દોઢ વર્ષ બાદ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. ધો.12 અને કોલેજના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. હવે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલ, કોલેજ અને ટેક્નિકલ સંસ્થાઓને વર્ગખંડમાં 50% ક્ષમતા સાથે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની 400થી વધુ શાળાઓમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સંચાલકોએ કહ્યું કે, હાલ ઓફલાઈન શિક્ષણ મરજિયાત હોવાથી ધો.12 અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન સાથે જ ભણાવાશે.
ઓફલાઈન ક્લાસની સાથે બાળક ઘેરબેઠા પણ ઓનલાઈન ભણી શકશે. જે સ્કૂલમાં શિક્ષકો વધુ છે તેઓ બે પાળીમાં અભ્યાસ કરાવશે જ્યાં શિક્ષકો માર્યાદિત છે તેઓ 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવશે. સ્કૂલમાં સમૂહ પ્રાર્થના, રીસેસ અને રમતગમતની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મુકાયો છે. શાળાઓમાં દરરોજ સેનિટાઈઝ કરાશે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રવાહના ધો.12માં 40 હજાર વિદ્યાર્થીઓ છે. સ્કૂલમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગે સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે તેમ ડીઈઓ બી.એસ. કૈલાએ જણાવ્યું હતું.
કોલેજોમાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવાશે
સ્કૂલમાં બાકીના વર્ગો ખાલી હોવાથી ધો.12ના તમામ વિદ્યાર્થીઓને 50 ટકાની મર્યાદામાં જુદા જુદા ક્લાસમાં સમાવી શકાય, પરંતુ કોલેજમાં તમામ કોર્સના અને સેમેસ્ટરના વિદ્યાર્થીના વર્ગ આજથી શરૂ થતા હોય પરંતુ વર્ગખંડની સંખ્યા માર્યાદિત હોવાથી 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.