પ્રયોગ પ્રદર્શન:વિદ્યાર્થીઓએ યુદ્ધ, કોરોના જેવા સમય માટે ઉપયોગી સોલાર સંચાલિત ફોલ્ડિંગ ઘર બનાવ્યું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અવનવા પ્રયોગ પ્રદર્શિત કર્યા

શહેરની સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં મંગળવારે જીસીઈઆરટી પ્રેરિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા જુદા જુદા પ્રયોગો અને કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થિની થોરિયા ચાંદની અને ચાવડા નંદાનીબાએ શિક્ષક બારૈયા પ્રવીણચંદ્રના માર્ગદર્શન હેઠળ એક ફોલ્ડિંગ ઘર બનાવ્યું હતું જે ઈમર્જન્સી દરમિયાન તાત્કાલિક ઊભું કરી ઉપયોગમાં લઇ શકાય છે.

આ સૌરઊર્જાથી સંચાલિત ફોલ્ડિંગ ઘર મિલિટરીના સૈનિકોના તત્કાલ વસવાટ માટે, યુદ્ધના શરણાર્થીઓના કામચલાઉ રહેઠાણ માટે, ઇકોફ્રેન્ડલી અને સરળતાથી ફેરવી શકાય, કોરોના જેવી મહામારીના સમયમાં તાત્કાલિક વસવાટ કે હોસ્પિટલો બનાવવા માટે ઉપયોગી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સ્માર્ટ સ્ટિક બનાવી છે જે અંધજનો માટે સેન્સરવાળી સ્ટિક ખૂબ ઉપયોગી નીવડશે. અકસ્માત નિવારવા પ્રિવેન્શન રોડ સેફ્ટી મોડેલ, ગાણિતિક સાબિતીઓ અને ગમ્મત સાથે ગણિત સહિતની જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલી જુદી જુદી કૃતિઓ અને પ્રયોગો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યા હતા. ડીઇઓ બી.એસ. કૈલાએ પણ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં 20 શાળાના 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

સરપદડના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ બતાવ્યા
રાજકોટ જિલ્લાની સરપદડ કુમાર પ્રાથમિક શાળા ખાતે પડધરી તાલુકાની મોટા ખીજડિયા સી.આર.સી.નું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરતી કૃતિઓ પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શન પણ સ્થાનિક શાળાઓના 500થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. શાળાના બાળકોએ તેમની બનાવેલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી.

સાથે સાથે આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કરીને દહીંસરડા ઊંડ પ્રા. શાળાએ પ્રથમ સ્થાન, દોમડા ભાયુના પ્રા. શાળાએ દ્વિતીય અને સાલ પીપળિયા તા. શાળાએ તૃતીય સ્થાન મેળવ્યું છે. આગામી તા.19-20 ડિસેમ્બરે બે દિવસીય બ્લોક કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર કૃતિઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે જશે.

અન્ય સમાચારો પણ છે...