નવજીવનુ મળ્યું:રાજકોટની યુવતીમાં હૃદય અને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, 10 લાખ CM રિલીફ ફંડમાંથી અને 30 લાખ સામાજિક સંસ્થાએ ખર્ચ ઉપાડ્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેતલ રાયચુરા હજી 3 મહિના ઓબ્ઝર્વેશનમાં રહેશે. - Divya Bhaskar
હેતલ રાયચુરા હજી 3 મહિના ઓબ્ઝર્વેશનમાં રહેશે.

હૃદય અને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થતા રાજકોટની 28 વર્ષીય હેતલ રાયચુરાને નવજીવન મળ્યું છે. એકસાથે બે ઓર્ગનનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી હેતલ રાયચુરા રાજકોટ જિલ્લાની પ્રથમ યુવતી છે. આ ટ્રાન્સપ્લાન્ટ માટે હેતલ રાયચુરાના પરિવારને 40 લાખનો ખર્ચ હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યો હતો. આ માટે 10 લાખ રૂપિયા મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી અને 30 લાખ સામાજિક સંસ્થાઓએ ઉપાડ્યો હતો.

હેતલનું સ્વાસ્થ્ય 2014માં બગડ્યું હતું
હેતલ રાયચુરાએ જણાવ્યું હતું કે, મારુ જીવન ખૂબ સરસ રીતે વ્યતીત થતું હતું, પરંતુ વર્ષ 2014થી મારું સ્વાસ્થ્ય બગડ્યું. બોલવા-ચાલવા સહિત મને થાક લાગતો. મને શ્વાસની તકલીફ થવા લાગી. અનેક ડૉકટરનું કન્સલ્ટિંગ કરાયું હતું. નિદાન ઉપચાર ચાલતા પણ સ્વાસ્થ્ય સારું નહોતું થયું. મને એક વર્ષ પહેલા હૃદય અને ફેફસાંની તકલીફને કારણે ટ્રાન્સપ્લાન્ટ ફરજિયાત હોવાનું ડોક્ટર દ્વારા જણાવાયું હતું. જેના માટે રૂ.40 લાખ જેટલો ખર્ચ થશે તેમ હૈદરાબાદની ક્રિમ્સ હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. આમ છતાં મેં કે મારા પરિવારે હિંમત હારી નહોતી.

રાજકોટના એક ડોક્ટર મદદે આવ્યા
હેતલે વધુમાં જણાવ્યું હતું કે, કુદરત હંમેશા ન્યાય કરતો હોય છે, મારા પરિવારની મદદે રાજકોટના એક ડોક્ટરે મદદ કરવાનું બીડું ઝડપ્યું. સાથોસાથ મીડિયાએ મારી તકલીફને વાચા આપી. જેના પરિણામે મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી મને રૂ.10 લાખ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થતા રૂ.40 લાખનું ફંડ એકત્રિત થયાનું અને સર્જરીની જર્ની તેમજ ઓર્ગન ડોનેશનનું મહત્વ હાલ રાજકોટ પરત આવેલી હેતલે સમજાવ્યું હતું.

6 મહિનામાં માનવ અંગોનું મહત્વ સમજાયું
હેતલ તેની જર્ની અને નવજીવન બાદના સપનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં માનવ અંગોનું મહત્વ સમજાયું છે. ઈશ્વરે આપેલી સૌથી મોટી કોઈ બક્ષિસ હોય તો તે સ્વાસ્થ્ય છે. માનવ અંગો મહામુલા છે, તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ. મને મળેલ હૃદય અને ફેફસાં કે જે કોઈ વ્યક્તિએ ડોનેટ કર્યા હશે તેમના પરિવારજનોએ ખૂબ જ હિંમતભર્યું પગલું લીધું હશે. લોકો અંગદાન કરી અન્યને મદદરૂપ બને તે માટે જાગૃતિ અર્થે આવનારા સમયમાં કામ કરવાનો સંકલ્પ હેતલે કર્યો છે. માત્ર એટલું જ નહીં હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ દરમિયાનના અનુભવો, કાળજી સહિતની જર્નીની એક બૂક લખવાનો પણ હેતલે નિર્ધાર કર્યો છે.

હેતલ રાયચુરાને નવજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ.
હેતલ રાયચુરાને નવજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ.

હેતલ 3 મહિના સુધી ઓબ્જઝર્વેશનમાં જ રહેશે
હેતલની ઓર્ગન ટ્રાન્સપલન્ટની જર્ની એક ચમત્કાર હોવાનું પરિવારજનો અને તેમની સાથે સંકળાયેલા ડોક્ટરનું કહેવું છે. હેતલના સદનસીબે તેમને સમય કરતા વહેલા ઓર્ગન બેન્કમાંથી હૃદય અને ફેફસાં મેચ થયા. સફળ સર્જરી, પ્રિકોશનને કારણે માત્ર ત્રણ મહિનામાં જ તેમને રજા આપવામાં આવી. હાલ હેતલ આઈસોલેટેડ રહી વિવિધ એક્સરસાઇઝ સાથે અન્ય ત્રણ મહિના સુધી ઓબ્જઝર્વેશનમાં જ રહેશે.

આજે મારી દીકરી 2થી 3 કિમી ચાલી શકે છે
પહેલા મારી દીકરી 100 મીટર ચાલવા પણ અસમર્થ હતી. ફેફસા અને હૃદયના ટ્રાન્સપ્લાન્ટ બાદ તે મુંબઈ એરપોર્ટ ટર્મિનલમાં 2થી 3 કિલોમીટર જેટલું સ્વસ્થતાપૂર્વક ચાલી શકે છે. સ્વસ્થ થઈને હાલમાં જ રાજકોટ પરત ફરેલી હેતલ રાયચુરાના પિતાએ તેની પુત્રીને નવજીવન પ્રાપ્ત થતાં અનહદ ખુશી સાથે રાજ્ય સરકાર, દાતાઓ સહિતના સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નેશનલ હેલ્થ વિભાગ પર રજૂ થયેલા સર્વે મુજબ વર્ષે 5 લાખ જેટલા લોકોનું ઓર્ગનના અભાવે મૃત્યુ થાય છે. 2 લાખ જેટલા લોકોને લીવર, 50 હજાર જેટલા લોકોને હૃદય, 1.5 લાખ લોકોને કિડનીની જરૂરિયાત સામે માત્ર 5 હજાર લોકોને અંગદાન થકી ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે.