રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર SOGએ મયુર શર્મા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી દવા અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ.17,370નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મયુર શર્મા જૂના મહિકા રોડ પર શ્રી મારુતિ ક્લિનિક ખાતે છેલ્લા એકાદ વર્ષથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી સારવાર આપતો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી ધોરણ 12 પાસ હોવાનું અને અગાઉ રાજસ્થાનમાં હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સત્યસાંઈ રોડ પર બંધ બંગલામાં 7 લાખની ચોરી
સત્યસાંઈ રોડ પર આવેલા શ્રીજીકૃષ્ણા બંગલામાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ ધોળે દિવસે એક કલાક રેઢા પડેલા બંગલામાંથી 7 લાખની કિંમતના 155 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ પર સત્યસાંઈ મેઇન રોડ પર આવેલા શ્રીજીકૃષ્ણા બંગલો શેરી નંબર 1માં રહેતા મીરાલીબેન ભાવેશ ખુંટે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફરિયાદી યુવતીના પતિ એક્સલન્ટ ઈન્ટિરીયલ પ્રોડક્ટ નામનું કિચન બાસ્કેટ બનાવવાનું કારખાનું ધરાવે છે.
ઓનલાઈન આઇડી પર ક્રિકેટ પર સટ્ટો રમતા બે આરોપીને દમણથી ઝડપ્યા
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓનલાઇન આઈડી મારફત ક્રિકેટ મેચ પર જુગાર રમતા આરોપીને આઈડી આપનાર બે આરોપીની દમણ ખાતેથી ધરપકડ કરી છે. પોલીસે દમણથી આઈડી મારફત જુગાર રમાડતા આરોપી મનીષ ભક્તાણી અને મહેન્દ્ર ઉર્ફે મેંદુ થાવરાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે. પોલીસે અગાઉ પ્રતીક ટોપીયા, હાર્દિક તરપરા, મહેશ આસોદરીયા અને અજય મીઠીયાની ધરપકડ કરી હતી. જ્યારે હજુ પણ બે ફરાર આરોપી હિમાંશુ પટેલ અને કરણ અમરેલી નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
સોમનાથ સોસાયટીમાં પરિણીતાએ આપઘાત કર્યો
રાજકોટ શહેરના સોમનાથ સોસાયટી શેરી નં. 2માં રહેતા સોનલબેન ઉર્ફે સોનુ અમીતભાઇ ગાણોલીયાએ આજે સવારે પોતાના ઘરે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પતિ ઉઠ્યા ત્યારે પત્નીને લટકતી જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા સોનલબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક સોલબેનને સંતાનમા બે દીકરા, એક દીકરી છે. ઘરની પરિસ્થિતિ સારી ન હોય તેમજ પતિ કામધંધો કરતો ન હોય અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોય તેથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
પતિએ પત્નીને માર મારતા હોસ્પિટલ ખસેડાઇ
મેટોડામાં રહેતી મનીષાબેન વિપુલભાઈ ઝાખરીયા પોતાના ઘરે હતી. ત્યારે તેના પતિ વિપુલે ઝઘડો કરી માર મારતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મનીષાબેનને સારવાર માટે લાવનાર ભરતભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વિપુલ મજૂરી કામ કરે છે. તેમણે ઘરના દાગીના વેંચી નાખ્યા અને તેમને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ છે. આથી મારી બહેન મનીષાને માવતરેથી દાગીના અને પૈસા લઈ આવવા દબાણ કરી માર મારે છે. આ અંગે હાલ લોધિકા પોલીસે કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.