ભૂલકાંઓનું ગ્રાન્ડ વેલકમ કરાશે:રાજકોટમાં ધોરણ 1થી 5ની શાળા 25મીથી શરૂ થશે, શરૂઆતમાં 3 કલાક જ ભણાવવામાં આવશે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારે ઓફલાઈન પ્રાથમિક શિક્ષણને 22મીથી મંજૂરી આપી પરંતુ સંમતિપત્ર, ટ્રાન્સપોર્ટેશન સહિતના મુદ્દે શાળા સંચાલકો 3 દિવસ હોમવર્ક કરશે
  • 1.42 લાખ વિદ્યાર્થીને સ્કૂલ તરફ આકર્ષવા શરૂઆતમાં બાળકોને ગમતી પ્રવૃત્તિ કરાવાશે

કોરોના મહામારીના 20 મહિના બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં ધો.1થી 5ની શાળાઓ 22મી નવેમ્બરથી શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. શાળાઓ શરૂ થવાના માત્ર એક જ દિવસ અગાઉ અને એ પણ રવિવારે મંજૂરી આપતા મોટાભાગની શાળાઓ 22મીથી શરૂ નહીં થઇ શકે કારણ કે, વાલીઓના સંમતિપત્ર લીધા બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો હોવાથી આગામી ત્રણ દિવસ એટલે કે 25મી સુધી શાળાઓએ વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાનું, બાળકોને ઘેરથી સ્કૂલ આવવા-જવા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ગોઠવવાનું, ક્લાસરૂમ સેનિટાઈઝ કરવા, શિક્ષકોને પણ તાલીમ આપવા સહિતનું હોમવર્ક કર્યા બાદ 25મી નવેમ્બરને ગુરુવારથી જ શરૂ કરવાનું મોટાભાગના શાળા સંચાલકોએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ધો.1થી 5ના 1.42 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરતા પહેલા દરેક શાળાઓમાં શરૂઆતના દિવસોમાં ભૂલકાંઓને ગમતી પ્રવૃત્તિ કરાવાશે ઉપરાંત પ્રારંભિક સમયમાં સ્કૂલનો સમય પણ ત્રણ કલાકનો જ રખાશે. વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું ગમે તે માટે શાળાઓમાં ગ્રાન્ડ વેલકમ, કાર્યક્રમો, રમતગમતની પ્રવૃત્તિઓ કરાશે. 50%ની મર્યાદામાં વિદ્યાર્થીઓને બોલાવવાના હોવાથી મોટાભાગની શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી ત્યાં એકાંતરા વિદ્યાર્થીઓને ભણાવવા બોલાવાશે.

ફી અને સ્કૂલ ડ્રેસ | ફી આખા વર્ષની લેવાશે, યુનિફોર્મ માટે 15 દી’નો સમય અપાશે
ધોરણ 1થી 5ની શાળાઓ ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જોકે દરેક શાળામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યું હોવાને કારણે વાલીઓને આખા વર્ષની જ ફી ભરવી પડશે.

ટૂંકા સમયગાળામાં અને 20 મહિના બાદ શાળા શરૂ કરવાની મંજૂરી મળી હોવાથી જે વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ ડ્રેસ જૂના કે ટૂંકા થઇ ગયા છે અને નવા બનાવવા પડે તેમ છે તેમને 15 દિવસનો સમય અપાશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ નવા તૈયાર ન થઈ જાય ત્યાં સુધી શાળામાં ફ્રી ડ્રેસ સાથે આવવા માટે છૂટછાટ અપાશે.

ટ્રાન્સપોર્ટેશન | 3 દિવસમાં સ્કૂલ બસ, વાન અને રિક્ષાનો રૂટ નક્કી થઇ જશે
સરકારે પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજૂરી અપાયા બાદ તુરંત જ શિક્ષણ શરૂ કરી દેવાનું શક્ય નથી. અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ બસ, વાન કે રિક્ષામાં સ્કૂલે આવતા-જતા હોય છે તેથી સોમવારથી દરેક શાળા સંચાલકો અને સ્કૂલ વાન કે રિક્ષાચાલકો ત્રણ દિવસમાં વિદ્યાર્થીના ઘરથી સ્કૂલના રૂટ સેટ કરશે.

બે દિવસ સ્કૂલ વાહન દરેક વિદ્યાર્થીના ઘરના રૂટથી સ્કૂલ સુધીના રૂટની ટ્રાયલ લેશે અને ત્યારબાદ સ્કૂલ શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા-જવામાં મુશ્કેલી ન પડે. શહેરના સ્કૂલવાન અને રિક્ષા ચાલકો પણ ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓના ઘરથી સ્કૂલ સુધીના રૂટનું ટ્રાયલ લઈ લેશે.

SOP | વિદ્યાર્થીઓ-વાલીઓ, સ્કૂલ સંચાલકોએ આટલું ધ્યાન રાખવું પડશે
સરકારે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા મામલે જાહેર કરેલી નવી એસઓપીમાં દર્શાવાયું છે કે વિદ્યાર્થીઓએ ઓફલાઈન સ્કૂલે આવવું ફરજિયાત નથી, તેઓ ઓનલાઈન પણ ભણી શકશે. દરેક વિદ્યાર્થીને વાલીનું સંમતિપત્ર હશે તો જ પ્રવેશ અપાશે. એક ક્લાસમાં ક્ષમતાના 50% વિદ્યાર્થીઓ જ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી શકાશે અથવા એકાંતરા બોલાવવાના રહેશે.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ નહીં મળે. શાળાઓમાં હાલ સમૂહ પ્રાર્થના, સ્પોર્ટ્સ પ્રવૃત્તિ, રીસેસ સહિતની પ્રવૃત્તિઓ નહીં કરી શકાય. આ ઉપરાંત સ્કૂલમાં ફરજિયાત માસ્ક, હાથ ધોવાની વ્યવસ્થા, સેનિટાઈઝર, થર્મલગન રાખવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...