માગણી:રાજકોટની અદાલતો શરૂ કરવા બાર એસોસિએશનની ચીફ જસ્ટિસને રજૂઆત

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને કારણે છેલ્લા 60 દિવસથી રાજકોટની જુદી જુદી અદાલતો બંધ છે. જેને કારણે કોર્ટમાં કેસોનો વધારો થતો જાય છે. ત્યારે કેસોનું ભારણ ઓછું કરવા તાત્કાલિક અસરથી કોર્ટની કામગીરી શરૂ કરવા રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જિજ્ઞેશ જોષીએ રાજ્યના મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ, કાયદામંત્રી, ચીફ સેક્રેટરી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્યમાં લોકડાઉન વચ્ચે લોકો વેપાર-ધંધા કરી શકે તે માટેની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે કોર્ટની કાર્યવાહી પણ શરૂ કરવી જોઇએ. સાંઇઠ દિવસથી અરજન્ટ કાર્યવાહી સિવાયના કોઇ કેસ ચાલ્યા ન હોવાથી કેસનું ભારણ પણ વધ્યું છે. આટલા દિવસો બંધ રહ્યા બાદ વકીલોની આર્થિક પરિસ્થિતિ પણ કફોડી બની શકે તેવા સંજોગો છે.

વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા જુનિયર વકીલો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે ડિસ્ટ્રિકટ તેમજ જિલ્લાની લોઅર કોર્ટોમાં સાક્ષીઓને બોલાવ્યા સિવાયની માત્ર વકીલોને લગતી કામગીરી જેવી કે પરચુરણ અરજીઓની દલીલો, ફાઇનલ કેસોની દલીલો શરૂ કરવાની માંગણી છે. સિવિલ, ફોજદારી કેસો, પરચુરણ અરજીઓના ફાઇનલ હિયરિંગ માટે ઘણા કેસોની અરજીઓ પેન્ડિંગ છે. ક્લેઇમ કેસોમાં હુકમ થઇ ગયા બાદ કોર્ટ કાર્યવાહી બંધ થઇ જતા અરજદારોને વળતર ચૂકવવાનું પણ અટકી ગયું છે ત્યારે જિલ્લા તથા તાલુકાની કોર્ટોને જરૂરી ગાઇડલાઇન સાથે કાર્યવાહીઓ શરૂ કરવાની રજૂઆતમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...