રાજકોટમાં આજે ખોડલધામની સંસ્થા સરદાર પટેલ ભવનમાં રાજનિતીના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તેના ઉદ્દઘાટન બાદ પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની ચુંટણી અંગે ટીકીટને લઈ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, 'હું કોઈ સીટ ના ફિગરમાં પડવા નથી માંગતો પણ હક્કદાર હોઈ તેને તેનો હક મળવો જોઈએ. વિધાનસભાની ચૂંટણી સમાજના હક પ્રમાણે હોવી જોઇએ.' ઉલ્લેખનીય છે કે આજે નરેશ પટેલની આગેવાનીમાં ભાજપના ધનસુખ ભંડેરી,મનહર પટેલ અને AAPના શિવલાલ બારસિયા સહિત વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
6 ભાગમાં કોર્સની વહેચણી કરાઈ છે
વધુમાં નરેશ પટેલે કહ્યું હતું કે, ભારતભરમાં સામાજિક સંસ્થાના નેજા હેઠળ પ્રથમ વખત રાજનીતિની પાઠશાળા શરૂ કરવામાં આવશે. ડોકટર બનવા માટે, ઇજનેર બનવા માટે કોર્સ કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકરણની માહિતી અંગે 6 ભાગમાં કોર્સની વહેચણી કરવામાં આવી છે. યુવાનો રાજનિતીમાં આવે તે હેતુથી આ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે.
રાજકીય કલાસમાંથી કોઈ એક મુખ્યમંત્રી બને
વધુમાં નરેશ પટેલે કહ્યું હતું કે, એક વર્ષના આ કોર્ષ પૂર્ણ થયા બાદ જો ઉમેદવાર સક્ષમ હશે તો જરૂર તેને કોઈને કોઈ પક્ષ તરફથી ટિકીટ આપવામાં આવશે. રાજકારણ પણ એક એરેથમેટીક છે. રાજકીય નેતૃત્વ પૂરું પાડે તે જરૂરી છે. હું ક્યારેય પણ એવું નથી માનતો કે દરેક કાર્યમાં આપણે સફળ થાય. રાજકીય પાઠશાળા માટે બહેનોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હું ઈચ્છું છું કે રાજકીય કલાસમાંથી અભ્યાસ કરનારા પૈકી કોઈ એક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બને.
રાજકારણમાં આવો છે પાટીદાર પાવર
રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.
15 ટકા પાટીદારો અને 71 વિધાનસભા બેઠક પર પ્રભુત્વ
વર્ષોથી ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા મતદારો પાટીદાર છે તેમજ વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. બાબુભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને હાલ ભૂપેન્દ્ર પટેલ, એમ રાજ્યને કુલ પાંચ પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતમાં હાલ 44 ધારાસભ્ય, 6 લોકસભા અને 3 રાજ્યસભા સાંસદ પાટીદાર છે. તેવામાં સરદારધામ દ્વારા શરૂ કરવામાં આવનારા આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.