સુપર એક્સક્લૂઝિવ:‘ભુજ’ ફિલ્મની કહાની પાછળ રાજકોટના રિયલ હીરોની અનટોલ્ડ સ્ટોરી, 13 દી' ચાલેલા યુદ્ધમાં 500 કિલોના બોમ્બના ધમાકા વચ્ચે આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ લખ્યો

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • 300 વિરાંગનાની એરસ્ટ્રિપના ફોટોગ્રાફ્સથી લઈને વિજય કર્ણિકની વીરતાને લેખના માધ્યમથી ઉજાગર કરી હતી
  • યુદ્ધમાં સૈનિકો સાથે રહીને માથે તોળાતાં મોત વચ્ચે કલમની ધાર તેજ કરી વીર જવાનોની બહાદુરીને દેશ સુધી પહોંચાડી

માધપરની મહિલાઓની શૂરતાને દર્શાવતી અજય દેવગન અભિનિત ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ આજે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો ભારતના હાથે કારમો પરાજય થયો હતો. આ ઇતિહાસ રૂપેરી પરદે ઉજાગર થતો જોવાનો લ્હાવો દેશવાસીઓ અત્યારે લઈ રહ્યા છે. પરંતુ સમગ્ર દેશ એ વાતથી અજાણ છે કે આ યુદ્ધ દરમિયાન રાજકોટના પૂર્વ નાયબ માહિતી નિયામક સ્વ.સ્વ.ઈન્દુભાઈ જોશી 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધના મેદાન વચ્ચે જ હતા. 500 કિલોના બોમ્બ ધડાકા અને સૈનિકો વચ્ચે રહીને તેમણે આંખે દેખ્યો અહેવાલ પોતાની નિષ્પક્ષ કલમના માધ્યમથી લખ્યો. યુદ્ધના ફોટોગ્રાફ્સ પાડીને તેનો કમ્પ્લીટ અહેવાલ બનાવી લોકો સુધી પહોંચાડ્યો હતો. તેમની દુર્લભ તસવીરો અને સચોટ રિપોર્ટિંગ ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નો આધાર બની છે. તેઓ આ બલિદાનની અને બહાદુરીના સાક્ષી બન્યા હતા.

વિંગ કમાન્ડર વિજય કર્ણિકે સ્વ.ઈન્દુભાઈની કલમ વિશે વખાણ કર્યા
સ્વ.ઈન્દુભાઈ અનુક્રમે 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન હાજર રહ્યા હતા. ફિલ્મ ભુજમાં મુખ્ય કલાકાર અજય દેવગન જેમનું પાત્ર ભજવી રહ્યાં છે તે વીંગ કમાન્ડર વિજય કર્ણિકે સ્વ.ઈન્દુભાઈની કલમ વિશે Divya bhaskarને જણાવ્યું હતું કે, ઈન્દુભાઈ ખરા અર્થમાં સંનિષ્ઠ પત્રકાર હતા. જ્યારે ભુજમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમારા શૌર્ય અને બલિદાનની રજેરજેની વિગત તેમણે મીડિયા સુધી પહોંચાડી હતી. સામાન્ય રીતે પત્રકારો યુદ્ધમાં જતા નથી. પરંતુ ઈન્દુભાઈ તો અમારી સાથે આવતા હતા. અને જે ઘટના બની હોય તેની તસવીર પોતાના કેમેરામાં કંડારી, જવાનો પાસેથી માહિતી એકત્ર કરતા હતા. એક તરફ બોમ્બના ધડાકા થતા હતા અને બીજી તરફ તેઓ મીડિયા માટે અહેવાલ લખતા હતા. તેમના આ રિપોર્ટિંગ થકી જ અમારી બહાદુરી લોકો સુધી પહોંચી છે.

