ક્યારે અટકશે વિદ્યાર્થીઓના આપઘાત?:રાજકોટમાં માતાએ ઘરકામનું કહેતા ધો.8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, પિતા રિક્ષાચાલક

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • માતા-પિતા દીકરા સાથે બહાર જતા પાછળથી આપઘાત કર્યો

રાજકોટના મોરબી રોડ પરના મહાશક્તિ પાર્કમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિનીએ આજે ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થિની એક ભાઈ અને બહેનમાં મોટી હતી, પિતા રીક્ષા ચાલક છે. વિદ્યાર્થિનીનું થોડા દિવસ પહેલા ધો.8માં એડમિશન કરાવાયું હતું. આજે પિતા કામે અનેમાતા નાના પુત્ર સાથે કામ માટે બહાર ગયા હતા. બાદમાં વિદ્યાર્થિની ઘરે એકલી હોય પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

માતા ઘરે આવતા દીકરીને લટકતી જોઇ
માતા ઘરે પરત આવતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં સરી પડ્યા હતા. દેકારો થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીને નીચે ઉતારી સિવિલમાં ખસેડી હતી. પરંતુ અહીં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિની ઘરકામ કરવા માટે તેના માતા સતત કહેતા રહેતા હતા. જેના કારણે લાગી આવતા આજે આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસના PSI બી.બી. કોડીયાતરે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ નાપાસ થવાના ડરે ધો.12ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો
અગાઉ એક મહિના પહેલા ધો.12માં અભ્યાસ કરતી સગીરાની તા.28/03ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, આથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં એક દિવસની સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

આ પહેલા ધો.10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો
ધો.12ની વિદ્યાર્થિનીના આપઘાતના બનાવના એક સપ્તાહ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને જલાવી જીવાદોરી ટૂંકાવી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.