તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં 3ની હત્યા કરનાર સ્ટોન કિલરની પથ્થરથી જ હત્યા થઈ, એક શકમંદની અટકાયત, 2ની શોધખોળ ચાલુ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટોન કિલરનો મૃતદેહ ગઈકાલે મવડી પ્લોટ નવરંગપરા-11 વિસ્તારમાંથી મળી આવ્યો હતો - Divya Bhaskar
સ્ટોન કિલરનો મૃતદેહ ગઈકાલે મવડી પ્લોટ નવરંગપરા-11 વિસ્તારમાંથી મળી આવ્યો હતો
  • પોલીસે અજાણ્યા શખ્સો સામે IPC 302, 135 (1) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટમાં પથ્થરોથી 3 લોકોની હત્યા કરનાર સ્ટોન કિલરની ગઈકાલે પથ્થરથી જ હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળીયો અગાઉ વર્ષ 2009માં ત્રણ ભિક્ષુકોની પથ્થર ફટકારી હત્યા કરવાના ગુનામાં સાગરીત બાદલ ભૈયા સાથે જે તે વખતે પકડાયો હતો. તેની હત્યા પણ પથ્થર ફટકારીને કરવામાં આવી છે. આ સ્ટોન કિલરનો મૃતદેહ ગઈકાલે મવડી પ્લોટ નવરંગપરા-11માં આવેલા કારખાનાની છત પરથી મળી આવ્યો હતો.

પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી
માલવીયાનગર પોલીસે હત્યાનો ભોગ બનનાર મહેશ ઉર્ફ કાળુના ભાઇ ભરતભાઇ મગનભાઇ સનુરા (ઉ.વ.46)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે IPC 302, 135 (1) મુજબ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે બાકીના 2ની શોધખોળ ચાલુ છે. અંદરોઅંદર માથાકૂટમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. હત્યાનો ભોગ બનનારના મોબાઇલમાંથી જ હત્યારાઓએ પોલીસ કન્ટ્રોલ રૂમ અને 108ને ફોન કરીને કારખાનાની ઉપર મૃતદેહ હોવાની જાણ કરી હતી.

ગઈકાલે સ્ટોન કિલરનો મૃતદેહ મળ્યો હતો
2009ના વર્ષમાં પથ્થરના ઘા મારી 3 ભિક્ષુકોને પથ્થરથી મોતને ઘાટ ઉતારી દેનાર સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશનો પથ્થરના ઘા મારી માથુ છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને દુબઈ નામના શખ્સનો કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં કહ્યું હતું કે દુકાનની અગાસી પર લાશ પડી છે, શોધી લેજો. તપાસ કરતાં નવરંગપરા મવડી પ્લોટ-4ના ખુણે પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અંજલી બોક્સ વર્કસ નામના વિપુલભાઇના કારખાનાની અગાસી પરથી દૂર્ગંધ આવતી હોય લોકોએ તપાસ કરતાં એક શખ્સનો કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

મહેશે સાગરીત સાથે મળી 2009માં ભરઉંઘમાં જ 3 ભિક્ષુકની હત્યા કરી હતી
પ્રાથમિક તપાસમાં હત્યાનો ભોગ બનનાર અજાણ્યો પુરૂષ હોવાની નોંધ થઇ હતી. બાદમાં આ શખ્સ જૂના સ્ટોન કિલર તરીકે ઓળખાતો અને નવરંગપરા મણીનગરમાં રહેતો મહેશ ઉર્ફે કાળુ ઉર્ફે હરેશ મગનભાઇ પ્રજાપતિ (ઉં.વ.44) હોવાનું ખુલતાં પોલીસે તેના સ્વજનોને શોધી મૃતદેહની ઓળખ કરાવવા તજવીજ આદરી હતી. હત્યા પથ્થર ફટકારીને કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે બનાવ બે-ત્રણ દિવસ પહેલા બન્યાનું જણાય છે. કેમ કે લાશ કોહવાય ગઇ છે અને અત્યંત દૂર્ગંધયુક્ત થઇ ગઇ છે. નોંધનીય છે કે વર્ષ 2009માં મહેશે પોતાના સાગરીત બાદલ ઉર્ફે ભૈયા સાથે મળીને ત્રણ ભિક્ષુકોને ભરઉંઘમાં પથ્થરો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.