વિરાંગનાઓના પરાક્રમને પોતાના કેમેરામાં કેદ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધ દરમિયાન અમને નવી નવી વાનગી આરોગવાની ઈચ્છા થતી તો ઇન્દુભાઈ તેમના ઘરેથી ઢોકળા બનાવીને લઈ આવતા. મૂળ હું તો મરાઠી માનુસ પણ ગુજરાતની નવી નવી વાનગીઓનું ઘેલું મને ઇન્દુભાઈએ લગાડ્યું હતું. અમારા અધિકારીઓને મેં ખાસ સૂચના આપી હતી કે, ઇન્દુભાઈને જ્યારે પણ અને જે જગ્યાએ જવું હોય ત્યારે જવા દેવા, તેમને રોકવા નહિ. ભુજની વિરાંગનાઓ જ્યારે રન વે બનાવી રહી હતી ત્યારે પણ ઇન્દુભાઈ તેમની સાથે રહ્યા હતા. અને વિરંગનાઓના પરાક્રમને પોતાના કેમેરામાં કેદ કરી, તેમના વિશે લેખ તૈયાર કરીને સમગ્ર વિશ્વને આ ઐતિહાસિક ઘટનાની ઝાંખી કરાવી હતી. તેમને પાડેલા ફોટા આજે ભુજના 'વિરાંગના સ્મારક'માં જોવા મળે છે.

1965ના સપ્ટેમ્બરમાં ભારત-પાક યુદ્ધનું રિપોર્ટિંગ કર્યું
સ્વ.ઇન્દુભાઈ 1961થી ગુજરાત સરકારના માહિતી ખાતામાં જિલ્લા માહિતી અધિકારી તરીકે જોડાયા હતા. એ દરમિયાન ભારત સરકાર દ્વારા ખાસ હુકમ મુજબ 1965ના સપ્ટેમ્બરમાં ભારત-પાક યુદ્ધના મોરચે વિદેશી પત્રકારોને અગ્રેસરના મોરચે મૃત લઈ ગયા હતા. પરિણામે ભારત વિરોધી ખોટી અફવાઓનું ખંડન થયું હતું. ત્યારે ઇન્દુભાઈએ યુદ્ધ મોરચાની તસવીરો લઇ અને યુદ્ધ મોરચાના અખબારી અહેવાલો લખી નાગરિકોને સાચી હકીકતથી વાકેફ કરી દેશ-બાંધવોનો નૈતિક જુસ્સો બુલંદ બને તે માટેની ભૂમિકા ભજવી હતી.

પ્રેસનોટ લખવાને બદલે ફિલ્ડમાં જઈને સચોટ રિપોર્ટિંગ કર્યું
ભુજમાં ઈ.સ.1971ની સાલમાં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ શ્રીમનનારાથી લોકોનો જુસ્સો વધારવા સભા યોજી હતી. માહિતી ખાતાના અધિકારી તરીકે આ સભાનું રિર્પોર્ટિંગ આટોપ્યા બાદ ઇન્દુભાઇ થોડી હળવાશ અનુભવતા હતા. તેવામાં અચાનક બોમ્બ ધડાકા થવા લાગ્યા અને ભુજમાં ફરી ભારત-પાક. વચ્ચે યુદ્ધ શરૂ થયાની ખબર આવી ગઇ. પાકિસ્તાને ગુજરાતના શહેરો ખાસ કરીને મુખ્ય મથક ભુજ પર હવાઇ હુમલા શરૂ કર્યા. સાંજ પડે ને બ્લેક આઉટ થાય અને હવાઇ હુમલાની આગોતરી ચેતવણી આપતી સાયરનો ચીચિયારી પાડી ઊઠે. આખા ભુજમાં ભયનું વાતાવરણ હતું. આ સમયે ઇન્દુભાઇએ સરકારી અધિકારીની જેમ ઓફિસમાં બેસી સરળ પ્રેસનોટ લખવાને બદલે ફિલ્ડમાં જઈને સચોટ રિપોર્ટિંગ કરવાનું સ્વીકાર્યું.

