ભ્રષ્ટાચાર:રાજકોટમાં ACBની સફળ ટ્રેપ, સ્ટેટ GSTના વર્ગ -2 અને 3ના કર્મચારી તથા એક વચેટિયાની રૂ. 3.50 લાખની લાંચ લેતા ધરપકડ કરી

રાજકોટએક વર્ષ પહેલા
આરોપી વિક્રમ કનારા (ડાબી તરફ), આરોપી મનસુખલાલ હીરપરા ( વચ્ચે ) અને આરોપી અજય મહેતા (જમણી તરફ)
  • ઇવે બિલ પર નોટિસ પાઠવી મેમો આપવા કહી સમાધાન પેટે લાંચ માંગી હતી

રાજકોટમાં આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ સ્ટેટ GSTના કલાસ વન અધિકારી વિક્રમ દેવરખીભાઇ કનારા અને વર્ગ 3 નો કર્મચારી અજય શીવશંકરભાઇ મહેતાની શહેરના ભુતખાના ચોક પરથી રૂ.3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે. જેમાં ફરિયાદીને ગાડી ભરેલ માલ જવા દેવા બોગસ ઇવે બિલ પર નોટિસ પાઠવી મેમો આપવા કહી સમાધાન પેટે અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે વેપારીએ ACB માં ફરિયાદ કરતા ACBની ટીમે ટ્રેપ ગોઠવી ભ્રષ્ટ અધિકારીઓની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે. આ ઉપરાંત ACBની ટીમે એક વચેટિયાને પણ ઝડપી લીધો છે.

આરોપી મનસુખલાલ બચુભાઇ હીરપરા
આરોપી મનસુખલાલ બચુભાઇ હીરપરા

રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન આરોપી વિક્રમ કનારા અને અજય મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતા, ફરીયાદી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ બન્ને આરોપીએ વચેટિયા મનસુખલાલ હીરપરા મારફતે ફરીયાદી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી.

આરોપી અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3
આરોપી અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3

રૂ.50 હજાર ફરિયાદી પાસેથી લીધા હતા
પરંતુ ફરિયાદીએ રકજક કરતા આરોપીએ મળી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.4 લાખની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે GSTના બન્ને દીધેલ અધિકારી વતી વચેટિયા મનસુખલાલ હીરપરાએ રૂ.50 હજાર ફરિયાદી પાસેથી લીધા હતા. અને બાકી રહેતા રૂ.3.50 લાખની ત્રણેય આરોપી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરતા હતા. પરંતુ ફરીયાદી આવી રકમ આપવા માંગતા ન હતા. તેથી તેણે ACBમાં ફરીયાદ કરતા આજે ACB દ્વારા ગોઠવાયેલ લાંચના છટકામાં આરોપી ત્રણેય આરોપીની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- 2
આરોપી વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- 2

સરકારી બાબુને સસપેન્ડ કરાયા
સૌરાષ્ટ્રમાં એસીબીનાં છટકામાં છેલ્લા સાડા છ વર્ષમાં 210 અધિકારી અને કર્મચારી ઝડપાયા છે. જેમા એક વિગત મુજબ ગૃહવિભાગનાં જ 63 કેસ હોવાનું માનવામાં આવે છે. દારૂ પીધેલા હોય તો છોડી મુકવાના, ઝડપાયેલા આરોપીને માર ન મારવા વગેરે સહિતના કેસમા એક ચોક્કસ ભાવ જાણે પોલીસે બાંધી લીધા હોય તેવું લાગે છે અને લાંચ માંગવાનાં અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યાં છે. આવા કેસમાં સરકારી બાબુને સસપેન્ડ કરવા સુધીનાં પગલા પણ ભરવામાં આવતા હોય છે.

રાજકોટમાં લાંચ માંગ્યાના ચર્ચાસ્પદ કેસ

  • જુલાઇ 2019ના રોજ ઇન્કમટેક્ષ ઓફિસર જ લાંચમાં ઝપટે ચડ્યા હતાં. રેસકોર્સ રીંગરોડ પર આવેલી ઇન્કમટેક્ષ ઓફિસમાં ફરજ બજાવતા નરસી પાલજી સોલંકી એ નોટિસ અને કોઇ ક્વેરી નહીં કાઢવા અરજદાર પાસે 30 હજારની લાંચ માંગી રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
  • ગત વર્ષોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટનાં તત્કાલીન એસ્ટેટ મેનેજર નિધીબેન કુબડીયાએ તો 1 કરોડ 50 લાખની લાંચ માંગી હતી. જેમાં પ્રથમ હપ્તાનાં 20 લાખ લેવા તેના પતિ હિતેષભાઇ એસીબીનાં હાથે ચડી ગયા હતાં.
  • ભૂતકાળમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અશોકકુમાર અને નિવૃત એજ્યુકેશન ઇન્સપેક્ટર 25 હજારની લાંચમાં ઝપડે ચડી ચુક્યા હતાં.
  • કોન્ટ્રાક્ટર તેના બિલ સમયસર આપવા કોઇ ક્વેરી નહી કાઢ્યા વગર પાસ કરી દેવા રેલવેનાં વર્ગ 1નાં બે અધિકારી સવા લાખની લાંચ લેતા પકડાયા હતાં, જેમાંથી એક અધિકારીનાં ઘરમાંથી તો 10 લાખ રોકડની અપ્રમાણસર મિલકતની અલગથી કાર્યવાહી થઇ હતી.