આજે છે વિશ્વ નારી દિવસ. ત્યારે દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે એક એવી મહિલાની કહાની, જેમણે 5 બહેનથી સ્મૃતિચિહ્ન બનાવવાની શરૂઆત કરી અને પોતાના હોંસલાના હલેસાથી આજે 200 મહિલાને આપી રોજગારી પ્રદાન કરે છે. તેમનું વર્ષે ટર્નઓવર 90 લાખનું છે. લીંબડીથી લંડન સુધી તેમની કલાકૃતિની ડિમાન્ડ છે. વાત થઈ રહી છે અમરેલીના કંચનબેન વિઠ્ઠલભાઈ બાંભરોલિયાની...
મહિલા ગૃહઉદ્યોગને વટવૃક્ષ બનાવ્યો
‘મંઝિલે ઉસીકો મિલતી હૈ જિસકે સપનોં મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહિ હોતા હોંસલા સે ઉડાન હોતી હૈ.’ આ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ મહિલા ગૃહઉદ્યોગ અમરેલીના પાયાના પથ્થર કંચનબેન વિઠ્ઠલભાઈ બાંભરોલિયાએ કરી બતાવી છે. આજે મહિલા દિવસે ખાસ કંચનબેને મહિલા ગૃહઉદ્યોગને કેવી રીતે વટવૃક્ષ બનાવ્યો એ વિશે વાત કરવી છે.
1987માં ગૃહઉદ્યોગની શરૂઆત કરી
કંચનબેને 1987માં પાંચ બહેનથી સ્મૃતિચિહ્ન, દેવી-દેવતાની મૂર્તિ, શો-પીસ બનાવવાની સાથે ગૃહઉદ્યોગની શરૂઆત કરી હતી. આજે 200 મહિલાને રોજગારી આપી સ્વનિર્ભર બનાવી છે. 25 હજારની લોન મેળવી ગૃહઉદ્યોગ શરૂ કરનારાં કંચનબેન આજે વર્ષે 90 લાખનું ટર્નઓવર કરે છે.
આગવી કલાદૃષ્ટિ ધરાવતા હતા
કંચનબેનના ગૃહઉદ્યોગના નિર્માણમાં તેમના પતિ વિઠ્ઠલભાઈ પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. 1983માં જ્યારે કંચનબેનના લગ્ન વિઠ્ઠલભાઈ સાથે થયા ત્યારે આગવી કલાદૃષ્ટિ ધરાવતા વિઠ્ઠલભાઈ ઇલેક્ટ્રિકમાં બોર્ડ અને એની અવનવી પ્રોડક્ટ બનાવતા હતા. લગ્ન બાદ 1987માં તેમણે ઘેરબેઠાં આ કામની સાથે જોડીને દેવી-દેવતાની મૂર્તિઓ અને ઘરે રખાય એવા શો-પીસ બનાવતા શિખડાવ્યું અને ત્યાંથી જ મહિલા ગૃહઉદ્યોગની યાત્રાનો પ્રાંરભ થયો હતો.
યુનિટ મોટો કરવાનું આયોજન કર્યું
શરૂઆતમાં એક વર્ષમાં 5 બહેનને સંસ્થા સાથે જોડી સરસ કૃતિઓ નિર્માણ કરવાનું શીખ્યા અને સાથે સાથે ઉત્પાદન શરૂ થતાં ઘરને જ માર્કેટ બનાવી વેચાણ ચાલુ કર્યું હતું. લોકોનો સારો પ્રતિસાદ મળતાં ઉત્સાહ વધ્યો અને યુનિટ મોટો કરવાનું આયોજન કર્યું.
મોટા ઓર્ડરો મળવા લાગ્યા
ત્રણ વર્ષ જેવા સમયમાં જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 25000ની લોન બેંકમાંથી મળતાં એમાંથી જરૂર મુજબની મશીનરી વસાવી હતી. બાદમાં વિવિધ કલાકૃતિઓની અવનવી ડિઝાઇન અને ગુણવત્તા જોઈ લોકો પસંદ કરવા લાગ્યા અને મોટા ઓર્ડરો મળવા લાગ્યા હતા.
