આઝાદી કા અમૃત મહોત્સવ:ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનમાં વિદ્યાર્થી દોડ્યા, યુનિ.ના સત્તાધીશો નહીં

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરે લીલીઝંડી બતાવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે દોડમાં સામેલ થયા
  • સ્વચ્છતા અભિયાન પણ કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શનિવારે ‘ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન’ યોજાઈ હતી. રોજિંદા જીવનમાં પણ ફિટનેસનું ખૂબ મહત્ત્વ રહેલું છે તેવું યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ભાષણ આપ્યું પરંતુ આ અવસરે યુનિવર્સિટીના એકપણ અધિકારી કે કર્મચારી દોડમાં સામેલ ન થયા અને માત્ર વિદ્યાર્થીઓને જ દોડાવ્યા જ્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ ખુદ વિદ્યાર્થીઓની સાથે આ દોડમાં સામેલ થયા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે, સ્વચ્છતા અને તેની જાળવણીમાં સૌ કોઈએ પોતાનું યોગદાન અચૂક આપવું જ જોઈએ.ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું કે, બાળકોથી લઈને વડીલોમાં સફાઈ અંગે જનજાગૃતિ કેળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટરે પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી, શારીરિક શિક્ષણ નિયામક જતિન સોની સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માત્ર લીલીઝંડી આપીને વિદ્યાર્થીઓને જ દોડાવ્યા હતા, પરંતુ ખુદ જોડાયા ન હતા જ્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની સાથે 5 કિ.મી.ની દોડમાં પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.

રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું હતું. ‘ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડિંગ ખાતેથી શરૂ થઈને મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલ, પ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થઇ હતી.જ્યારે ‘પ્લોગિંગ રન’નો ઉદેશ્ય જોગિંગ કે રનિંગના રૂટ પરનો કચરો ઉપાડીને થેલીમાં ભરી લેવાનો હતો. બંને રનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજના 380 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...