કૌભાંડનો પર્દાફાશ:રાજકોટમાં SEIT એજયુકેશનના નામે ડિપ્લોમા, કોર્સના બનાવટી સર્ટિફિકેટનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 1ની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિપ્લોમા અને ડિગ્રીના નકલી સર્ટિફિકેટનું રેકેટ ઝડપાયું - Divya Bhaskar
ડિપ્લોમા અને ડિગ્રીના નકલી સર્ટિફિકેટનું રેકેટ ઝડપાયું
  • આરોપી જયંતી સુદાણી મુંબઇની સંસ્થાના નામે રેકેટ ચલાવતો, 200થી વધુ નકલી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યાનું ખુલ્યું
  • ડિપ્લોમા, આઇટીઆઇ સહિતના સ્કીલ આધારીત કોર્સના સર્ટીફીકેટ રૂપિયા લઇ બનાવી આપતો હતો
  • 3 હજારથી વધુ લોકોને નકલી સર્ટિફિકેટ ધાબડ્યાની આશંકા, સેકન્ડરી સ્કૂલ (દિલ્હી)ના નકલી સર્ટિ.નો જથ્થો મળ્યો

રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે નકલી સર્ટીફીકેટ બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. નાના મૌવા રોડ પર પીજીવીસીએલની ઓફિસ પાસે માધવ કોમ્પલેક્ષમાં SEIT એજ્‍યુકેશન અર્થાત સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રોનીક ઓફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી નામની ઓફિસમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સરકારની માન્યતા વગર ગેરકાયદેસર રીતે આઈટીઆઈ તેમજ ડિપ્લોમાં અને ડિગ્રી કોર્સના નકલી સર્ટિફિકેટ બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. અને આરોપી જયંતિ લાલજીભાઇ સુદાણીની ધરપકડ કરી આઈપીસી 406, 420, 465, 468, 471 મુજબ છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ક્રાઈમ બ્રાન્‍ચને બાતમી મળી હતી કે શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે.જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાના મવા રોડ ઉપર આવેલા માધવ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે SEIT એજ્યુકેશનના નામે આવેલી ઓફીસમાં દિલીપ ગીરધરલાલ ચૌહાણને ડમી ગ્રાહક તરીકે રજૂ કરી નકલી સર્ટિફિકેટની વાતચીત કરાવવામાં આવી હતી. ઓફીસમાં હાજર આરોપી જયંતિએ 2008ની સાલનું મીકેનીકલ ફીટરનું સર્ટિફિકેટ કાઢી આપવા તૈયારી બતાવી હતી અને આ માટે 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી આરોપી જયંતિએ પોતાને પ્રિન્‍સીપાલ દર્શાવતો સ્‍ટેમ્‍પ ઠપકારી સર્ટિફિકેટ કાઢી આપતા જ ક્રાઈમ બ્રાન્‍ચની ટુકડીએ દરોડો પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ કોઈપણ માન્‍યતા વગર ડિપ્‍લોમા કોર્સના ખાનગી નોકરી માટે સર્ટિફિકેટ કાઢી આપતા હોવાની આરોપ જયંતિ સુદાણીએ કબૂલાત કરી હતી.

વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઇ બોગસ ડિગ્રી આપતો
આ પ્રકારની સંસ્‍થાની જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્‍ચ - ઓફીસો આવેલી છે. જો કે આ પ્રકારના સર્ટિફિકેટ રાજકોટ ઓફીસથી કાઢી આપવામાં આવતા હતા. જે મુજબ આરોપી સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિકસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (રજિસ્ટર બાય આઇટીઇએસ, મુંબઇ-ઇન્ડીયા)ના નામે અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઇ અભ્યાસ કરાવ્યા વગર સર્ટિફિકેટ-ડિગ્રી આપતો હતો.

રૂા.33 હજારનો મુદ્દામાલ કબ્જે
આરોપીએ વીતી ગયેલા વર્ષોની અલગ-અલગ કોર્સના બનાવટી સર્ટિફિકેટ તેમજ માર્કશીટ આપી આર્થિક લાભ મેળવવા 200 લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન ઓફીસમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે કોમ્પ્યુટર, પ્રિન્ટર, કોરા અને અલગ-અલગ નામવાળા સર્ટીફીકેટ, માર્કશીટ, રબ્બર સ્ટેમ્પ, પ્રશ્નપત્ર વગેરે મળી રૂા.33 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ઝડપાયેલા આરોપી જયંતિ સુદાણીને કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ મેળવવા તજવીજ ચાલી રહી છે.

ભારત શિક્ષા મંત્રાલય લખેલા કવર સહિતનું સાહિત્ય જપ્ત
જયંતી સુદાણીની ઓફિસમાંથી પોલીસે કોરી માર્કશીટ, કોરા સર્ટિફિકેટ, જુદા જુદા સ્ટેમ્પ, બોર્ડ ઓફ સેક્રેટરી એજ્યુકેશન દિલ્હી લખેલા કોરા કવર, બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી, ભારત શિક્ષા મંત્રાલય લખેલા કવરના થપ્પા, ડિપ્લોમા એન્ડ સિવિલ એન્જિનિયરિંગ કોર્સનું 2008નું સર્ટિફિકેટ, બોનાફાઇડ સર્ટિફિકેટ સહિતનું સાહિત્ય મળ્યું હતું, જે તમામ જપ્ત કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.

અનેક લોકોને નોકરી મળી ગયાની શંકા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયંતી સુદાણીએ વર્ષ 1983થી ઉપરોક્ત સંસ્થા ચાલુ કરી હતી અને જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં બ્રાંચ ચાલતી હતી, વર્ષોથી જયંતી આ ગોરખધંધા કરતો હતો, કોઇપણ પ્રકારના કોર્સ કર્યા વગર અને કોઇપણ માન્યતા નહીં હોવા છતાં જયંતી ડિપ્લોમાના સર્ટિફિકેટ આપી દેતો હતો, જયંતીએ વેચેલા સર્ટિફિકેટને આધારે અનેકને નોકરી મળી ગયાની પણ પોલીસને શંકા છે, પોલીસે જપ્ત કરેલા ડેટા પરથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

લોકો સમજતા કે ITI જેવી સંસ્થા છે
માત્ર આર્થિક લાભ માટે જ જયંતી સુદાણી આ ગોરખધંધા કરતો હતો, પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા જયંતી ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે, પોતાની સંસ્થાનું નામ સૌરાષ્ટ્ર ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલજી નામ રાખ્યું હતું અને તે સંસ્થાનું અંગ્રેજીમાં શોર્ટમાં એસઇઆઇટી એજ્યુકેશન રાખ્યું હતું જેથી લોકો એમ સમજતા હતા કે આઇટીઆઇ જેવી સરકાર માન્ય સંસ્થા છે અને પોતાનો ધંધો ચાલતો હતો.

અન્ય સમાચારો પણ છે...