કચેરીએ ધક્કામાંથી મુક્તિ:વિદેશ જતા વિદ્યાર્થીઓને 84 દિવસ પહેલા વેક્સિનનો બીજો ડોઝ અપાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરીજનો ઈ-વોલેટથી મિલકત વેરો ભરી શકશે; મનપાનો નિર્ણય
  • મિલકતધારકોને બેંકની વિગતો આપવાને બદલે યુપીઆઈ એપ જેવી કે ભીમ, ગુગલ પે મારફત જ વેરાના ચૂકવણા કરી શકશે

રાજકોટ મહાનગરપાલિકાએ ગુરૂવારે બે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. જેમાં વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે 84 દિવસ પહેલા રસીકરણ અને ઈ-વોલેટથી વેરો ભરવાની સુવિધા છે. 18થી વધુ વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ થયાને એક મહિના કરતા વધુ સમય વિતી ગયો છે. પણ બીજા ડોઝની મર્યાદા 84 દિવસ હોવાથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓનો સમય બગડી શકે તેમ છે.

આ વર્ગ મોટો હોવાથી રાજ્ય સરકારે રજિસ્ટ્રેશનની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી છે. રાજકોટ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા મુજબ તેઓએ મનપાની વેબસાઈટ પર જઈને ત્યાં ફોર્મ ભરવાનું રહેશે તેમજ સાથે એડમિશન લેટર અને વિઝા સહિતના દસ્તાવેજો ખરાઈ માટે આપવાના રહેશે. બીજી તરફ મનપાએ ઓનલાઈન વેરો ભરવા ઉપરાંત હવે ઈ-વોલેટ પર પણ પેમેન્ટ ઓપ્શન આપ્યું છે. આ કારણે મિલકતધારકોને બેંકની વિગતો આપવાને બદલે યુપીઆઈ એપ જેવી કે ભીમ, ગુગલ પે મારફત જ ચૂકવણા કરી શકશે.

વેક્સિન સર્ટિફિકેટ નહીં નીકળે, અધિકારીનું પ્રમાણપત્ર અપાશે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ 84 દિવસે જ બીજો ડોઝ આપવાનો છે અને તે મુજબ કોવિન સોફ્ટવેરમાં કોડિંગ કરાયું છે. માત્ર વિદ્યાર્થીઓ માટે આ સેટિંગ અલગ ન થઈ શકે આ કારણોસર 84 દિવસ પહેલા રસી લેનારા વિદ્યાર્થીઓને વેક્સિનેશન સર્ટિફિકેટ નહિ મળે પણ તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજુ પ્રમાણપત્ર તૈયાર કરાયું છે.

આ પ્રમાણપત્રમાં જે તે લાભાર્થીનું નામ હશે અને તેમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિક કલેક્ટર અથવા નાયબ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ સહિ સિક્કા કરી વેક્સિનના બંને ડોઝ લીધા છે તે પ્રમાણિત કરશે જેથી વિદેશ જતી વખતે વેક્સિન સર્ટિફિકેટ તરીકે માન્ય રહેશે.

આ રીતે ઈ-વોલેટથી થશે ચૂકવણી
મિલકતધારકે પોતાના મનપસંદ Payment Wallet એપમાં જવાનું રહેશે તેમાં મ્યુનિસિપલ ટેક્ષ ઓપ્શનમાં જઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ પોતાનો નવો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. દા.ત. જો કોઈનો નવો મિલકત નંબર 1110/0001/0045 હોય તો તેમણે 11100001045 એ રીતે મિલકત વેરા નંબર(CA નંબર) એન્ટર કરવાનો રહેશે.

ત્યાર બાદ બીલ View ઓપ્શનની મદદથી વેરાની બાકી ભરવાની રકમ જાણી શકાશે તેમજ Pay Now પરથી પેમેન્ટ કરી શકાશે. આ પ્રકારે લોકો NPCI દ્વારા પ્રમાણિત તમામ વેબસાઈટ, વોલેટ વગેરે પરથી મહાનગરપાલિકા નો મિલકત વેરો સરળતાથી ભરી શકાશે.

સ્ટેન્ડિંગ કમિટીએ રેન્ટલ હાઉસિંગની દરખાસ્ત પેન્ડિંગ રાખી, સુધારા સાથે મુકાશે
રાજકોટ શહેરમાં કોરોનાની બીજી લહેર પૂરી થતા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી ધડાધડ 53 દરખાસ્તો મુકાઈ હતી જેમાંથી 2 પરત ગઈ છે જ્યારે એક પેન્ડિંગ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની રેન્ટલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત ખાલી આવાસને ભાડે આપી શકાય છે. મનપાએ પણ ભાડે આપવાનો નિર્ણય કર્યો છે જેની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જે મુજબ 698 આવાસોને એક જ એજન્સીને સોંપાશે જે બીજા પાસેથી ભાડા લેશે. તેને વિચારણા માટે પેન્ડિંગ રખાઇ છે. જો આ દરખાસ્ત મંજૂર થાય તો ફ્લેટદીઠ 850 જેવા નજીવું ભાડુ એજન્સી ચૂકવશે અને તે લોકો પાસેથી ત્રણથી ચાર ગણુ ભાડું લેશે. કમિટી આ દરખાસ્ત એકાદ બેઠકમાં મંજૂરી કરી દેશે.

વિકાસના બીજા કામોમાં મોટામવાથી અવધ સુધીનો કાલાવડ રોડ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરાયો છે અને તેની પહોળાઈ 150 ફૂટ કરાશે. આમ્રપાલી અન્ડરબ્રિજમાં પાણી નિકાલ માટેની મશીનરી ખરીદાઈ છે જ્યારે વોર્ડ 18 સાઈબાબા સર્કલ અને નારાયણનગરમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામ થશે. મિલ્કતવેરા વળતર યોજનાની મુદ્દત વધારી દેવાઈ છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સોફ્ટવેર માટે 19.41 લાખ મંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...