શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2023 ‘સર સી.વી રામન અને આર્યભટ્ટ પ્રદર્શન’ યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ થ્રી-ડી શો સહિત જુદી જુદી 70 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લાના 11 તાલુકા અને ત્રણેય યુ.આર.સી.માંથી પસંદગી પામેલ કુલ 70 જેટલા વિવિધ સંશોધનો રજૂ કરતી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રદર્શનની મુખ્ય થીમ ટેક્નોલોજી અને રમકડાં રાખવામાં આવી હતી જેમાં માહિતી અને પ્રત્યાયન ટેક્નોલોજી, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધિત ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નાવિન્ય, વર્તમાન નાવિન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ, આપણા માટે ગણિત સહિતની થીમ ઉપર પ્રદર્શનમાં કૃતિઓ રજૂ થઇ હતી. પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને વૈજ્ઞાનિક ઢબે મનોરંજન આપવા માટે 3 ડી શો તેમજ બાળકો માટે 1 મિનિટ ક્વિઝ, સેલ્ફી પોઇન્ટ, ટોયઝ મેકિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ અને આકર્ષણો રાખવામાં આવ્યા હતા.
જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા બી.આર.સી. પડધરી આયોજિત જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ 6, 7 અને 8 જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું. આ તકે કૃતિ નિદર્શનમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટે 10 જેટલા નિર્ણાયકે કૃતિ મૂલ્યાંકન કર્યું હતું તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્લોક કક્ષાના વિજ્ઞાનમેળામાં જે કૃતિઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેવા કૃતિઓના બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ મેળામાં જિલ્લાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શન મેળામાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.બી.એસ.કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.