રાજકોટના રણછોડનગર વિસ્તારમાં બોગસ કુલમુખત્યારનામાને આધારે મૃતકની જમીનના દસ્તાવેજ કરવાનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ દસ્તાવેજના આધારે આરોપીઓએ મનપા પાસેથી બાંધકામ મંજૂરી પણ મેળવી લીધી હતી ગુનો દાખલ થતા જ રાજકોટ રાજકોટ મહાનગર પાલિકાએ તુરંત જ મંજૂરી પર સ્ટે લાવ્યો છે.
રાજકોટના મોરબી રોડ પરની સરવે નં. 53-2ની જમીનમાં બોગસ કુલમુખત્યારનામાને આધારે દસ્તાવેજ થયા હતા જે મામલે વિજય ગજેરા નામના ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તળસી પરસોત્તમ બાસીડા, તુલસી પાંચા સાંગાણી સહિતના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઉપરાંત તપાસ કરાતા આરોપીઓએ આ જમીનના દસ્તાવેજના આધારે પ્રવીણ લાલજી ગઢિયાના નામથી મનપામાં અરજી કરીને બાંધકામ મંજૂરી મેળવી લીધી હતી. મનપાને પણ બાંધકામ મંજૂરી રદ કરવા માટે ફરિયાદીએ રજૂઆત કરી હતી. મૃતકના નામે બોગસ કુલમુખત્યારનામા જેવા ગંભીર કેસ બનતા મનપાએ આ મામલે લીગલ સેલને કામગીરી સોંપતા વકીલે બાંધકામ પરવાનગી સસ્પેન્ડ કરવા તેમજ તમામ પ્રકારનું બાંધકામ અટકાવી દેવા હુકમ કર્યો છે.
જ્યાં સુધી રાજકોટ મનપાનો આદેશ ન આવે ત્યાં સુધી બાંધકામ કરી શકાશે નહિ અને જો બાંધકામ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ મહાનગરપાલિકા દ્વારા રાધે એન્ટરપ્રાઈઝ પેઢીના પાર્ટનર અને વહીવટકર્તા પ્રવીણ લાલજી ગઢિયાને ફટકારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.