જ્ઞાન પરબ:ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ ઓછો ન થાય માટે ઘરે-ઘરે જઈ લાઈબ્રેરીના પુસ્તકો આપવાનું શરૂ કર્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોને પુસ્તક આપતા આચાર્ય સંજય વેકરિયા - Divya Bhaskar
બાળકોને પુસ્તક આપતા આચાર્ય સંજય વેકરિયા
  • જેતપુરના મોટા ગુંદાળા ગામની સરકારી શાળાના આચાર્ય દ્વારા હરતું-ફરતું પુસ્તકાલય શરૂ કરાયું

શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 ના બાળકો ઓનલાઈન શિક્ષણની સાથે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. આવા બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામની સરકારી શાળાના એચટીએટી આચાર્ય સંજય વેકરિયાએ એક અભિયાન હાથ ધર્યું છે.

આ અભિયાનની વિગતો આપતાં આચાર્યએ કહ્યું કે, કોરોનાના આ કપરા સમયમાં શાળાઓ બંધ છે, જેને કારણે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં આવી શકતા નથી. શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણકાર્ય બંધ નથી. સામે ઓનલાઈન શિક્ષણની ઘણી મર્યાદાઓ રહેલી છે અને જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમનો સ્વભાવ ખૂબજ ચીડિયો બન્યો છે તેમ બાળકોના વાલીઓએ જણાવ્યું હતું.

હાલના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનની સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ ન ભૂલી જાય, સાથોસાથ કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહઅભ્યાસ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને પાઠ્ય પુસ્તક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને ઘરે ઘરે જઈને પુસ્તક આપવાનું શરૂ કર્યું .આ માટે શાળાની લાઇબ્રેરીમાં રહેલા 3000 જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મુક્યા. ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા.

એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યું ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી ? જેવી બાબતોનો મોબાઈલમાં વીડિયો બનાવી મોકલવા પણ જણાવ્યું. શાળાના આચાર્યએ શરૂ કરેલા આ વાંચન અભિયાનનો બાળકોની સાથે તેમના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. વિદ્યાર્થીઓ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંકા સારનો વીડિયો બનાવી આચાર્યએ શરૂ કરેલા શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા થયા હતા. અને બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે.

આ અભિયાનમાં માત્ર બાળકો કે વિદ્યાર્થીઓ જ નહિ, પરંતુ તેમના વાલીઓ જોડાયા હતા જેથી નિરાંતના સમયમાં તેઓ પણ મોબાઈલનો ઉપયોગ ન કરે અને પુસ્તકોનું વાંચન કરે જેને જોઈ બાળકો પણ પ્રેરિત થાય. આ અભિયાનને શાળાના આચાર્ય દ્વારા હરતું-ફરતું પુસ્તકાલય નામ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...