રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થી, વાલીઓ અને સંચાલકોને મૂંઝવતો પ્રશ્ન છે પરિણામ અને પ્રવેશનો. આગળ અભ્યાસ માટે કેવી રીતે પરિણામ મળશે અને કેવી રીતે પ્રવેશ મળશે તે પ્રશ્ન સૌ કોઇને સતાવી રહ્યો છે. ત્યારે ધોરણ 10ના પરિણામ માટે સરકાર દ્વારા અલગ અલગ વિભાગના 12 લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. જે કમિટી દ્વારા પરિણામ અંગે નિર્ણય લેવામાં આવશે અને આગામી એક સપ્તાહમાં પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. આ અંગે ત્રણ ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી હતી.
કમિટીમાં રાજકોટના જતીન ભરાડનો સમાવેશ
રાજકોટ ભરાડ સ્કૂલના સંચાલક અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડનો પણ ધોરણ 10ની પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જતીન ભરાડે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ ક્યાં આધારે તૈયાર કરવા તે માટે 12 લોકોની કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમા 2થી 3 જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં વિદ્યાર્થીઓને પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.
એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ ફોર્મ્યુલાના આધારે પરિણામ તૈયાર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા 3 વર્ષના પરિણામની સરેરાશ કાઢી પરિણામ આપવું. બીજી ફોર્મ્યુલા એ કે એકમ કસોટી મુજબ પરિણામ આપવું કે કેમ એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ધોરણ 9માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. માટે પરિણામ કયા આધારે તૈયાર કરવા તે અંગે ચોક્કસ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
તમામ ફિલ્ડમાં બેઠક વધારવી પડે તે વાત ખૂબ જ આવશ્યક
ધોરણ 12માં પણ ગઇકાલે 6 લાખ 93 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતા જણાવ્યું હતું કે, ધોરણ 10 બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પણ પરિણામ અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે પરિણામ બાદ પણ પ્રવેશ માટે મુશ્કેલી ચોક્કસ સર્જાય તેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. જેમાં તમામ ફિલ્ડમાં બેઠક વધારવી પડે તે વાત ખૂબ જ આવશ્યક છે. જેમાં સૌથી વધુ આવશ્યકતા મેડિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જોવા મળી રહી છે.
2001માં ભૂકંપ વખતે કચ્છના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું
ભૂતકાળમાં વર્ષ 2001માં કચ્છ વિસ્તારમાં આવેલા ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રમોશન અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેમની 2 માસ પાછળ પરીક્ષા લેવામાં આવી હતી અને બાકીના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ થવાની શક્યતા
CBSE અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાની શક્યતા વર્તાય રહી છે. આ અંગે યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ અથવા ઓનલાઇન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. આ તો થઈ પરીક્ષાની વાત પણ યુનિવર્સિટી દ્વારા અચાનક ફી પીજીની જુદી જુદી 20થી વધુ પ્રકારની ફીમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુદ્દે હોબાળો થતા અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફી વધારા મુદ્દે યુ-ટર્ન લેતાં આ નિણર્ય પાછો ખેંચ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.