સગવડતા અગવડતા બની:રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વકરી, રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં સિગ્નલ બંધ કરવા માગ

રાજકોટ2 મહિનો પહેલા
સિગ્નલ બંધ થતા આખો રસ્તો બંધ થઈ જાય છે અને સાઇડમાં જગ્યા રહેતી નથી.
  • સિગ્નલ પર સ્ટોપ આવતા સમયે ડાબી બાજુ વળાંક લેનારા લોકો માટે જગ્યા રહેતી નથી

રાજકોટવાસીઓ માટે હાલના સમયમાં પ્રાણ પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક સમસ્યા. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની સાથે સાથે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર 20થી વધુ સિગ્નલ મુકવામાં આવ્યા છે. જોકે આમ છતાં પણ ક્યાંકને ક્યાંક ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વકરી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં સિગ્નલ બંધ કરવાની માગ ઉઠી છે.

વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક સમસ્યા માટે જવાબદારનું રટણ
રાજકોટ શહેરમાં મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે લગાવાયેલા સિગ્નલ અને શહેરમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર માનવામાં આવી રહી છે. રાજકોટ પોલીસને જીવલેણ અસ્માત નિવારવા માટેની કામગીરી માટે સેફ્ટી કમિટીને એવોર્ડ અપાયો છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ જોઈએ તો શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં અધિકારીઓ નિષ્ફળ ગયા હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે. ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વધુ બગડતી હોય તેવું લાગી રહ્યું છે.

રેયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતેના ટ્રાફિક સિગ્નલથી લોકો પરેશાન.
રેયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતેના ટ્રાફિક સિગ્નલથી લોકો પરેશાન.

મહાનગરપાલિકા, આરટીઓ અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ન આવવા પાછળનું કારણ અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ પણ માની શકાય છે. ટ્રાફિક કંટ્રોલ કરતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેમના દ્વારા શિસ્તબદ્ધ રીતે ટ્રાફિક કંટ્રોલ કરી શકાય તેમ છે. આ સાથે શહેરમાં આવેલા બજાર વિસ્તાર સહિતનાં સ્થળે પાર્કિંગની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં વસતીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જાય છે. તેનાં કારણે ટ્રાફિકની સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા, આરટીઓ અને પોલીસે સંકલનમાં રહીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય છે. પરંતુ કોઇ કારણોસર ત્રણેય વચ્ચે સંકલનના અભાવથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઇ શકતું નથી.

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોકમાં મુકવામાં આવેલું સિગ્નલ નકામું
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક ખાતે છેલ્લા એક મહિનાથી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે. આ જગ્યા પર 150 ફૂટ રિંગ રોડને બાદ કરતાં ચોકમાં બાકીના બન્ને સાઇડ તરફ રોડ સાંકડો હોવાથી આ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ શરૂ કરતાં ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે. આસપાસના રહીશો અને વેપારીઓનું કહેવું છે કે, ટ્રાફિક સિગ્નલ મુકાયા બાદ આ જગ્યા પર ટ્રાફિક સમસ્યા વધી છે. અગાઉ પણ આ જગ્યા પર સિગ્નલ શરૂ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે ફરી આ જ જગ્યા પર સિગ્નલ શરૂ કરતાં સિગ્નલ બંધ કરવા લોકોની માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સિગ્નલ બંધ સમયે ચોક ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું.

સિગ્નલ હટાવવા લોકોની માગ.
સિગ્નલ હટાવવા લોકોની માગ.

શહેરના આટલા સ્થળો પર ટ્રાફિક સિગ્નલ ચાલુ છે
રાજકોટ શહેરમાં અત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ, માધાપર ચોક, નાનામવા ચોક, કેકેવી હોલ ચોક, ત્રિકોણબાગ, જ્યુબિલી ચોક, ઢેબરચોક, ભૂતખાના ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, રૈયા સર્કલ, મવડી સર્કલ, રાજનગર ચોક, જામટાવર ચોક, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, 80 ફૂટ રોડ, વિરાણી ચોક, રેસકોર્સ ચોક, એસબીએસ ચોક, એ.જી.ચોક, સ્વામિનારાયણ મંદિર ચોક, એસ્ટ્રોન ચોક, આકાશવાણી ચોક, રામદેવપીર ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કૂલ ચોક સહિત 20થી વધુ સ્થળે ટ્રાફિક સિગ્નલ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...