એરફોર્સની ટીમ સાથે સ્વ.ઇન્દુભાઇ જોશી
એરફોર્સની ટીમ સાથે સ્વ.ઇન્દુભાઇ જોશી

ભારતે 1200થી 1400 કિ.મી. સુધીનો પ્રદેશ કબ્જે કર્યો હતો
ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય જવાનોની ખુમારી અને પાકિસ્તાનની ખુવારીને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઇન્દુભાઈના પુત્ર અને રાજકોટ માહિતી ખાતાના નાયબ માહિતી નિયામક નિરાલાભાઈ જોશીએ બનાવી છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં યુદ્ધ અંગેના સંસ્મરણો વાગોળતા ઇન્દુભાઈએ જણાવ્યું હતું કે, મને બરોબર યાદ છે. 1971ની પહેલી ડિસેમ્બરે રાત્રે પાકિસ્તાને ભારત ઉપર હુમલા શરૂ કર્યા. એ વખતે હું ત્યાં રિપોર્ટિંગમાં હતો. કચ્છના ખાવડાંથી બનાસકાંઠાના સૂઈ ગામ વચ્ચે કચ્છનું નાનું રણ છે અને આ બન્ને વચ્ચે 200 કિલોમીટરનું અંતર છે. આ નાના રણમાં લડાઈ ચાલતી હતી. બનાસકાંઠાના સૂઈ ગામથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 10 કિલોમીટર થાય અને પાકિસ્તાનનું પહેલું ગામ આવે, નગરપારકર. ભારતે આ નગરપારકર ઉપર હુમલો શરૂ કર્યો અને 8મી ડિસેમ્બરે આ ગામ ઉપર કબજો જમાવ્યો. ભારતે પાક.ની ધરતીનો 1200થી 1400 કિ.મી. સુધીનો પ્રદેશ કબ્જે કર્યો હતો.

કચ્છને જોડતી પાકિસ્તાની સરહદના એક પિલર પાસે ઈન્દુભાઈ જોશી અને કુટુંબ નિયોજન અંગેનો પ્રચાર કરતું પોસ્ટર
કચ્છને જોડતી પાકિસ્તાની સરહદના એક પિલર પાસે ઈન્દુભાઈ જોશી અને કુટુંબ નિયોજન અંગેનો પ્રચાર કરતું પોસ્ટર

પાકિસ્તાનના બોમ્બનું વજન 500 કિલો જેટલું હતું
ઇન્દ્રભાઈ જોશીએ યુદ્ધના દૃશ્યો યાદ કરી કેટલાક સંસ્મરણો મમળાવ્યા હતા. એ કહે છે, યુદ્ધમાં માત્ર ઝનૂન નહીં, અક્કલ પણ જરૂરી છે. ભારતે પાકિસ્તાની સૈનિકોની બનાવટ કરી હતી. કચ્છના રણમાં ખાવડા બરોબર સામેની બાજુએ પાકિસ્તાને એન્ટી ટેન્ક મિસાઈલો ગોઠવી ભારતના જવાનોને આ બાતમી મળી એટલે આપણી ટેન્ક તરફ જ રોકવામાં આવી. એ દરમિયાન પાકિસ્તાને છૂપાવેલા એન્ટી ટેન્ક કારતૂસો બહાર કાઢ્યા અને ભારતે પકડી પાડ્યા! એ એન્ટી ટેન્ક કારતૂસ ચાર ફૂટનો એક હતો. એની ઉપર ‘એચઈએટી’ યાને ‘હીટ’ લખેલું હતું.‘એચઈએટી’ એટલે હાઈ એક્સપ્લોસીવ એન્ટી ટેન્ક !'' પાકિસ્તાન એ સમયે જે બોમ્બ ફેંકતું તેમાં મોટા બોમ્બનું વજન 500 કિલો જેટલું હતું. ઈન્દુભાઈ પાસે એ સમયના પાકિસ્તાની દારૂગોળાનો ખજાનો સચવાયેલો છે. એમાં નાના મોટા કારતૂસ અને ફૂટેલા બોમ્બના અવશેષ છે. ફૂટેલો છે તો પણ તેનું વજન વીસ કિલો છે.

