રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. 21 વર્ષીય ચિરાગ ગોપાલભાઈ ચૌહાણએ શા માટે અંતિમ પગલું ભર્યું તેનું કારણ જાણવા ન મળતા રાજકોટ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચિરાગ ચૌહાણ નામના યુવકને ઈમરજન્સી વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ કરાયો હતો. તેણે ગળાફાંસો ખાઈ લીધો હોય ફરજ પર હાજર તબીબે તપાસી સાંજે 7-10 કલાકે ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ વધેરાએ તાલુકા પોલીસ મથકે માહિતી આપી હતી. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સ્ટાફ સાથે હોસ્પિટલે દોડી આવ્યા હતા અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
ઉપરના રૂમમાં જતો રહ્યો હતો
પોલીસે પુછપરછ દરમિયાન ચિરાગના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ચિરાગ આત્મીય કોલેજમાં ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત તે સરકારી ભરતી પરિક્ષાની પણ તૈયારી કરતો હોવાથી દરરોજ બપોરે જમીને તેના ઉપરના રૂમમાં જતો રહે છે અને રૂમમાં પરિક્ષાની તૈયારી માટે વાંચન કરતો હોય છે ગઈકાલે બપોરે તે જમીને ઉપરના રૂમમાં જતો રહ્યો હતો. સાંજે ચારેક વાગ્યે તેમના પિતા ગોપાલભાઈને ઉપરના રૂમમાં કંઈક કામ હોવાથી તે ઉપર ગયા હતા અને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ ચિરાગે ખોલ્યો નહોતો અને કોઈ જવાબ પણ આપ્યો નહોતો, જેથી પુત્ર સુતો હશે તેવું માની પિતા ગોપાલભાઈ નીચે પરત આવી ગયા હતા.
ચિરાગ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો
પંદરેક મીનીટ પછી પરત તેઓ ઉપર ગયા હતા અને દરવાજો ખખડાવવા છતા કોઈ પ્રતિઉત્તર ન આવતા કંઈક અજુગતુ થયાની શંકાએ તેઓએ ગ્રીલ વાળી બારી ખોલીને જોતા ચિરાગ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તુરંત આસપાસના લોકોને-ઘરના સભ્યોને બોલાવી બારીની ગ્રીલ તોડી અંદરથી દરવાજો ખોલી જોતા ચિરાગ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ચિરાગને નીચે ઉતારી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે સારવારમાં જ તેણે દમ તોડી દીધો હતો.
મૃતક 1 ભાઈ 1 બહેનમાં મોટો હતો
આપઘાત પાછળનું કારણ પરિવારજનો જાણતા ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. મૃતક 1 ભાઈ 1 બહેનમાં મોટો હતો. તેમના પિતા ગોપાલભાઈ કડીયા કામમાં મજુરી કામ કરે છે. એકનો એક યુવાન પુત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.