રાજકોટમાં લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર ધોકા-પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડાયરામાં ખુમારી અને ખમીરાતની વાતો કરનાર દેવાયત ખવડ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ ઘટનાના 72 કલાક બાદ પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર છે. જ્યારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે હવે રાજકોટ પોલીસની ટીમ તેના વતન મુળીદૂધઈ ગામે રવાના થઈ છે.
ઈજાગ્રસ્ત યુવકની માતાએ CP કચેરી ખાતે મોરચો માંડ્યો
આ મામલે ઈજાગ્રસ્ત યુવકની માતાએ ક્ષત્રિય સમાજની બહેનો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી અને પોલીસ કમિશનર પાસે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મામલે ભોગબનનાર યુવક મયુરસિંહ રાણાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે,દેવાયત ખવડને તેના કર્મોની સજા મળવી જોઈએ અને તેની ધરપકડ બાદ તેનું સરઘસ કાઢવું જોઈએ જેથી આ પ્રકારનો ગુનો બીજા કોઈ આચરે નહીં.
યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.42) બુધવારે બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ નીચે ઉતર્યા હતા. મયૂરસિંહ કંઇ સમજે તે પહેલા જ દેવાયત સહિત બંને શખ્સ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને સરાજાહેર હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ઘા ઝીંકી દેવાયત સહિતના શખ્સો કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોણ છે દેવાયત ખવડ
દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મુળીદુધઈ ગામના વતની છે. આ જ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમના પિતા દાનભાઈ ખવડ મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. બાળપણથી દેવાયત જાણીતા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવીને સાંભળતા હતા અને તેના અને તેમની પ્રેરણાથી જ તેઓ લોકસાહિત્યકાર બન્યા હતા. દેવાયત ખવડનું નામ ડાયરા કરતા વિવાદમાં વધુ ગુંજે છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં હર હમેશ એક સંવાદ બોલે છે. જેમાં બે વર્ષ પૂર્વે તેમણે "રાણો રાણાની રીતે હો" સંવાદ ડાયરા દરમિયાન બોલ્યો હતો અને આ સંવાદને કારણે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ-આક્ષેપમાં સપડાયા હતા.
યુવકે પોલીસ અરજીમાં શું કહ્યું
આજથી બે મહિના પૂર્વે મયુરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.23/09/2021ના ૨ોજ રાત્રે તેના કૌટુંબીક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદેસર ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા.જેથી અમોએ દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતા નશા ધૂત દેવાયતે મને ૨ીવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે,' તારાથી થાય તે કરી લે ગાડી ત્યાથી નહી હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુન્હામાં ફીટ કરાવી દઈશ.' આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતીના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું.
નશો કરીને લોકો સાથે ઝઘડે છે
વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, પરંતુ દેવાયત ખવડ સમાધાનના થોડા સમય બાદ અમો જયારે અમારા કૌટુંબીક મામાના ઘરે જઈએ ત્યારે અમારી સાથે તોછડાઈ પૂર્વક વર્તન કર્યું હતું અને રીવોલ્વોર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આટલેથી ન અટકતા પ્રસંગોપાત જ્ઞાતીના સમારોહમાં અમો બન્ને સામ સામે આવીએ ત્યારે પણ દેવાયત ખવડ મને અપમાનીત કરત વર્તન કર્યું છે. ખવડ અને તેના સાગરીતોના ત્રાસથી હું નહીં તેના પાડોશી પણ ત્રાસેલા છે. તે આવનાર નશો કરીને લોકો સાથે ઝઘડે છે.
મહિલાઓની છેડતીનો આક્ષેપ
વધુમાં અરજીમાં જણાવ્યું હતું કે, તે મહિલાઓની છેડતી પણ કરે છે. અમે પોલીસમાં અનેક ફરિયાદ કરી પરંતુ દેવાયત ખવડ ગુજરાતનો લોકસાહીત્ય કલાકાર હોય, નામચીન વ્યકિત હોવાના કારણે પોલીસમાં પોતાની સારીએવી વગ ધરાવતો હોવાના કારણે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સામે આવીને ફરીયાદ કરતુ નથી અને તે કા૨ણે દેવાયત ખવડ આજે બેફામ બન્યો છે. તેથી તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી મારી માંગ છે.
હુમલો ચર્ચાનો વિષય બન્યો
બુધવારે મયૂરસિંહ પોતાની ઓફિસેથી કુવાડવા સાઇટ પર જવા માટે ઓફિસેથી નીકળ્યા હતા તે સાથે જ દેવાયત સાગરીતો સાથે ધસી ગયો હતો. હુમલાખોર દેવાયતે મયૂરસિંહની રેકી કરાવ્યાની પણ શંકા સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દેવાયતે હુમલો કરતા મયુરસિંહ ઢળી પડ્યા હતા. ભાગતી વખતે દેવાયતે હાથ ઊંચો કરીને પાછા જતા રહેવાનો ઇશારો પણ કર્યો હતો. આમ હુમલાના કાવતરામાં અન્ય શખ્સોની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. લોકડાયરામાં ક્ષમા, માફી અને કોઇપણ વિપરીત સ્થિતિ આવે તો ઘૂંટડા પી જવા તેવી વાતો કરનાર દેવાયત ખવડે ભરબપોરે જાહેરમાં હુમલો કરતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
2 વર્ષ પહેલા પૂર્વ CMના વાઇરલ વીડિયોની બનાવી મજાક
2 વર્ષ પહેલા પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં 'ફ્રાય ફ્રેંચી'શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે 'અમને તો એમ હતું કે જમી લીધું હશે તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.' દેવાયત ખવડ પોતાના ડાયરામાં હર હમેશ બોલતા એક ડાયલોગ થી ફેમસ થયા છે. તેઓ હંમેશા પોતાના દાયરામાં આ ડાયલોગ જરૂર બોલતા હોય છે જે છે "રાણો રાણા ની રીતે હો" દેવાયત ખવડ થોડા સમય પહેલા ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વિવાદોમાં સપડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.