ઈન્દુભાઈએ હેલીકૉપટરમાંથી ભુજની વ્યૂહાત્મક તસ્વીર પાડી હતી
ઈન્દુભાઈએ હેલીકૉપટરમાંથી ભુજની વ્યૂહાત્મક તસ્વીર પાડી હતી

કેપ્ટન હરિને ફરી ભુજમાં મળ્યા
ઈન્દુભાઈએ કહ્યું કે, 1969માં આર્મીના કેપ્ટન હરિ મને ભુજમાં મળેલા 1971માં યુદ્ધ વખતે અને નગરપારકરથી પાકિસ્તાનના વીરવાવ ગામે ગયા ત્યાં મને કેપ્ટન હરિ ફરી મળ્યા. અમને બન્નેને મળીને આશ્ચર્ય થયું. કારણ, આર્મીની નોકરી એવી છે કે એમાં જામનગર- 12/05/1967 ડ્યૂટી ઉપર ગમે ત્યાં મુકે. ફરીવાર મળવાની કોઈ આશા જ ન હોય. એવામાં અમે મળ્યા તે મારા માટે સંભારણું બની રહ્યું. ઉલ્લેખનીય છે કે પંજાબી સિંગર અને આર્ટિસ્ટ એમી વિર્ક ફિલ્મ 'ભુજ'માં કેપ્ટન હરિ ઉર્ફે બલબિન્દર સિંહનું પાત્ર ભજવી રહ્યા છે.

નગરપારકરમાં કબ્જે કરાયેલી તાલુકા કચેરીમાં ભારતીય ધ્વજ
નગરપારકરમાં કબ્જે કરાયેલી તાલુકા કચેરીમાં ભારતીય ધ્વજ

ફિલ્મની કથાનો જન્મ થયો
ઇન્દુભાઈએ જણાવ્યું હતું કે, એ વખતે પાકિસ્તાને ભુજ એરપોર્ટ (જે સૈન્ય એરબૅઝ પણ હતો)નો રન-વે તબાહ કરી નાખ્યો હતો. એરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રન-વેનું સમારકામ કરવામાં ન આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં. આ પહેલાં ક્યારેય આવી સ્થિતિ સર્જાય નહોતી એટલે આવી પરિસ્થિતિમાં કંઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો. આખરે ભુજ હવાઈ મથકના એ વખતના એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી. ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા. તેમણે એરસ્ટ્રિપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી અને ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા.

એરફોર્સની ટીમ સાથે સ્વ.ઇન્દુભાઇ જોશી (ડાબી તરફ) અને વિંગ કમાન્ડર વિજય કર્ણિક (વચ્ચે)
એરફોર્સની ટીમ સાથે સ્વ.ઇન્દુભાઇ જોશી (ડાબી તરફ) અને વિંગ કમાન્ડર વિજય કર્ણિક (વચ્ચે)

300 કરતાં વધુ બહેનો રન-વેના કામમાં જોડાઈ હતી
એકત્ર થયેલા લોકોમાં મહિલાઓને રન-વેના સમારકામની કામગીરી સોંપાઈ હતી.. માધાપર ગામના સરપંચે આ અંગે માધાપરનાં પંચાયત સભ્ય સુંદરબહેન જેઠાભાઈ માધાપરિયાને ગામની મહિલાઓને એકઠાં કરવાનું કામ સોંપ્યું હતું. આ બાદ બીજા દિવસ સવારે માધાપરની બહેનો નજીકના ગામ વથાણમાં એકઠી થઈ, અહીંથી તેમને ભુજ એરપૉર્ટ પર લઈ જવામાં આવ્યાં. એ 300 કરતાં વધુ બહેનો હતાં અને બાંધકામમાં નિપૂણ હતાં. પાવડા, ઘમેલા જેવાં સાધનો પણ ઘરેથી સાથે લઈને કામ પર આવ્યાં હતાં. ફિલ્મમાં સુંદરબહેનનું પાત્ર સોનાક્ષી સિંહ ભજવી રહ્યાં છે.

