દુર્ઘટના:રાજકોટ જિલ્લાના લોધીકામાં મેઘાની તોફાની બેટિંગ, વીજળી પડતા 13 ઘેટાને કાળ આંબી ગયો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
13 જેટલા ઘેંટાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ - Divya Bhaskar
13 જેટલા ઘેંટાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક મેઘરાજાની ધીમી સવારી તો ક્યાંક રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. રાજકોટમાં ગુરુવારે મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જ્યાં જિલ્લામાં બપોર સુધી ગરમી અને ધૂપછાંવ જેવું વાતાવરણ રહ્યું હતું. સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. 30 મિનિટમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. જેને પગલે લોધીકા તાલુકામાં વીજળી પડતા 13 જેટલા ઘેંટાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.

એક મહિલાનો આબાદ બચાવ થયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના માલધારી ધુસાભાઇ રાજાભાઈ રાતડીયા લોધીકા તરફ આવી રહ્યા હતા. એ સમયે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી ‌કરી હતી, જ્યાં અચાનક વીજળી પડતા રસ્તા પરથી પસાર થનાર 13 જેટલા ઘેટાના મોત થયા હતા. તેમજ લીલીબેન રાતડીયાને પણ વીજશોક લાગ્યો હતો. પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યાંરે ઘેંટાના મોતથી માલધારી સમાજમાં શોકનું મોજ ફરી વળ્યું હતું અને માલધારી ધુસાભાઇ દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી હતી.

અમુક વિસ્તારમાં વીજળી ગુલ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં એક ઇંચ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં 18 મીમી વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 833.0 મીમી, ઈસ્ટ ઝોનમાં 656.00 અને વેસ્ટ ઝોનમાં 782.00 મીમી વરસાદ પડ્યો છે. માત્ર 30 મિનિટમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસી જતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં થોડીવાર ગભરાટ ફેલાયો હતો. રૈયા પાસે સબ સ્ટેશન પર વીજળી પડતાં અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.