ભાસ્કર એક્સપોઝ:રાજ્યનું સૌથી મોટું ગૌચરકૌભાંડ-પાળ ગામની સરવે નં.122ની મામૂલી કિંમતની જમીનના કરોડો ભાવ ઊપજે એ માટે એને રોડ પાસેની ગૌચરની જમીનમાં બતાવી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દિવ્ય ભાસ્કરને માહિતી મળતાં જિલ્લા ક્લેક્ટરને જાણ કરાઈ, તપાસમાં બહાર આવી રી-સરવે દરમિયાનની સૌથી મોટી ગેરરીતિ
  • તંત્રની મિલીભગત - પાળ ગામે છેવાડાની જમીનને ગૌચરના જૂના સરવે નંબર 300માં જ્યાંથી રોડ નીકળે છે ત્યાં બેસાડી નવો સરવે 712 તરીકે બતાવી દીધો

ગૌચરની જમીનો પર દબાણ કરીને હજમ કરી જવાના આક્ષેપ ઘણા થાય છે પણ હજુ સુધી તેમાં કઈ રીતે કૌભાંડ થાય છે તેમજ જમીનો દબાઈ ગઈ તેમજ ખાનગી ઠેરવાઈ ગઈ ત્યાં સુધી પણ કોઈને ગંધ નથી આવતી તેવું દસ્તાવેજી પુરાવાઓ સાથેનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ અંગે દિવ્ય ભાસ્કર પાસે કેટલીક માહિતીઓ અને પુરાવાઓ આવતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરી હકીકતો જણાવતા તેમણે તપાસ શરૂ કરી હતી જેમાં તંત્ર પાસે રહેલા દસ્તાવેજો અને ભાસ્કરના પુરાવાઓને એકબીજા સાથે મેળવતા કૌભાંડ બહાર આવ્યું હતું કે, છેવાડાની જમીનોને રિ-સરવે દરમિયાન રોડ કાંઠા પરના ગૌચરમાં બતાવી દઈને વેચી નાંખી છે.

દિવ્ય ભાસ્કરની ટીમે જૂના નકશાઓ ભેગા કરી તેમાં ગૌચર ક્યાં આવેલું છે તે જગ્યાઓ નક્કી કરી હતી બાદમાં રિ-સરવે પછીના નવા નકશાનો અભ્યાસ કરાયો હતો. જેમાં ગૌચરની અલગ અલગ જગ્યાઓના સરવે નંબરમાં કેટલીક જગ્યાએ ખાનગી સરવે નંબર દેખાતા હતા. આ પૈકી પાળથી વાવડી જતા માર્ગ પર કે જ્યાં જૂના સરવે નંબર 300ની ગૌચરની વિશાળ જગ્યા છે ત્યાં જૂના નકશા કરતા નવા નકશામાં નવી 3 ખાનગી જમીન હોવાનું દેખાયું હતું.

આ ત્રણ પૈકી એક સરવે નં. 712ના રેવન્યૂ રેકર્ડ જોતા તેમાં જૂનો સરવે નં. 122 હોવાનું નોંધેલું છે. આ સરવે નં. 122 ક્યો તે જોવા ફરી જૂનો નકશો જોતા તે જગ્યા છેક પાળ ગામની હદ પૂરી થાય છે ત્યાં હતો. પણ, રિ-સરવે થયો એટલે ત્યાં જ નવો સરવે નંબર આપવાને બદલે તેનો સરવે નંબર રોડ નજીકના ગૌચરમાં તેટલી જ જગ્યામાં નવો સરવે નં.712 બતાવી દીધો અને 7-12 પણ બનાવી લીધા.

આ રીતે કૌભાંડીઓએ જમીન દફ્તર કચેરીના અધિકારીઓ અને સર્વેયરોને સાથે રાખી મામૂલી કિંમત આવે તેવી 3717 ચો. મી. જગ્યાને રોડ પર લાવી કરોડો રૂપિયાની કરી લીધી. માત્ર એટલું જ નહિ આવું જ કૌભાંડ બીજી વખત થાય એટલે તેની આસપાસની તેના કરતા ચાર ગણી જમીન પર ફેન્સિંગ મારી તેને 713, 704, 908, 918 સરવે નંબર અપાવી દીધો તેના હજુ સુધી 7-12 બન્યા નથી.

દિવ્ય ભાસ્કરે તપાસ કરતાં કર્મચારીઓએ માલિક પાસે કરાવી અરજી
દિવ્ય ભાસ્કર આ પ્રકરણ મામલે તપાસ શરૂ કરીને જમીન દફ્તર કચેરી સુધી પહોંચ્યા હતા. અધિકારીઓને આ કૌભાંડ ખુલ્લું પડવાનો ડર લાગ્યો તેથી જમીન માલિકો પાસેથી એવી અરજી કરાવી હતી કે ‘જે તે સમયે તેમનાથી ભૂલથી જગ્યા બીજે બતાવી દેવાઈ છે હવે સુધારો કરવો!’

