તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:રાજકોટમાં રાજવી પરિવારની મિલકતના વિવાદમાં ઠાકોર માંધાતાસિંહને મોટો ઝાટકો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અંબાલિકાદેવીની તરફેણમાં ચુકાદો આપ્યો

રાજકોટએક મહિનો પહેલા
ઠાકોર માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવીની ફાઇલ તસવીર
  • સિવિલ કોર્ટમાં આગામી તા. 31 ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ સુનાવણી થશે
  • રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો
  • માધાપર-સરધારની જમીનમાં તમામના હિસ્સા યથાવત્, અપીલમાં જવા માટે 60 દિવસનો સમય

રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. આ કાયદાકીય લડત પણ હવે મહત્વપૂર્ણ તબક્કા ઉપર આવી પહોંચી છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. આ પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.

પ્રાંત અધિકારીના ચુકાદાને માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો છે. આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે. પ્રાંત અધિકારીએઆપેલા ચુકાદાને 60 દિવસમાં માંધાતાસિંહ કલેકટર સમક્ષ અપિલ દાખલ કરી શકશે.

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો - ફાઈલ તસ્વીર
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો - ફાઈલ તસ્વીર

શું છે સમગ્ર મામલો
રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકેઃ બહેન
સામે રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે.

માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.
માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.

આ રીતે પિતાએ મિલકતની વહેંચણી કરી હતી
રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના 13 સહાયકોને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

રાજઘરાનાની આટલી મિલકતનો વિવાદ
મિલકત - ક્ષેત્રફળ - બજાર કિંમત
રણજીત વિલાસ પેલેસ - 30035 ચો.મી. - રૂ.300 કરોડ
રાજશ્રુંગી બિલ્ડીંગ(પેલેસ રોડ) - 2480 ચો.મી. - રૂ.49.60 કરોડ
જુનો દરબારગઢ - 10560 ચો.મી. - રૂ.52.80 કરોડ
ગુરુવરદ 1(અમદાવાદ-ભાવનગર બાયપાસ નજીક) - 800 ચો.મી. - રૂ.200 કરોડ
સરધાર દરબારગઢ અને સુરાપુરા મંદિર - 3225 ચો.મી. - રૂ. 3.23 કરોડ
રાંદરડા લેક ફાર્મ - 140630 ચો.મી. - રૂ.210 કરોડ
પીંજરાવાડી - 24281 ચો.મી. - રૂ. 36.42 કરોડ
રાંદરડા છેક ફાર્મને લાગુ જમીન - 7993 ચો.મી. - રૂ.11.98 કરોડ
કુવાડવા રોડ પર જમીન - 1214 ચો.મી. - રૂ.2.18 કરોડ
માધાપર વીડી - 2328405 ચો.મી. - રૂ.873 કરોડ
સરધાર દરબારગઢને લાગુ જમીન - 5465 ચો.મી. - રૂ.1.63 કરોડ

પિતા અતિશિક્ષિત હતા, પુત્ર-પુત્રીમાં ભેદ રાખતા ન હતા
સુનાવણી દરમિયાન અંબાલિકાદેવી તરફથી દલીલ કરાઈ હતી કે, તેમના પિતા અતિશિક્ષિત હતા અને પુત્ર કે પુત્રીઓ વચ્ચે ભેદભાવ રાખતા ન હતા. જેથી કાયદા બહારનું વીલ એટલે કે કાયદાની બાદ હોય તેવી વડીલોપાર્જિત મિલકતનું વીલ કરે નહીં. તેથી તા. 6 જુલાઈ 2013નું મનોહરસિંહજી જાડેજાનું વીલ દેખીતી રીતે શંકાસ્પદ છે અને વડીલોપાર્જિત મિલકતોના હિસ્સાને જતો કરી શકે નહીં.

અંબાલિકાદેવીનો હિસ્સો રહ્યો તેની પાછળ આ રહ્યું કારણ
પ્રાંત અધિકારીએ આ કેસમાં હુકમ કરતા પહેલા નોંધ્યું છે કે જે વાંધાઅરજી થઈ છે તેમાં અંબાલિકાદેવીનું રિલીઝ ડીડ તેમજ તેમના પિતા સ્વ.મનોહરસિંહજીએ કરેલા વીલ બાબતે જે વાંધાઓ રજૂ કર્યા છે. જ્યારે કોઇ મિલકતમાંથી હક્ક કમી થતો હોય અને જેનો હક્ક કમી થતો તે જ વ્યક્તિ વાંધો રજૂ કરે ત્યારે એ માનવાને ચોક્કસ કારણ છે કે સિવિલ હક્કો સંઘર્ષમાં આવ્યા છે. આ કેસમાં વારસદારો પૈકી માંધાતાસિંહ સિવાયના તમામના હક્ક કમી કરવા અંગે રજૂઆત છે.

મહેસૂલી કોર્ટ દ્વારા હક્ક કમી કરવાનો નિર્ણય લેવામાં આવે તો વાંધો તકરાર લીધેલ હોવા છતાં મિલકત અંગે માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજાનો માલિકી હક્ક નક્કી કર્યો ગણાય. માલિકી હક્ક નક્કી કરવાનું કામ મહેસૂલી કોર્ટનું નથી. જ્યારે વરસાઈ અધિનિયમ, વીલની અમલવારી વગેરે બાબતે નિર્ણય લેવાનો થાય ત્યારે સિવિલ કોર્ટ જ તેની યથાર્થતા નક્કી કરી શકે. હાલ દાવો દાખલ કર્યો છે જે પેન્ડિંગ હોવાથી મલ્ટિપ્લિસિટી ઓફ પ્રોસિડિંગ્ઝ થવાની સંભાવના ન રહે તે માટે સિવિલ કોર્ટ રાહે દાદ મેળવવી યોગ્ય જણાય છે.

અન્ય સમાચારો પણ છે...