અકસ્માત:રાજકોટના દૂધસાગર રોડ પર વાહનની ઠોકરે ધોરણ 5ના વિદ્યાર્થીનું મોત, કોર્પોરેટરની 17 વર્ષની પુત્રી કાર ચલાવતી હોવાની ચર્ચા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • તરુણ જુલૂસ જોવા ગયો ત્યારે બની હતી ઘટના

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં દૂધસાગર રોડ પર સાંજે જુલૂસ જોવા ગયેલા તરુણનું વાહનની ઠોકરે મોત નીપજ્યું હતું. તરુણ જે વાહનની ઠોકરે ચડી ગયો હતો એ કાર કોર્પોરેટરની સગીરવયની પુત્રી ચલાવતી હોવાની ચર્ચાઓ શરૂ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

દૂધસાગર રોડ પર હૈદરી ચોક નજીક ફૂટપાથ પરથી સાંજે એક તરુણ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો, તરુણને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ કરતાં મૃતક એ જ વિસ્તારમાં રહેતો સુમિત કાળુભાઇ બાવળિયા (ઉં.વ.13) હોવાનું ખૂલ્યું હતું. ઘટનાની જાણ થતાં બાવળિયા પરિવાર હોસ્પિટલે દોડી ગયો હતો. બાવળિયા પરિવારે પોલીસ સમક્ષ કહ્યું હતું કે સુમિત બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને બે-ત્રણ દિવસથી ઘરે ગયો નહોતો અને રખડતો હતો, તે ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.

સુમિત જે સ્થળેથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો તો એ સ્થળે ઇદ નિમિત્તે જુલૂસ નીકળ્યું હતું અને સુમિત સહિત મોટી સંખ્યામાં લોકો જુલૂસ જોવા એકઠા થયા હતા, જોકે સુમિતને કેવી રીતે ઇજા થઇ એ અંગે અજાણ હોવાનું ટોળામાં રહેલા લોકોનું કહેવું હતું, તો બીજી બાજુ એવી પણ ચર્ચા શરૂ થઇ હતી કે એ વિસ્તારના કોર્પોરેટરની 17 વર્ષની પુત્રી કાર લઇને નીકળી હતી અને તેણે સુમિતને ઠોકરે ચડાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પર તપાસ કેન્દ્રિત કરી હતી.

અકસ્માતની ઘટના બાદ થોરાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાર 17 વર્ષની તરુણી ચલાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જોકે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

રિક્ષાની ઠોકરે વૃદ્ધનું મોત...
શહેરના ઢેબર રોડ પર માલવિયા ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા મઇલાભાઇ રામજીભાઇ સલાટ (ઉં.વ.70) મંગળવારે રાત્રે 8.30 વાગ્યે ચાલીને ઘર નજીકથી પસાર થતા હતા ત્યારે કોઇ અજાણી રિક્ષાચાલકે તેમને ઠોકરે લીધા હતા. અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.