બૉમ્બનો ધડાકો થતા મોટો ખાડો પડી ગયો હતો
બૉમ્બનો ધડાકો થતા મોટો ખાડો પડી ગયો હતો

મહિલાઓએ માત્ર ત્રણ દિવસમાં જ હવાઈપટ્ટી તૈયાર કરી દીધી
વધુમાં ઇન્દુભાઈએ જણાવ્યું હતું કે, એરપોર્ટના અધિકારીઓએ મહિલાઓને બને એટલી જલ્દી હવાઈપટ્ટીનું સમારકામ કરી આપવા જણાવ્યું. સાથે જ કામ દરમિયાન રહેલાં જોખમો અંગે પણ જાણકારી આપી. એરપૉર્ટ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનું જોખમ હજું ટળ્યું નહોતું. એટલે હુમલાની આશંકાને પગલે ગમે ત્યારે સાયરન વાગતું હતું. મહિલાઓ હવાઈપટ્ટીના સમારકામમાં લાગી ગઈ. સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું. એ મહિલાઓ દોડીને બાવળનાં ઝાડ તળે છૂપાઈ જતી હતી અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી કામે વળગી જતી હતી.

યુદ્ધના અવશેષો.
યુદ્ધના અવશેષો.

યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાય રહ્યો હતો
યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાય રહ્યો હતો. ગમે ત્યારે પાકિસ્તાની યુદ્ધ વિમાનો ત્રાટકી શકે એમ હતાં. આવાં જોખમ વચ્ચે એ મહિલાઓએ માત્ર ત્રણ દિવસમાં જ હવાઈપટ્ટી તૈયાર કરી દીધી. ભુજના એરપોર્ટની હવાઈપટ્ટી ફરીથી તૈયાર થઈ ગઈ. ભારતીય વાયુસેનાનાં વિમાનો ફરીથી ભુજ એરપોર્ટથી ઉડાણ ભરવાં લાગ્યાં હતાં. ઇતિહાસમાં ભાગ્યે જ નોંધાય હોય એવી બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી.

ભુજમાં તહેનાત ભારતીય જવાનો.
ભુજમાં તહેનાત ભારતીય જવાનો.

યુદ્ધના અવશેષો સ્વ.ઇન્દુભાઈના પુત્રએ હજી પણ સાચવ્યા છે
નગરપારકરમાં કબજ કરાયેલી તાલુકા કચેરીમાં ઇન્દુભાઇ લટાર મારતા હતા ત્યારે તેમના ધ્યાને કુટુંબ નિયોજનના પ્રચાર માટેનું પોસ્ટરમાં આવ્યું. આ પત્રકાર જીવને રસ પડ્યો. તેના લખાણનો સૂર એવી હતો કે ખુશહાલ ભવિષ્ય માટે નસબંધી અપનાવો. ઇન્દુભાઇએ પાછળથી આ પોસ્ટરનો અલગ અલગ ભાષામાં અનુવાદ કરાવીને દેશના વિવિધ રાજ્યોમાં તે પહોંચાડ્યા હતા. આ અને આવા તો કેટકેટલાય પ્રસંગો અને 1971ના યુદ્ધ સમયે ભુજ સરદે આક્રમણ વખતે હવાઈ બોમ્બ, કારસો પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલા તેના અવશેષો સ્વ.ઇન્દુભાઈના પુત્ર નિરાલા જોશીએ હજી પણ સાચવ્યા છે.

પુત્ર નિરાલા જોશી સાથે.
પુત્ર નિરાલા જોશી સાથે.

મારા પિતા સરળ અને સહજ માનવી હતા
સ્વ.ઇન્દુભાઈ જોશી વિશે તેમના પુત્ર નિરાલાભાઈ જોશીએ Divya bhaskarને જણાવ્યું હતું કે, મારા પિતા સરળ અને સહજ માનવી હતા. તેઓ હર હંમેશ ફિલ્ડ રિપોર્ટિંગના આગ્રહી હતા. તેમની પ્રેરણાથી જ હું હાલ માહિતી ખાતામાં જોડાયો છું. સચોટ અને સહજ લેખનના ગુણ મને તેમની પાસેથી મળ્યા છે. તેઓ આજીવન લેખન અને વાંચનમાં પ્રવૃત્ત રહ્યાં છે. જીવનના અંતિમ સમયમાં પણ તેઓ અખબારો અને પુસ્તકો વાંચવા થનગનતા હતા. પરંતુ તેમનું આઇ-વીઝન ઝાંખુ થઈ ગયું હતું તો તેમના એક મિત્ર દરરોજ તેમની પાસે આવતા અને દેશ-દુનિયાના સમાચાર તેમને વાંચીને સંભળાવતા હતા.

