જેલ કે બગીચો?:રાજ્યના જેલવડાના ગોંડલ જેલમાં દરોડા, બહારના 6 લોકો 5 કેદી સાથે ભોજન કરતાં ઝડપાયા, 11 સામે ગુનો, જેલરની તાત્કાલિક અસરથી બદલી કરાઈ

રાજકોટએક વર્ષ પહેલા
ગોંડલ સબ-જેલ. - Divya Bhaskar
ગોંડલ સબ-જેલ.
  • 6 શખસ ફરાર થતાં શોધખોળ, જેલના સ્ટાફ સામે પણ કાર્યવાહી થઈ શકે છે
  • 5 મોબાઇલ અને 15 હજારની રોકડ જપ્ત

ગોંડલ સબ-જેલમાં ચાલતી લાલિયાવાડીનો વરવો કિસ્સો મંગળવારે રાત્રે પ્રકાશમાં આવ્યો હતો. રાજ્યના જેલવડાની ટીમે રાત્રીના 10 વાગ્યે દરોડો પાડતાં જેલના પાંચ કેદી બહારથી આવેલા છ લોકો સાથે ભોજન કરતાં ઝડપાયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. જેલના કેદીઓની તપાસ કરતાં તેની પાસેથી પાંચ મોબાઇલ અને 15 હજારની રોકડ મળી આવ્યાં હતાં. જ્યારે બહારથી આવેલા છ શખસ નાસી ગયા હતા. જેથી ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 11 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જેલમાં હત્યાકેસના આરોપી રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખિલ રમેશ દોંગા અને અમિત પડારિયાને ઝડપી લીધા છે, જ્યારે બહારથી આવેલા જયેશ દવે, જિતેન્દ્ર વનરાજ, અજય રાયધન બોરિચા, નિકુલ ડોંગા, જિજ્ઞેશ ભૂવા અને કલ્પેશ ઠુંમરની શાધખોળ ચાલુ છે. તો સમગ્ર મામલે તાત્કાલિક અસરથી જેલર ડી. કે. પરમારની બદલી કરવામાં આવી છે.

મંગળવારે રાતે જેલવડાની ટીમે દરોડા પાડ્યા હતા
રાજ્યના જેલ વડાની સ્ક્વોડમાં ફરજ બજાવતા જેલર દેવશીભાઈ કરંગિયા સહિતની ટીમ મંગળવારે રાત્રે 10 વાગ્યે ગોંડલ સબ-જેલમાં પહોંચી હતી. જેલ ગેટ પરના અમલદાર લાખાભાઈ કોડિયાતરે ગેટ ખોલતાં જ ચેકિંગ ટીમ જેલની અંદર પ્રવેશી હતી. ચેકિંગ ટીમને જોતાં જ ટોળે વળીને બેઠેલા 11 શખસમાં દોડધામ મચી ગઈ હતી. ચેકિંગ ટીમે હત્યાકેસમાં જેલમાં રહેલા રાજેન્દ્ર ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખિલ રમેશ દોંગા અને અમિત જયંતી પડારિયા નામના કેદીઓને ઝડપી લીધા હતા, રાજુ શેખવા પાસેથી ચેકિંગ સ્ક્વોડને બે મોબાઇલ અને એક પાવર બેંક મળી આવ્યાં હતા,. જ્યારે ભાગી ગયેલા શખસોએ પોતાના કબજામાંથી વસ્તુ હાથ આવે નહીં એ માટે જેલમાં પર્સ અને મોબાઇલના ઘા કર્યા હતા, જેમાંથી ચેકિંગ ટીમે વધુ ત્રણ મોબાઇલ અને પર્સમાંથી રોકડા રૂ.15 હજાર તેમજ લાઇસન્સ અને આધારકાર્ડ જપ્ત કર્યાં હતાં.

હવાલદારે ગેટ ખોલીને 6 લોકોને ભગાડી દીધા હતા
જેલના નિયમ મુજબ, સાંજે 7 વાગ્યે જેલનો મુખ્ય ગેટ બંધ થઈ ગયો હતો, પરંતુ રાત્રીના ગેરકાયદે જેલ હવાલદારે ગેટ ખોલતાં બહારથી છ શખસ જેલમાં આવ્યા હતા અને જેલમાં રહેલા રાજુ શેખવા અને નિખિલ દોંગા સહિતના પાંચ કેદી ટોળે વળીને જમવા બેઠા હતા. દરોડો પડ્યો ત્યારે જમવાનું છોડીને તમામ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં, ચેકિંગ ટીમ જેલમાં આવ્યા બાદ જેલનો ગેટ બંધ કરી દેવાયો હતો, પરંતુ બહારથી આવેલા લોકોને ભગાડવા માટે હવાલદારે ફરીથી ગેટ ખોલીને તમામ છ લોકોને ભગાડી દીધા હતા.

જેલના સીસીટીવી કેમેરા ચોંકાવનારો ઘટસ્ફોટ કરશે
જેલના મુખ્ય ગેટ સહિતનાં સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રાત્રીના છ લોકો માટે જેલનો ગેટ ખોલવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગેરકાયદે અંદર પ્રવેશવા પણ દીધા હતા અને તમામ 11 લોકોએ ભોજનની મહેફિલ શરૂ કરી હતી. રાજ્યના જેલ વડાની ટીમે ગોંડલ સબ-જેલમાં ચાલતી લોલમલોલનો પર્દાફાશ કરતાં ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે. જેલવડા દ્વારા આ અંગે જેલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવે તો જેલના ઉચ્ચ અધિકારી સહિતનાઓની મિલીભગત બહાર આવી શકે.

5 કેદી વિડિયો-કોન્ફરન્સ રૂમમાં મિત્રો સાથે બેઠા હતા
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ચેકિંગ સ્કવોડ જેલમાં પહોંચી ત્યારે રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયેશ ગોહેલ, નિખિલ દોંગા અને અમિત પડારિયા જેલમાં બેરેકને બદલે જેલના વિડિયો-કોન્ફરન્સના રૂમ પાસે બેઠા હતા, જેમાંથી એક કેદી તો મોબાઇલ પર વાતચીત કરતો હતો.