મુસાફરોને રિક્ષામાં બેસાડી ચીટર ગેંગ પાકીટ અને કિંમતી સામાન સેરવી લેતી હોવાના અનેક કિસ્સા બને છે, અને અનેક ગુનામાં ગેંગ સુધી પોલીસ પહોંચી શકતી નથી ત્યારે આવા ગુના બનતા અટકાવવા તેમજ ગુનો બને તો આરોપી સુધી પહોંચી શકાય તે માટે રિક્ષામાં ડ્રાઇવરની સીટ પાછળ ડ્રાઇવરના નામ મોબાઇલ નંબર સહિતની વિગતો લખવાનો નિયમ પોલીસે અગાઉ અમલી બનાવ્યો હતો.
આમ છતાં અનેક રિક્ષાચાલકોએ હજુ સુધી તે કાર્યવાહી કરી ન હોવાથી પોલીસ આગામી દિવસોમાં આવા રિક્ષાચાલકોને શોધી તેની સામે કાર્યવાહી કરશે. ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રિક્ષામાં બનતા ગુના અટકાવવા તેમજ લોકોની સલામતી જળવાઇ રહે તે હેતુથી ઓટો રિક્ષામાં ચાલકની સીટની પાછળ ઓટો રિક્ષા નોંધણી નંબર, વાહનચાલકનું નામ, સરનામું, પોલીસ કન્ટ્રોલ રૂમનો નંબર, સહિતની વિગતો વાંચી શકાય તે રીતે લખવાનું રહેશે.
આ નિયમ અગાઉ અમલી બનાવવામાં આવ્યો હતો, પરંતુ અનેક રિક્ષાચાલકોએ હજુ સુધી તે લખાણ કર્યું નથી, બાકી રહી ગયેલા રિક્ષાચાલકો માટે આગામી તા.18ના શીતલપાર્ક ટોઇંગ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરાઈ છે. ટોઇંગ સ્ટેશન ખાતે તા.18ના રિક્ષાના પાછળના ભાગે ટી નંબર લખી અપાશે, આ માટે તે દિવસે રિક્ષાચાલકોએ જરૂરી કાગળો સાથે ટોઇંગ સ્ટેશને પહોંચવાનું રહેશે, જે રિક્ષાચાલક નંબર લખાવશે નહીં તેની સામે કાર્યવાહી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.