ભાસ્કર ઈમ્પેક્ટ:ગઢાળામાં સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને રાહત મળશે ,પુલ બનાવવા નિર્ણય

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, આવી સ્થિતિ જ્યાં હશે ત્યાં બ્રિજ બનાવીશું
  • વર્ષથી​​​​​​​ નિદ્રાધીન તંત્રની આંખ આખરે ઊઘડી, અધિકારીઓ તાત્કાલિક દોડ્યા

ઉપલેટાના ગઢાળા ગામમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર થઈ સ્કૂલે જતાં હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત થતાં આખરે મોડે મોડે પણ તંત્રની આંખ ઊઘડી છે અને અધિકારીઓ દોડતા થયા છે. તંત્ર દ્વારા કોઝવેની જગ્યાએ પુલ બનાવવા વિગત મગાવાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખે પણ આવી જગ્યાએ ઝડપી બ્રિજ બનાવવા જણાવ્યું છે.

ગઢાળા ગામમાં છેલ્લા 8 વર્ષથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકો કોઝવે પર જોખમી પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે. કોઝવેની જગ્યાએ બ્રિજ બનાવવા અનેક વખત માંગ પણ કરાઈ હતી. જોકે તેમ છતાં આજદિન સુધી સ્થિતિ એની એજ છે. ત્યારે આ કોઝવે પરથી બાળકો જોખમી રીતે પસાર થઈ સ્કૂલે જાય છે અને ભૂલથી પણ પગ લપસે તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાનો ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેથી આખરે લાંબા સમયથી નિદ્રાધીન તંત્રની આંખ ઊઘડી છે.

સરપંચના કહેવા મુજબ કોઝવેની સ્થિતિ જોવા ટીમો દોડી હતી અને અહીં પુલ બનાવવા માટેનું એસ્ટિમેટ પણ બનાવવામાં આવ્યું છે. કોઝવેની જગ્યાએ પુલ બનાવવા દરખાસ્ત આગળ મોકલવા હલચલ શરૂ થઈ છે. બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું છે કે, ગઢાળામાં વહેલાસર બ્રિજ બને તેવા પ્રયત્નો કરીશું.

સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું
ગઢાળા ગામમાં પાણીમાંથી પસાર થઈ વિદ્યાર્થીઓને સ્કૂલે જવું પડતું હોવાની જાણ થતાં ટીમને અહીં રિપેરિંગ કામ મોટે મોકલી હતી. આ જગ્યા પર પુલ બને અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પુલ બનાવવા માટે દરખાસ્ત તાત્કાલિક આગળ મોકલી ઝડપી કામગીરી શરૂ કરવામાં આવશે.> કાર્યપાલક ઈજનેર, માર્ગ-મકાન વિભાગ, જિલ્લા પંચાયત રાજકોટ

​​​​​​​વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરાશે
વિદ્યાર્થીઓને પાણીમાંથી પગપાળા પસાર ન થવું પડે અને જોખમ ન ખેડવું પડે તે માટે એસટી બસ શરૂ થશે. ગઢાળાથી ઉપલેટા અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે. બીજી તરફ કોઝવે પર મોજ ડેમનું પાણી આવે છે તે ડેમમાંથી પણ પાણીની આવક ઓછી કરવામાં આવી છે.> નારણભાઈ આહીર, સરપંચ

અન્ય સમાચારો પણ છે...