કાલે વિશ્વ કિડની દિવસ:પથરી અને બ્લડપ્રેશર કિડની ફેઈલ્યોરના સૌથી મોટા કારણ - ડો.અમલાણી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા મથકે હવે ડાયાલિસીસ યુનિટ બનાવાયા છે પણ તેના કરતા વધુ ગતિએ દર્દીઓ વધી રહ્યા છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કિડનીના દર્દીઓ વધી રહ્યા છે અને આ કારણે ડાયાલિસીસ સેન્ટર પર સતત દર્દીઓની કતારો હોય છે. જે પૈકી સૌરાષ્ટ્ર અને રાજકોટમાં કિડની ફેઈલ્યોર થવાના કારણોમાં ઘણો તફાવત જોવા મળ્યો છે.

યુરોલોજી સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રમુખ તેમજ એઈમ્સની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને સિવિલ હોસ્પિટલ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સાથે જોડાયેલા સિનિયર યુરોલોજિસ્ટ ડો. જિતેન્દ્ર અમલાણી જણાવે છે કે, દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે કિડની દિવસની ઉજવણી જાગૃતિ માટે ઉજવાય છે.

સૌરાષ્ટ્રમાં કિડનીના દર્દીઓ વિશે તેઓ જણાવે છે કે, સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષારવાળા પાણીને કારણે પથરીનું પ્રમાણ વધારે હોય છે અને આ પથરીને કારણે કિડનીને ભારે નુકસાન થતું હોય છે અને ફેઈલ્યોર પણ થાય છે. જ્યારે બીજી તરફ રાજકોટ શહેર જેવા વિસ્તારોમાં કિડની ફેઈલ્યોરના કારણોમાં પથરીને બદલે બ્લડપ્રેશર જેવી લાઈફસ્ટાઈલને લગતી બીમારી મોટો ભાગ ભજવી રહી છે.

ડાયાલિસીસની સ્થિતિ વિશે ડો. અમલાણી જણાવે છે કે, રાજકોટમાં વર્ષો પહેલા ડાયાલિસીસ માટે કિડની હોસ્પિટલમાં ફક્ત 6 બેડ હતા અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હતા. જ્યારે હાલ 40 બેડ છે અને દિવસમાં 125થી 150 દર્દીઓ ડાયાલિસીસ માટે આવે છે. સિવિલ હોસ્પિટલમાં પણ 50થી 60ના ડાયાલિસીસ થાય છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ ડાયાલિસીસ યુનિટની સ્થાપના કરાઈ છે.

તબીબી સલાહ | કિડનીના રોગના લક્ષણો અને તેનાથી બચવા રાખવાની તકેદારી

લક્ષણો | પેશાબમાં વધ-ઘટ થવી રાત્રે વારંવાર પેશાબ જવું પડે, આંખ અને મોઢા પર સોજા, પડખામાં દુખાવો, ઊંઘવામાં સમસ્યા, હાંફ ચડવી, ઊલટી-ઊબકા, ખરાબ શ્વાસ

વધુ જોખમવાળા દર્દી | ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વધુ પડતું ધૂમ્રપાન, પરિવારમાંથી કોઇની કિડની ફેલ થઈ હોય તો આનુવંશિકતા, વધુ પડતું વજન

તકેદારી | નિયમિત કસરત-યોગ, બ્લડ શુગર અને બ્લડપ્રેશર કાબૂમાં રાખવું, ખૂબ પાણી પીવું, ધૂમ્રપાન છોડવું, તબીબી સલાહ વગર દવા ન લેવી, મેદસ્વિતા દૂર કરવી

કિડની દિવસ નિમિત્તે વિનામૂલ્યે નિદાન
કિડની દિવસને અનુસંધાને યુરોલોજી એસોસિએશન દ્વારા તા.9 ગુરુવારે સવારે 9થી 12 દરમિયાન યુરોકેર હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર સવારે 9થી 12 દરમિયાન વિનામૂલ્યે કિડનીના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ડો. જિતેન્દ્ર અમલાણી, ડો. જીગેન ગોહેલ, ડો. પ્રતિક અમલાણી તેમજ સૌરાષ્ટ્રના એકમાત્ર પીડિયાટ્રિક યુરો સર્જન ડો. ધૃતિ અમલાણી સેવા આપશે.

કિડની સ્વસ્થ રાખવાની માહિતી વિનામૂલ્યે
કિડની એજ્યુકેશન ફાઉન્ડેશનના ડો.સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, કિડની સ્વસ્થ રાખવાની માહિતી 40 ભાષામાં વિનામૂલ્યે આપવામાં આવે છે. આ માટે www.KidneyEducation.com અને વોટ્સએપ પર કોઈને માહિતી જોઈતી હોય તો મોબાઈલ નં. 94269 33238 પરથી મેળવી શકાશે. આ માહિતી વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ આનો લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...