પિતા જેઠાલાલભાઈ જોશીની તસવીર પાસે બેસેલા ઈન્દુભાઈ જોશી.
પિતા જેઠાલાલભાઈ જોશીની તસવીર પાસે બેસેલા ઈન્દુભાઈ જોશી.

પિતા ગુજરાતના મોખરાના સ્વાતંત્ર્ય સેનાની હતા
1926માં કરાંચીમાં જન્મેલા ઈન્દુભાઈ જોશીના પિતા જેઠાલાલભાઈ જોશી ગુજરાતના મોખરાના સ્વાતંત્ર્ય સેનાની અને રાજકોટના સાંસદ હતા. ઈન્દુભાઈ વ્યવસાય કરવા માટે લંડન ગયા હતા. પરંતુ સ્વદેશી વિચારોના રંગે રંગાયેલા આ માનવીએ ત્યાંનો ધંધો બંધ કરી ગુજરાતમાં આવી પત્રકારત્વમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. 1946થી 1948 સુધી ઈન્દુભાઈ સૌરાષ્ટ્રના તે સમયના પ્રખ્યાત અખબારમાં પત્રકાર તરીકે રાજકોટના બ્યુરો ચીફ તરીકે હતા.

મહાદેવભાઈની ડાયરીના ચાર ભાગનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે
1961થી ગુજરાત સરકારના માહિતી ખાતામાં રાજકોટ જિલ્લા માહિતી અધિકારી તરીકે જોડાયા. બાદ 1984 સુધી વિવિધ જિલ્લામાં માહિતી કચેરીમાં ફરજ બજાવી. 1984માં કંડલા પોર્ટ ટ્રસ્ટના મુખ્ય પ્રચાર અધિકારી તરીકે જોડાયા. ઈન્દુભાઈ જોશીએ ભારત સરકારના પ્રકાશન વિભાગના બે પુસ્તકોનું ગુજરાતી-અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે, અને નવી દિલ્હી, રાજઘાટ ખાતેના રાષ્ટ્રીય ગાંધી સંગ્રહ સ્થાન દ્વારા પ્રકાશિત મહાદેવભાઈની ડાયરીના ચાર ભાગનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. મહાદેવભાઈ દેસાઈ એટલે ગાંધીજીના અંગત સચિવ જેમનું લેખન ગાંધીજીનું જીવન કવન બની ગયું છે. આટ આટલું સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરનાર ઇન્દુભાઈએ 9, ડિસેમ્બર 2019ના રોજ 93 વર્ષની જૈફ વયે શ્રીજી ચરણ પામ્યાં પણ તેમણે લખેલો ઐતિહાસિક સાહિત્ય વારસો યુગોયુગો સુધી અક્ષરદેહ બનીને ભાવિ પત્રકારો માટે સ્ટડી મટિરિયલ બની રહેશે.

ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પણ ઇન્દુભાઈની તસવીરો પરથી તૈયાર થયું
સ્વ.ઇન્દુભાઇ કે તેમના પુત્ર નિરાલાભાઈને સન્માનથી વંચિત રહ્યાનો લેશમાત્ર પણ રંજ નથી. તેઓ તો તેમને મળેલા અનુભવોને તમામ એવોર્ડ કે સન્માનથી વિશેષ માને છે. જ્યારે 'ભુજ' ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરુ થયું ત્યારે પણ વિજય કર્ણિકના પુત્રી સલાખા 1971ના જંગની દુર્લભ તસવીરો અને ઇન્દુભાઈના લેખ નિરાલાભાઈ પાસેથી લઈ ગયા હતા. ત્યારે પત્રકાર જગત માટે લિવિંગ લેજેન્ડ સમાન આ સ્વ.ઈન્દુભાઈને ફિલ્મની ટીમ તરફથી યથોચિત સન્માન મળે તે આજના સમયની માંગ છે.