રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા જૂથવાદના વિવાદોમાં આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ત્રણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યા છે. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ આંખે ઊડીને વળગે છે, કારણ કે, હોમટાઉનમાં પ્રદેશ પ્રમુખ પધાર્યા છે ત્યારે રૂપાણી રાજકોટ છોડી બહાર નીકળી પડ્યા છે. શું ઠપકાનો ડર? એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે. રૂપાણી સુરતમાં દિક્ષા મહોત્સવ અને વ્હોરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જોકે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સીધું કહી દીધું કે જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે છે. બીજી તરફ વજુભાઈ બહાર હોવાની વાત સામે આવી હતી તો શું અચાનક વજુભાઈ રાજકોટમાં પ્રગટ થયા કે શું? કારણ કે પાટીલ તેમના ઘરે ગયા તો વજુભાઈ હાજર હતા અને તેમણે કહ્યું હતું કે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી.
પાટીલ અને રૂપાણી એક મંચ પર ભેગા થવા પર પૂર્ણવિરામ
શહેર ભાજપના કાર્યક્રમમાં સી.આર. પાટીલ અને વિજય રૂપાણી એક મંચ પર આવશે કે કેમ? એવી અટકળો ભાજપ વર્તુળોમાં ચાલી રહી હતી. જોકે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો છે, કારણ કે એક તરફ સુરતના પાટીલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા છે, આથી બંને એક મંચ પર દેખાશે નહીં.
ભાજપના આગેવાનો સાથેની બેઠકમાં પાટીલ કોની ફિરકી લેશે એવી પણ ચર્ચા
રૂપાણી અને વજુભાઈની ગેરહાજરીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના રાજકોટમાં 3 કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં ભાજપના અપેક્ષિત કાર્યકરો સાથે બપોરે 3થી 4 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલમાં બેઠક રાખવામાં આવી છે. એમાં સાંસદો, ધારાસભ્યો, જનસંઘ વખતથી ભાજપમાં રહેલા ચુનંદા કાર્યકરો હાજરી આપશે. સી.આર. પાટીલના એરપોર્ટ પર સ્વાગતમાં પણ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને બદલે કશ્યપ શુક્લને મોખરે કરાયા હોવાનું જોવા મળ્યું હતું.
એરપોર્ટ પર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખને આવકારવા માટે અમે એરપોર્ટ ખાતે સવારે સૌ ઊમટી પડ્યા છીએ. સી.આર. પાટીલના સ્વાગત સમયે હજારો ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા અને બેન્ડની સૂરાવલિ સાથે કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરમાં ચોકે ચોકે બેનર લગાડવામાં આવ્યાં છે. બપોરે 3થી 4 સી.આર. પાટીલ ભાજપના અપેક્ષિત કાર્યકરો સાથે ગોષ્ઠિ કરશે.
રામ મોકરિયાએ પલટી મારી
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પલટી મારતાં નિવેદન આપ્યું છે કે શહેર ભાજપમાં કોઈ જૂથવાદ નથી. મીડિયા એની રીતે ચલાવે છે. આવો કોઈ જૂથવાદ અમારી વચ્ચે નથી. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.