર કરવા લાગ્યા હતા. તો રૂપાણી જૂથના આગેવાનોએ કોઈપણ ભોગે આ કાર્યક્રમ સફળ થાય અને રૂપાણીનું હજુ એટલું જ પ્રભુત્વ છે તે સાબિત કરવા મોડીરાત સુધી કવાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...