‘ભૂલ’થી રોડ કાંઠાનો સરવે નંબર આપી દીધાનો બચાવ કરતા સુપરિન્ટેન્ડેન્ટ
ડીઆઈએલઆર કચેરીના સૌરાષ્ટ્રના સૌથી ઉચ્ચ અધિકારી કે જેના નામથી રિ-સરવેમાં નોંધ કરવામાં આવી હતી. તેવા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ ડી. બી. આર્યાનો આ મામલે સંપર્ક કરાતા સૌથી પહેલા તેઓએ ‘કાગળમાં ભૂલ થવાથી સરવે નંબર ખોટો પડી ગયો’ તેવો બચાવ કર્યો હતો.

ભૂલથી સરવે નંબર અલગ આપી દીધો પણ કબજો ત્યાં જ કેમ તેનો થયો? આ પ્રશ્ન પૂછતા તેઓએ આ અંગે કહ્યું કે, ‘કબજો હતો એટલે સરવે નંબર ફાળવ્યો’ એટલે કે સર્વેયરે જૂના નકશા કે ડોક્યુમેન્ટ જોયા વગર જ ‘ભૂલ’થી રોડ કાંઠાની જમીન આપી દીધી તેવો લૂલો બચાવ જવાબદાર કચેરીના જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

જાણો જમીનકૌભાંડની આ મોડસ ઓપરેન્ડી

  • પ્રમોલગેશન ચાલતું હોય તે ગામોમાં સર્વેયર પાસે જઈને ગૌચરની સારામાં સારી જગ્યા પસંદ કરવાની
  • સર્વેયર અને વચેટીઓ તે જગ્યામાં નકશો દોરે તે મુજબ ફેન્સિંગ મારી કબજો કરી લેવાનો
  • સત્તાવાર રીતે રિ-સરવે થતો હોય ત્યારે તે જગ્યાએ પોતાનો કબજો હોવાનું કહી જમીન મપાવી લઈ સરવે નંબર લઈ લેવાનો પણ કાગળ પર કબજો પાછળથી બતાવવાનું કહી દેવાનું
  • કાગળ પર સરવે નંબર લેવા માટે છેવાડાની જમીન પસંદ કરી તેનો જૂનો સરવે નંબર સર્વેયરને આપવાથી અધિકારીઓ, સર્વેયરો તેની ફાઈલ તૈયાર કરી નાખે
  • આ ફાઈલમાં પ્રમોલગેશનની નોંધ કરાવી જૂના સરવે નંબર પરથી નવા સરવે નંબરના બહાને ગૌચરની જગ્યા મળી જાય અને મૂળ જગ્યા પર પણ કબજો રહે

જાણો કૌભાંડ કરાયું એ જમીનમાં કોણ કેટલા ખરીદનાર-વેચનાર અને ક્યારે આચર્યું કૌભાંડ
10/06/2015 :
જમીનના માલિક દેવશી બધા ચાંડપાએ સરવે નં. 122ની જમીન હેમાબેન ખીમસુરિયા (વા.ઓ. રમેશ મકવાણા)ને 10.93 લાખ રૂપિયામાં વેચી
21/08/2015 : હેમાબેન ખીમસુરિયા (વા.ઓ. રમેશ મકવાણા)એ આ જમીન મેહુલ ખોડા બોરીચા અને દિનેશ અરજણ કુવાડિયાને 11.70 લાખ રૂપિયામાં વેચી
16/03/2018 : રિ-સરવેમાં પ્રમોલગેટ કરીને જૂના સરવે 122ને નવા 712 આપ્યા(કૌભાંડ અહીંથી થયું)
15/10/2018 : મેહુલ ખોડા બોરીચા અને દિનેશ અરજણ કુવાડિયાએ આ જમીન 12 લાખ રૂપિયામાં તેજસ રમણીક બાબરિયાને વેચી

જમીન હડપ કરનારાઓ સામે થશે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ગૌચરની જમીન આ રીતે ખાનગી બતાવી પચાવી પાડવી તે ખૂબ મોટી ગેરરીતિ છે. આ પ્રકરણમાં જે લોકો પણ સંડોવાયેલા હશે તે તમામની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા સુધીના પગલાં લેવાશે આ ઉપરાંત આ પ્રકારની શંકાસ્પદ જેટલી પણ જમીનો છે ત્યાં તપાસ કરાવીને મૂળ સુધી પહોંચી તમામ ગૌચરની જમીનો ખાલી કરાવાશે. > અરૂણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર, રાજકોટ