વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં ‘સેવાની હૂંફ” અંતર્ગત સ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 28,008 વસ્ત્ર શાળામાં અર્પણ કર્યા હતા.
જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, શાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. આ વસ્ત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી રાજકોટ શહેરની ઝૂંપડપટ્ટી જેવી કે લક્ષ્મીનગર, રૈયાધાર, લોહાનગર, આજી ડેમ, જંક્શન, માધા૫૨, માર્કેટિંગ યાર્ડ, 80 ફૂટ રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવશે. આજે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી મબલખ ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે.
આજે માનવી જ્યારે સ્વાર્થી, સ્વચ્છંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે ત્યારે 13થી 17 વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પૂરું પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ કરતા માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા, આયુર્વેદિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા, શાળાના પ્રમુખ જયંતભાઈ દેસાઈ, આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી 31 ડીસેમ્બરની ઉજવણી કરી હતી. આ તકે નગરસંઘ સંચાલક રવિભાઈ ગોંડલિયાએ તેમના ઉદ્દબોધન દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સેવાને બિરદાવીને આ સેવાયજ્ઞની મશાલ હંમેશા પ્રજ્વલિત રાખવા માટે આહ્વાન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ કરેલા સેવાકાર્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.