વધુ ને વધુ ઓર્ડર આવવા લાગ્યા
કંચનબેને જણાવ્યું હતું કે મેં ગૃહઉદ્યોગ 1987થી શરૂ કર્યો હતો અને 1991થી અમારી પ્રગતિ થઈ છે. ત્રણ વર્ષ પછી અમને બેંકની લોન મળી હતી, જેમાંથી અમે અમુક મશીનરી વસાવી હતી. જેમ અમારી પ્રોડક્ટ બહાર ગઈ એમ વધુ ને વધુ ઓર્ડર આવવા લાગ્યા હતા. એનાથી અમે વધુ ને વધુ મહિલાને રોજગારી આપતા ગયા.
મારા ઉદ્યોગમાં જોડાયા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડો સમય વીત્યા બાદ જે મહિલાઓ આ ઉદ્યોગમાં સેટ થઈ હતી તેમનાં લગ્ન થઈ ગયાં, આથી કારીગરોની ઘટ પડવા લાગી હતી, આથી મારા ઘરના સભ્યોએ પોતાનો ધંધો બંધ કરી તેના સ્ટાફ સાથે મારા ઉદ્યોગમાં જોડાયા હતા. બાદમાં અમારો ઉદ્યોગ વધુ ને વધુ વિકસ્યો છે.
30 હજાર સુધી પગાર આપીએ છીએ
તેમણે આગળ જણાવ્યું હતું કે શરૂઆતમાં 5 બહેનથી ગૃહઉદ્યોગ ચાલુ કર્યો હતો. અત્યારે 200 બહેન આવે છે. જે બહેનને કાંઈપણ જરૂર હોય એ તમામ મદદ અમે પૂરી પાડીએ છીએ, તેમના સ્ટેટસ પ્રમાણે પગાર આપીએ છીએ. અમારા ગૃહઉદ્યોગમાં બહેનોને 10 હજારથી માંડી 30 હજાર સુધી પગાર આપીએ છીએ.
PM મોદીએ પ્રોત્સાહિત કર્યા
તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા ઉદ્યોગમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ, સતપાલ સાહેબ, રામદેવજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મુલાકાત લઈ ચૂક્યા છે અને અમને પ્રોત્સાહિત કર્યા હતા. અમે મોમેન્ટો, તામ્રપત્રમાં કલાકૃતિ, શો-પીસ સહિત અનેક સુશોભનની વસ્તુઓ બનાવીએ છીએ. મોદી સાહેબને મેં મારા હાથે એક સ્મૃતિચિહ્ન આપ્યું હતું. મોદી સાહેબના તોસાખાનામાં જ અમારા 397 સ્મૃતિચિહ્ન છે.
માર્કેટ ખૂબ સારું હતું
કંચનબેનના પુત્ર પુનિત બાંભરોલિયાએ દિવ્યા ભાસ્કરને જણાવ્યું હતું કે મારાં મમ્મીએ 1987થી આ ઉદ્યોગ શરૂ કર્યો હતો. મારા જન્મ પહેલાંની આ વાત છે. ધીમે ધીમે તેમણે એક લેવલથી તેમના લેવલ સુધી ચલાવ્યું. કારીગીરીને લઈને માર્કેટ પણ ખૂબ સારું મળતું હતું. પછી પપ્પાની મદદથી સાધનો પણ જાતે બનાવ્યાં, અમુક તૈયાર લીધા હતા. આ રીતે આખો ઉદ્યોગ ધીમે ધીમે ઊભો કર્યો છે.
કલાકૃતિ બ્રાન્ડ બની ગઈ છે
તેમણે જણાવ્યું હતું કે મહિલા ગૃહઉદ્યોગની કલાકૃતિ છે, એ બેનમૂન બની ગઈ છે. હાલ એક બ્રાન્ડ બની ગઈ છે. આજે દેશભરમાં કોઈ જગ્યાએ મોટી ઇવેન્ટ કે કાર્યક્રમ હોય તો અમારી સ્મૃતિ ભેટો જાય છે. આ વાતનું દીકરા તરીકે વધુ ગૌરવ છે. એક્સપોર્ટ ઓર્ડર પણ હોય છે. છેલ્લાં પાંચ વર્ષમાં દર વર્ષે એવરેજ 80થી 90 લાખનું ટર્નઓવર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.